Archive for the ‘Uncategorized’ Category

વનપ્રવેશ

ફેબ્રુવારી 3, 2020

(લખ્યા તારીખ: ફ઼ેબ્રુઆરી ૦૨, ૨૦૨૦)

આછા થતા જતા દોસ્તો, ઉજળા થતા જતા વાળ
સમેટાતાં જતાં સૌ સુખ, ફેલાતી જતી જંજાળ

સરતો જતો આ દોર, દબાતો જતો આ દમામ
ધીમી થતી જતી સિસ્ટમ, ચડતાં જતાં આ કામ

ઘરના બજેટ કેરું આ ગુંચવાતું સ્પ્રેડશીટ
ભોળામાંથી થયા કેવા જમાનાના ખાધેલ ધીટ

આ બ્લડપ્રેશરની દવા, આ પ્રોગ્રેસિવ થતાં ચશ્માં
ઘટતું જતું બધું લાગે થોડું રસમાં થોડું વશમાં

તરડાયે જતું તન, મરડાયે જતું મન
ભરડાયે જતું ધન, વટાવાયે જતું વન

ગાય નીકળી માધવમાંથી

ફેબ્રુવારી 3, 2020

(લખ્યા તારીખ: જાન્યુઆરી ૨૯, ૨૦૨૦)

(તાલ: વાલ્ટ્ઝ)

(વિશિષ્ટાદ્વૈત સિદ્ધાંત)

આટલું તે મોટું ભાઈ અચરજ ક્યાંથી?
ગાય જેવી ગાય નીકળી માધવમાંથી!

પહેલાં તો એનાં બે શિંગડાં ભળાય
નડતર ને પડતર આઘાં કરતાં જાય
રક્ષણની ઝંઝટ માથે પહેરી લે
ગદાને આ વિના નિરાંત ક્યાંથી?

એ પછી ફૂટ્યું એનું કેવું મુખ
જોવા સાંભળવા વિચારવાનું સુખ
જાણે પોતાને ને માણી પણ લે
સુદર્શન એનાથી સારું ક્યાંથી?

પછી આવે આખા શરીરનો જોગ
ભોગોની સાથે ગુંચવાયેલા રોગ
ગાયમાંથી ગાય તો કરમાય-ખિલે
કમળની રીત છે હેં નોખી ક્યાંથી?

છેલ્લે તો આવ્યું લહેરાતું એ પુચ્છ
કર્મનાં બંધન ઉપાડે એ તુચ્છ
બગડતું સંતુલન સુધારી લે
ગાજે કૃપાશંખ વધારે ક્યાંથી?

ગાયો તે માધવ ને માધવ તે ગાય
આખા ગોકુળિયામાં આવું દેખાય
પ્રાણીમાં, જડમાં એ હર ક્ષણ પ્રગટે
આટલું તે મોટું ભાઈ અચરજ ક્યાંથી?

નીલકંઠને શેની પ્યાસ?

જાન્યુઆરી 9, 2020

(લખ્યા તારીખ: જાન્યુઆરી ૦૭, ૨૦૨૦)

રાખે તેની ચોળે રાખ
તો ય બિડેલી રાખે આંખ
લાશ મહીંથી સત્ય પમાડે
મહાકાળને શેનો નાશ?

અગમનિગમનો સુણવા સાર
નંદી વંદી વેઠે ભાર
જ્ઞાન તણા અંતે જઈ બેઠો
પશુપતિને શેનો પાશ?

ઇચ્છા જેને પામી વર
ભડભડ ભસ્મ કર્યો છે સ્મર
કાળ તણો કરનારો તેને
પામવું શું ને શેની આશ?

તાંડવ-લાસ્યે કેવલ-સાથ
નટશ્રેષ્ઠ તો નાચે નાચ
વિશ્વ તણા વિષ વશમાં રાખે
નીલકંઠને શેની પ્યાસ?

નહોતાં

ડિસેમ્બર 24, 2019

(લખ્યા તારીખ: ઓક્ટોબર ૨૫, ૨૦૧૯)

(અછાંદસ)

 મારે સૌંદર્યનાં હરણ લોભાવવાં નહોતાં

કે કાવ્યે કરી મુશાયરા શોભાવવા નહોતા

 ખોટાડો દેખાડો મજબૂતીનો કરી લેત હું

 આંસુનાં પૂરને મારે થોભાવવાં નહોતાં

 એણે મારી ડુબકી ’ને હું ઉંડાતો ગયો

મારાં મોતી મારે એમ ગોતાવવાં નહોતાં

 મૂંગા મોંએ માણે ગયો માધુર્ય મોજમાં

 લાલિત્યનાં લક્ષણો લખી લજાવવાં નહોતાં

 આ તો લખી શાયરી, નરદમ સત્ય પણ બોલત

ભરી મહેફ઼િલમાં સૌને મારે છોભાવવા નહોતા

 

અનુવાદ

ડિસેમ્બર 24, 2019

(ડિસેમ્બર ૧૦, ૨૦૧૯)

गुणा जस्स सुद्धा
बहू रूअमुद्धा।
घरं वित्तजुग्गा
मही तस्स सग्गा॥

(गुणा यस्य शुद्धा
वधू रूपमुग्धा
गृहं वित्तयुक्तं
मही तस्य स्वर्गः॥)

(पिंगल ऋषि)

ગુણો જેના શુદ્ધ, પત્ની રૂપમુગ્ધ
ઘર પણ સમૃદ્ધ,  મહી તેની સ્વર્ગ!

અનુવાદ

ડિસેમ્બર 24, 2019

(ડિસેમ્બર ૧૦, ૨૦૧૯)

नमन्ति फलिनो वृक्षा
नमन्ति गुणिनो जनाः।
शुष्क काष्ठश्च मूर्खश्च
न नमन्ति कदाचन् ।।

વૃક્ષો ફળેલાં જન ગુણધારી
નમે નમે તે લળી વારી વારી
ઉદ્દંડતા નર કે દંડ સૂકે
વળે જરી ના ન લગાર ઝૂકે

તું ક્યાં ગયો?

ડિસેમ્બર 24, 2019

(ડિસેમ્બર ૨૩, ૨૦૧૯)

જે સમય રાહ જોવામાં ગયો…
પ્રેમને પામવામાં
મકાનને બનાવવામાં
બાળકોને ડાળે વળગાડવામાં
પ્રમોશનની રાહ જોવામાં
તે જ સમય…
વધતી ઉંમરમાં
ઘસાતા શરીરમાં
વધતી એકલતામાં
ભુંસાતી યાદોમાં
… પણ ગયો!

જીવનના જાદુગરે નજરબંધી કરી
એક હાથે નવાં પાનાં આપતો ગયો
અને બીજા હાથે જૂનાં સેરવતો ગયો

અરીસામાં ડોકાઈને
પળિયાં, કરચલી, ટાલ, બેતાળાં,
ગોતીગોતીને પૂછે છે
“સમય, તું ક્યાં ગયો?”

અણઘડ હાથે ચિતરું શું?

ડિસેમ્બર 24, 2019

(ડિસેમ્બર ૧૭, ૨૦૧૯)

રંગ છે ઓછો ફલક ગોબાળું
અણઘડ હાથે ચિતરું શું?
છલછલતા આ મૃગજળ મધ્યે
ઊંડું શું ને છીછરું શું?

રુદિયું રોવે અંતર કોચે
તો યે બુદ્ધિ પળપળ શોચે
હાથ ઊઠે ન આંસુ લૂછવા
જીભ હલે ન કુશળે પૂછવા
લાલચ લોભે લળી પડેલાં
લોચન લઈને નીતરું શું?

ઘડું ઘડું તો ય ઘડો ભાગ્યનો
પૂરું જીવન ઝીલી શકે ના
ખળખળ વહેતા સંયોગોથી
ભરી કામનાકૂપ શકે ના
કાચા પાકા કર્મકળશનું
સાજું શું ને ઠીકરું શું?

દર્પણ પકડું બિંબ જ ભાગે
બિંબ પકડું ત્યાં દર્પણ ભાગે
ખડખડ હસતા બન્ને મિત્રો
મારાં ભીનાં લોચન તાગે
ગુંચવાયેલી આ દુનિયામાં
સીધું શું અળવીતરું શું?

બેરોકટોક રહેશે

ડિસેમ્બર 24, 2019

(લખ્યા તારીખ: નવેમ્બર ૨૯, ૨૦૧૯)

રોકી શકાય તેવાને રોકી લઈશું
નાથી શકાય તેવાને નાથી લઈશું
બાકીના ગુના બેરોકટોક રહેશે

રોકી શકાય તેવીને રોકી લઈશું
નાથી શકાય તેવી ને નાથી લઈશું
બાકીની ચિંતા બેરોકટોક રહેશે

રોકી શકાય તેવાને રોકી લઈશું
નાથી શકાય તેવાને નાથી લઈશું
બાકીના રોગ બેરોકટોક રહેશે

રોકી શકાય તેવીને રોકી લઈશું
નાથી શકાય તેવીને નાથી લઈશું
બાકીની પીડા બેરોકટોક રહેશે

રોકી શકાય તેવીને રોકી લઈશું
નાથી શકાય તેવીને નાથી લઈશું
બાકીની દુર્ઘટના બેરોકટોક રહેશે

ઓ જીવન, બસ એટલો છે પ્રશ્ન મારો

ડિસેમ્બર 24, 2019

(લખ્યા તારીખ: નવેમ્બર ૦૭, ૨૦૧૯)

આજે છે ઉતાવળમાં આટોપાતા તહેવારો
અને દોડાદોડમાં ઉકેલવા પડતા વહેવારો
ઘટીને ક્યારેક એટલા થઈ જશે કે
સપરમા દિવસો ય એકલા નહીં ખૂટશે કે?
ઓ જીવન, બસ એટલો છે પ્રશ્ન મારો

આજે છે કાન ફાડી નાખનારો દેકારો
અને નવરા ન પડવા દે એટલા પડકારો
ઘટીને ક્યારેક એટલા થઈ જશે કે
માણસોને જોવા જાત બારીએ બેસશે કે?
ઓ જીવન, બસ એટલો છે પ્રશ્ન મારો

આજે છે ઊંઘવા ન દે એટલો ધખારો
અને ભડભડ બળવા તૈયાર ઇચ્છાનો મારો
ઘટીને ક્યારેક એટલો થઈ જશે કે
ચાંગળું પાણી પણ પીવાની ના પાડશે કે?
ઓ જીવન, બસ એટલો છે પ્રશ્ન મારો