Archive for the ‘સાંગોપાંગ ગલઝ’ Category

હોય છે (ગલઝ)

જુલાઇ 23, 2013

(લખ્યા તારીખ: જુલાઈ ૨૩, ૨૦૧૩)

(છંદ: લગાગાગા ગાલગા ગાલ| લગાગાગા ગાલગા ગાલ)

કહેશે ના ઊંડેરી વાત દિવાનાને હોય છે ભાન

બધાંમાં તે બોલશે કેમ? દિવાલોને હોય છે કાન

તમે આવો આજ જો આમ શરાબીઓ ભૂલશે પાન

ન મયખાનાં ચાલશે આજ, કલાલોને હોય છે શાન

નથી સારું મારવું સાવ મિયાનોના મારથી આમ

સુનેત્રા મા મીંચશો આંખ! હલાલોને હોય છે જાન

પડી રે’શે આપણે માટ ભરી રાખેલા જળાધાર

જતા રે’શે ઓળવી દૂધ, મરાલોને હોય છે જ્ઞાન

ઠરી જાતી જાતને યાર કરે કોઈ ના કરે યાદ

ધખી જાતી રાતમાં આપ મશાલોને હોય છે માન

 

કલમ

ફેબ્રુવારી 9, 2013

(છંદ: લલલ લલગા લલલ લલગા)

(લખ્યા તારીખ: ફ઼ેબ્રુઆરી ૦૯, ૨૦૧૨)

સનમ સમરે કલમ ભટકે

નયન સરખી કલમ ટપકે

જગત નડશે સનમ તમને

કલમ કરશું કલમ ઝટકે

સનમ સરખા સજનપણનું

કવન કરતી કલમ ખટકે

સગડ સરવા નજર નમણી

કથન કરતાં કલમ બટકે

અસર તમની સનમ ગણતાં

શરમ વળગે, કલમ અટકે

કૂવા (પ્રથમ ’ગલઝ’)

ફેબ્રુવારી 4, 2013

(લખ્યા તારીખ: ફ઼ેબ્રુઆરી ૦૪, ૨૦૧૩)

(છંદ: ગાગાલગા|ગાગાલગા|ગાગાલગા|ગાગાલગા)

(સર્વપ્રથમ ’ગલઝ’ – ગઝલ નહીં. અહીં રદીફ઼ અને કાફ઼િયાનો ક્રમ ઊલટો છે. “કૂવા” રદીફ઼ “ભળે”, “મળે” વગેરે કાફ઼િયાથી પહેલાં આવે છે.)

(માત્ર પહેલી ગલઝ હોવાનું મહત્ત્વ છે.  આમ તો શે’રોમાં કંઈ દમ નથી. મત્લા દિલ્હીની સામૂહિક બળાત્કારની ઘટનાની અંજલિ સ્વરૂપે લખાયેલો છે.
જેમ જેમ કલમ ઘડાશે તેમ તેમ સારું લખાતું જશે. જોતા રહેજો અને પ્રતિભાવ ખાસ લખજો.)

જો જોબનોની વાસનામાં ઝાળના કૂવા ભળે

તો કામિનીની કાંખમાંહે કાળના કૂવા મળે

જ્યારે મળે ના ઢાંકણી ડૂબી જવાને પૂરતી

ત્યારે ઘણાં ઊંડે ભર્યાં દુઃખો તણા કૂવા ગળે

જોયા નહીં જો હોય આપે હિમ્મતેથી આયના

સસલે બિછાવી જાળ સંગે આપને કૂવા છળે

આઘાં જવું આગોશથી – લાચારતા કેવી હશે?

આઘે જતાં એકાદ ક્ષણમાં ડૂબવા કૂવા મળે

જોવા રહ્યાં, રોવા રહ્યાં, ખોવા રહ્યાં, લ્હોવા રહ્યાં

આ આંખમાં દુઃખો ન જાણે ક્યાંકથી કૂવા કળે!