સંગીતકારોને માટે

ગુજરાતીના સાહિત્યકારો ભલે ખાંડ ખાય પણ જે ગવાતું નથી તેનાથી ઘવાતું નથી. જો આ કવિતાઓએ દીર્ઘજીવી થવું હોય તો તેણે તમારા સંગીતનો આધાર લેવો જ રહ્યો. સંગીત રચવું તે કાવ્ય રચવા જેટલું જ – કે વધુ અઘરું કામ છે. આ વાતનું સન્માન કરીને મેં આ બ્લૉગના કોપીરાઇટ બદલેલા છે જે જોઈ જશો.

હું થોડું ઘણું તાલ-સંગીત જાણું છું. આથી જે કાંઈ મારાથી ગાઈ શકાય છે તેની મારા મનની તરજ પ્રમાણે તાલ નોંધ્યા છે. મારા મનમાં રહેલી તરજો ધીમે ધીમે MP3 format માં અહીં ચડાવતો જવાનો છું.

તમે જુદી રીતે બંદીશ બનાવો તો કહેજો, હું જે-તે તાલ, રાગ કે સ્વરલિપિ અહીં ઉમેરવાને રાજી છું.

સાધારણ રીતે છંદોબદ્ધ કાવ્યો તો સરળતાથી સંગીતનિબદ્ધ થઈ શકશે. ગીતોમાં પણ કંઈ તકલીફ જેવું નથી. ખાસ કરીને ગઝલોમાં કેટલાક છંદો નવા છે. આથી તેને માટે નવા તાલનો પ્રયોગ કરવો પડે તેમ છે – અને તેથી તમારા સંગીતમાં પણ પરંપરાગત “ગઝલ એટલે રૂપકમાં કે દાદરામાં”થી જુદો વળાંક આવશે.

ઘણી જગ્યાએ થોડા ઘણા છંદભંગના કારણે પણ કવિતાને  ’અછાંદસ’ લૅબલ આપ્યું છે આથી હું તમને અછાંદસ વિભાગ પણ ફંફોળવાનું સુચવીશ.

તમે રેકોર્ડિંગ પ્રગટ કરો તો તેની એક કૉપી મને મોકલી આપશો તો ગમશે. જો બીજાને સાંભળવા આ બ્લૉગ પર મૂકવાની સંમતિ આપશો તો વધુ ગમશે. જો પુરસ્કાર પણ આપશો તો સૌથી વધુ ગમશે! (સાહિત્યકાર તો છું પણ ગુજરાતીનો ને!) હા, તમે પુરસ્કાર આપવાને બંધાયેલા નથી – પણ બીજી શરતો માટે લાયસન્સિંગનું પેજ જોઈને આગળ વધજો!

Leave a comment