Archive for the ‘બાળગીતો, વાલીગીતો અને હાલરડાં’ Category

દીર્ઘાયુષ્ય

જુલાઇ 18, 2019

(લખ્યા તારીખ: જુલાઈ ૧૮, ૨૦૧૯)

નેવું વરસની ડોસી પેલી સામે પાટિયે ઝૂલે છે

વરસો યાદ કરે છે ઘેલી, નામ બધાંનાં ભૂલે છે

 

ઘરનાં સૌએ ઝઘડી એને, પ્રેમ કરીને થાક્યા છે

વાત કરું તો પૌત્રવધૂનાં થોડાં પળિયાં પાક્યાં છે

 

ઘરમાં આમ જુઓ તો સાદા સીધા આનંદ મંગળ છે

નખની માંહે રોગ નથી ને ધીમે ખૂટતાં અંજળ છે

 

વેગે વિમાન આવે તેની રાહ જોઈને બેઠી છે

દિકરા કેરા અંતરમાંહે નોખી ચિંતા પેઠી છે

 

“મા તો જાશે તેડું આવે, ત્રીસ અમારાં બાકી છે

મા તો ઘસાણી, કરી કરીને ઘરવાળી યે થાકી છે

 

આ ઉંમરે કેમ બદલાશું?” એવા વિચાર સૂઝે છે

દીર્ઘાયુષ્યના પુસ્તક કેરું અઘરું પાનું ખૂલે છે!

બાપનું વેકેશન

એપ્રિલ 22, 2013

(લખ્યા તારીખ: એપ્રિલ ૨૨, ૨૦૧૩)

(છેલ્લી પંક્તિમાં ભાવપલટો અચાનક જ આવી ગયો!)

જો બાપને ય પડતું હોત વેકેશન ભેગું તો

છોકરાં પતંગના હોત ચેમ્પિયન

મમ્મીને તો નાનીની પાસે મોકલી દેત ’ને

દેત એનેય સરસ વેકેશન!

જો બાપને ય પડતું હોત વેકેશન ભેગું તો

થઈ જાત ક્રિકેટમાં ધમ્માલ

શિખી જાત જાત-જાતના જાદુના ખેલ ’ને

કરી દેત ભણવામાં કમ્માલ

જો બાપને ય પડતું હોત વેકેશન ભેગું તો

દાદીનું હરખાતું હોત મંન

દાદા ’ને કાકા ’ને નાના ’ને મામા

કોઈને ભૂલા ન પાડત વંન!

ફરકડી ફરકે છે!

ઓગસ્ટ 20, 2011

(લખ્યા તારીખ: નવેમ્બર ૦૬, ૨૦૦૦)

(તાલ: દ્રુત હીંચ)

(અમારો મોટો જ્યારે નાનો હતો ત્યારે અમે સનીવેલ, કેલિફ઼ોર્નિયામાં રહેતાં. અમારી પાસે નિસ્સાન અલ્ટિમા કાર હતી. એને પાછલી સીટમાં પાછળ ફેરવીને બેસાડવાનો હતો. એને એકલું ન લાગે માટે પાછળના એરિયલ પર અમે એલ્યુમિનિયમનાં પાંખિયાં વાળી એક ફરકડી બાંધેલી. સનીવેલમાં કાર ફરે અને ફરકડી ફરકે!

આ ગીત લખ્યાની આસપાસ મારાં મા-બાપ મારા છોકરાને પાછળ, એકલો, ઊંધે મોંએ કાર સીટમાં રાખવા બદલ મને “અમેરિકન” કહીને ચિડવતા. એક વાર નાપાની ખીણમાં જતાં અમને એક્સિડંટ થયો અને માત્ર એ ચોખલિયાપણાના કારણે જ આજે અમારો લાડકડો પાંચ હાથ પૂરો થવામાં છે.

તમે કોઈ બીજા ગામમાં હશો, તમારી પાસે કોઈ બીજી કાર હશે. તમે પણ એકાદી ફરકડી લગાડી દેજો!

હા, તમારા લાડકાને કે લાડકડીને પાછળ જ બેસાડજો અને બરાબર કાર સીટે બાંધજો. ભલે ચોખલિયા લાગો!

जीवेन शरदः शतम् )

(અર્પણ: આત્માને અમર ગણાવી લોકોને ઊંધે રવાડે ચડાવી, હેલ્મેટથી વિમુખ કરનારા ખૂનીઓને)

(અર્પણ: ન્યૂટનના નિયમો ભણતા અને ન સમજતા, હેલ્મેટ ન પહેરનારા આત્મઘાતીઓને)

(અર્પણ: જીવન માત્ર ભોગવવા માટે છે તેમ માની, વાળ વિંખાવાની ચિંતા પાછળ હેમરેજ થવાના જોખમ લેનારા દોઢ મરદોને)

આખા સનીવેલમાં નથી એક કાર, ફરકડી ફરકે છે!

જેને ફરકડીનો આધાર, ફરકડી ફરકે છે!

એક આપણી અલ્ટિમા કાર, ફરકડી ફરકે છે!

જેને ફરકડીનો શણગાર, ફરકડી ફરકે છે!

એ તો ફરકે છે કાચની પાર, ફરકડી ફરકે છે!

એને એરિયલનો આધાર, ફરકડી ફરકે છે!

એને પાંખિયાં છે રે ચાર, ફરકડી ફરકે છે!

એમાં રંગ ભર્યા છે હજાર, ફરકડી ફરકે છે!

લીપ યરનું જોડકણું

મે 16, 2011

(”સોલોમન ગ્રેન્ડી’ પરથી પ્રેરણા)

(’બ્રુઆરી’ અને ’ઓગણત્રીસ’ એક-એક માત્રામાં જ ગાઈ નાખવા)

મોરારજીભાઈ તો કમનસીબ

જન્મતારીખ ફ઼ેબ્રુઆરી ઓગણત્રીસ

સાચવી જીવ્યા સો વરસ તો ય

જન્મદિવસ આવ્યા પચીસ!

આંતર-કવિતા

નવેમ્બર 22, 2010

(લખ્યા તારીખ: નવેમ્બર ૨૨, ૨૦૧૦)

(જેમ આંતરખેડ થાય તેમ એક જાણીતા બાળકાવ્યની દરેક પંક્તિ પછી મારી પંક્તિ.

મને મૂળ કાવ્યના રચયિતા ખબર નથી. કોઈ ચીંધશે તો મંજૂરી માગીશ.)

મારા પ્રભુ તો નાના છે

સાવ જ છાનામાના છે

દુનિયાના એ રાજા છે

પુરાણા, તાજામાજા છે

ઊંચે આકાશે બેઠા છે

અંતર તળિયે હેઠા છે

સાગરજળમાં સૂતા છે

હશે હમેશાં – હૂતા, છે

યમુનાકિનારે બેઠા છે

સૌના દિલમાં પેઠા છે

મીઠી બંસી બજાવે છે

શ્રાવણ-મેઘ ગજાવે છે

પગમાં ઝાંઝર પહેર્યાં છે

સૌનાં દુઃખડાં વહેર્યાં છે

છનનન છનનન નાચે છે

સૌનાં અંતર વાંચે છે

નાનું ફૂલ ફટાયો

ઓક્ટોબર 22, 2010

(લખ્યા તારીખ: ઑક્ટોબર ૨૨, ૨૦૧૦)

(જેને બે દિકરા હોય – અને કવિતા વાંચી શકે તેટલા હોશ બચ્યા હોય, તેને નાના દિકરાનો આ સંવાદ ગમશે)

(તાલ: કહરવા)

હું છું નાનું ફૂલ ફટાયો, ઘરનો બીજો લાલ

ભૂલી જાત તમે મને – તે મારું નોખું વ્હાલ!

બેને બદલે ત્રણ મોટેરાં રાખે મારું ધ્યાન

પજવું મનભર પાટવીજીને, મારી નોખી ચાલ!

બચપણ મારું બમણું મોટું, દાદાગીરી તમણી

ડહાપણ ચારગણું રાખું ’ને હસતા રાખું ગાલ!

રડવે પહોંચું, સહેજે વહેંચું, નવગણા તો નખરાં

મા-બાપાને લાગું મીઠો, રવી સમો હું ફાલ!

રવી = શિયાળાના પાકની, વર્ષની બીજી મોસમ

ક્યારેક વછેરો, ક્યારેક વાંદરો

ઓગસ્ટ 24, 2010

(અછાંદસ)

(લખ્યા તારીખ: ઑગસ્ટ ૨૪, ૨૦૧૦, શ્રાવણીપર્વ)

(દસ વર્ષના બાળકને)

ક્યારેક વછેરો, ક્યારેક વાંદરો,

ક્યારેક તું લાગે છે મિત્ર!

ક્યારેક હરીફ, ક્યારેક શિશુ,

સરેરાશ ગમતું લાગે છે ચિત્ર!

કપડાં ’ને પગરખાં ’ને હવે પથારી પણ

ક્યારેક ટૂંકી પડવાનો લાગે ડર!

તારી માને રંધાવી રોવડાવે છે ક્યારેક

’ને ક્યારેક ઊપાડી લે છે આખું ઘર!

મારી જિંદગીના મોટામાં મોટા કાર્યક્રમ

તને ગણવો ચેલેન્જ કે સૌભાગ્ય?

આવડી મોટી દુનિયામાં ધકેલવાને

હું છું કે તને ઘડવાને યોગ્ય?

ક્યારેક હસાવે, ક્યારેક કરાવે ગુસ્સો

ક્યારેક વેરે વટાણા કે વધારે વટ!

ઊગ તારી ઝડપે, ધીમેથી ટીન્સમાં

તને મોટો નથી કરી મૂકવો ઝટ!



નાના બાળકને વ્હાલી વ્હાલી

જુલાઇ 24, 2010

(તાલ: હીંચ)

(’બાળક’ ની જગ્યાએ બાળક/બાળકીનું નામ લખી, જાતિ પરિવર્તન કરી ગાવું)

(આ હાલરડાંની સાઉન્ડ ફાઈલ માટે રાહ જુઓ. ખરેખર બહુ મીઠું છે!)

નાના બાળકને વ્હાલી વ્હાલી (૨)

ભૂલમાં બાળકને સાયકલ આપી

પહેલા પેડલથી એ તો ચાલી ચાલી!          નાના.

ભૂલમાં બાળક તો નાટકમાં ઊતર્યો

આખું ઓડિયન્સ પાડે તાલી તાલી!                       નાના.

ભૂલમાં બાળકને ચોકલેટ આપી,

એનાં રૅપર મળ્યાં ખાલી ખાલી!                   નાના.

બાળકને ઊંઘ આવે છુમ

ફેબ્રુવારી 22, 2010

(લખ્યા તારીખ: માર્ચ ૨૦૦૦)

(તાલ: હીંચ)

(’બાળક’ ની જગ્યાએ બાળક/બાળકીનું નામ લખી, જાતિ પરિવર્તન કરી ગાવું)

(આ હાલરડાંની સાઉન્ડ ફાઈલ માટે રાહ જુઓ. ખરેખર બહુ મીઠું છે!)

બાળકને ઊંઘ આવે છૂમ! (૨) બીજા બધ્ધાંની ઊંઘ ગુમ!                                                બાળકને.

ફોટા, રમકડાં, ઢિંગલાં ’ને ફૂગ્ગા, બાળકનો શણગાર્યો રૂમ!                                               બાળકને.

પપ્પાને કેરી, મમ્મીને કેળાં, બાળકને આખ્ખી દ્રાક્ષ લૂમ!                                                 બાળકને.

આજુબાજુમાં, ઉપર ’ને નીચે, બાળકના નામની ધૂમ!                                                     બાળકને.

વહાલી મમ્મી તો દોડતી આવે, બાળક જ્યાં પાડે એક બૂમ!                                             બાળકને.

બાળકનું માથું ઝોલા ખાતું, બાળકની આંખ લાલ ઘૂમ!                                                      બાળકને.

બાળક કરે છે ધમાલ મારા વા’લા

ફેબ્રુવારી 21, 2010

(લખ્યા તારીખ: સપ્ટેમ્બર ૨૨, ૨૦૦૦)

(તાલ: હીંચ)

(’બાળક’ ની જગ્યાએ બાળક/બાળકીનું નામ લખી, જાતિ પરિવર્તન કરી ગાવું)

બાળક નામનો છોકરો રે, બાળક કરે છે ધમાલ મારા વા’લા                                     બાળક.

બાળકનો તો ભાઈ રે, તેમાં પુરાવે છે તાલ મારા વા’લા                                           બાળક.

બાળકના તો દાદા રે, એને કરે છે બહુ વ્હાલ મારા વા’લા                                        બાળક.

બાળકના તો પપ્પા રે, માથે પડી ગઈ છે ટાલ મારા વા’લા                                    બાળક.

બાળકની તો મમ્મી રે, એની સૌ જાણે છે ચાલ મારા વા’લા                                     બાળક.