Archive for the ‘કુટુંબજીવન’ Category

વધુ એક સેમેસ્ટર

સપ્ટેમ્બર 24, 2019

(લખ્યા તારીખ: ઓગસ્ટ ૧૯, ૨૦૧૯)

વધુ એક સેમેસ્ટર કરો ચાલુ
વધુ એક કિલ્લાને ઘાલો ઘેરો
ધીમે ધીમે થવાનું છે ચક્રવર્તી
ધીમો ધીમો વાળવાનો છે ફેરો!

આ એક ડુંગરો સામે ખડો
વધુ એક ડુંગરા માથે ચડો
વધુ એક શિખર પરથી જુઓ
આપણા ઝંડાની એ લહેરો!

ધીમે ધીમે ઘરનાં ય ટેવાય છે
એમનાથી ‘જય’ ગવાય છે
વેકેશનની ય રાહ જોવાય છે
વહાલ વધુ ને ઓછો પહેરો!

સમજણ પડશે ત્યાં તો પૂરું
મીઠું-ખાટું-તીખું-કડવું-તૂરું
પછી સૂર્યોદય, આકાશ ભૂરું
ધીમે ધીમે ખિલે છે ચહેરો!

આ રસોડું – કતલખાનું!

નવેમ્બર 3, 2010

(લખ્યા તારીખ: નવેમ્બર ૦૩, ૨૦૧૦)

(સ્મરણ: શંકરાચાર્ય – अहम् भोजनम् नैव भोज्यम् न भोक्ताः )

આ રસોડું – કતલખાનું!

ન જાણે ક્યારે એ બંધ થવાનું?

ચણામાંથી દળાવાનું,

વેસણમાંથી ગુંદાવાનું,

કણકમાંથી તળાવાનું,

સેવમાંથી શાક થવાનું!

– છોડ થવાનું છોડી, રણછોડના ભોગ થવાનું!

આ રસોડું – કતલખાનું!

ન જાણે ક્યારે એ બંધ થવાનું?

શિરામણ, જમણ, વાળુ રાંધવાનું!

સવારના પાંચથી રાતના નવ સુધી

વગર પંખે તપવાનું!

“આજે દાળમાં મીઠું નથી”થી માંડી

“મારી બા તો બહુ સરસ લાડુ બનાવતી!” એવું એવું

હસતા મોં એ સાંભળવાનું!

અગિયારસને, ડાયાબિટિસને અને ગમા-અણગમાને

યાદ રાખવાનું!

– છોડી થવાનું છોડી, અન્નપૂર્ણા બની રહેવાનું!

આ રસોડું – કતલખાનું!

ન જાણે ક્યારે એ બંધ થવાનું?

કઠોળ ન ઉગાડે દેશ અને

બિલ મારે ભરવાનું!

રોજ અને ભવિષ્ય માટે

કેવા-કેવા સાથે માથું ફોડવાનું?

દિવસમાં ચાર કલાક તો

ટ્રાફ઼િકમાં આથડવાનું!

દેવનું, ગુરુનું, મા-બાપનું,

બાળકોનું અને વૃદ્ધાવસ્થાનું કાઢવાનું!

વરસે એક સાડી પ્રેમથી એ માંગે ત્યારે

“છોકરાં ભૂખે મરશે ત્યારે?” કહી

આપણા જ મનને મારવાનું!

– સઘળું છોડી, સો વરસ ચલાવવાનું!

આ રસોડું – કતલખાનું!

 

 

પાર્ટી

જાન્યુઆરી 30, 2010

(લખ્યા તારીખ: જુલાઈ ૦૫, ૨૦૦૮)

લાગે છે પાર્ટી હવે પૂરી થઈ

સંતાનોની બર્થ ડે કેઇક પર

હવે બબ્બે લાગે મીણબત્તી

મહેમાનોની જવાની વેળા

નજીક લાગે ઓછીવત્તી

મને કળાયે આઘેઆઘે

તું કિચનમાં કામ ઉકેલે

તને કળાયે તુજ જીવન તો

બેઠકરૂમથી સૌને ઉઘેલે

આ પોઠો તો કદી ઊપડશે

વાગવા લાગ્યા એના શંખો

ફૂગ્ગા ઢીલા થયા દિવાલે

ફડફડાટ છો ફરે છે પંખો

કહી દીધું મેં આસાનીથી

“ચાલો, હવે શણગાર ઉતારો!

પાર્ટીઓ તો પૂરી થયા કરે

ફૂગ્ગાઓ ઉતારો, વાત સ્વીકારો!”

“ભલેને રહેતા આ ફૂગ્ગાઓ

પપ્પા, પ્લીઝ ના એને ઉતારો!

જ્યાં સુધી એ ભીંત ઉપર છે

ત્યાં સુધી જન્મદિવસ-અસર છે!”

“ભલે!” કહીને ઠેલી ખુરશી

થોડાં પગલાં આવું અંદર

જાણે નૈઋત્યનું ચોમાસું

આવી ચડે વટી સમંદર

તું થાકેલી, હું યે થાકેલો,

કલબલતા આ માળામાં

એકદા હટ્યો જ્યાં માનવમેળો

કિચન આવ્યું સાત ડગલાંમાં

ફૂગ્ગાઓને ફૂસકવા દે!

લાગે છે પાર્ટી કદી પૂરી નહીં થાય!