Archive for the ‘ચિંતન’ Category

લિખિત શબ્દનું શ્રાદ્ધ

મે 16, 2011

(લખ્યા તારીખ: જુલાઈ ૨૧, ૨૦૦૮)

(હસ્તલેખન ભુલાતું જાય છે. મેં પોતે છેલ્લે હાથે ક્યારે લખેલું તેની મને યાદ નથી. મુદ્રિત શબ્દ પણ ભુલાઈ જશે. ઇલેક્ટ્રોનિક શબ્દ જીવશે. ઘણી ખમ્મા યુનિકોડને!)

(જ્યારે ૧૯૮૮થી માંડીને લખેલી બધી કવિતાઓ ગયા વરસે આ બ્લૉગ પર ચડાવી ત્યારે માત્ર આ એક જ ખોવાઈ ગઈ હતી. આજે જૂની હાર્ડડિસ્ક સાફ઼ કરતાં મળી આવી. એ આનંદ તો શેં વર્ણવ્યો જાય?)

(સ્મરણ:

असितगिरिसमम् स्यात् कज्जलम् सिंधुपात्रे सुरतरुवरशाखालेखिनीम् पत्रमूर्वी

लिखति यदि गृहीत्वा शारदा सर्वकालम् तदपि तव गुणानामीश पारम् न याति

(श्री पुष्पदंतमुखपङ्कज निर्गतेन शिवमहिम्न स्तोत्रै:)

)

પર્વતો કેરી શાહી કરીને

ખડિયો રત્નાકર બનાવી

પૃથ્વી ઉપર લખતી રહેતી

સરસ્વતીને સાદ કરું છું

લિખિત શબ્દનું શ્રાદ્ધ કરું છું

ગારા ઉપર આંકા પાડી

ક્યુનિફ઼ોર્મ તડકે તપાવી

વળી પથ્થરો ઉપર અમારી

વીરગાથાઓ ભરી છપાવી

માટી થઈને જા માટી! હું

બંધનથી આઝાદ કરું છું!

લિખિત શબ્દનું શ્રાદ્ધ કરું છું

ક્યારેક ચર્મ, ક્યારેક તામ્ર,

ક્યારેક ભીંતો, કાપડ ક્યારેક,

ક્યારેક પેપીરસ, ક્યારેક કાગળ,

અને ગુફાની શિલાઓ ક્યારેક

અંતર સુધી જઈ પહોંચતા

વિચારોને સોગાદ કરું છું

લિખિત શબ્દનું શ્રાદ્ધ કરું છું

ફગાવી કાગળ, શાહી, ખડિયા,

અને તેના પ્રિન્ટર સમોવડિયા,

કદી વીજાણુઓનું નર્તન

કે ધાતુ મધ્યે પરાવર્તન

દેશ વિંધીને, કાળ વિંધીને

ચૈતન્ય આસ્વાદ કરું છું

લિખિત શબ્દનું શ્રાદ્ધ કરું છું

કદાચ

ફેબ્રુવારી 28, 2010

(લખ્યા તારીખ: ૧૯૯૦)

કદાચ એક એવો પ્રણય આવે જે પછી ઘૃણા ન હોય

કદાચ એક એવું નામ આવે જે પછી સંબંધ ન હોય

કદાચ એક એવી ક્રિયા આવે જે પછી કલ્પના ન હોય

કદાચ એક એવું પૂર આવે જે પછી તરંગ ન હોય

કદાચ એક એવી ક્ષણ આવે જે પછી પ્રલય ન હોય

કદાચ એક એવી સ્થિતિ આવે જે પછી ઘટના ન હોય

કદાચ એક એવું સ્થળ આવે જે પછી સફર ન હોય

કદાચ એક એવો જન આવે જે પછી ઈશ્વર ન હોય

શબ્દો તો કાચ છે

ફેબ્રુવારી 21, 2010

(લખ્યા તારીખ: જૂન ૧૩,૧૯૯૨)

(તાલ: દાદરા)

શબ્દોમાં સુરા છે, અમી કે વિષ ધરાવે છે

શબ્દ સહેલા નથી પચાવવા, શબ્દો તો કાચ છે

શબ્દોમાં ખાલીપો પણ દેખાય છે પારદર્શક

શબ્દ ક્યાંય નથી દેખાતા, શબ્દો તો કાચ છે

શબ્દોમાં જાદુ છે, રાઈના પર્વત બનાવે છે

શબ્દ સત્ય નથી બતાવતા, શબ્દો તો કાચ છે

શબ્દોમાં ધાર છે જરા ફોડીને જોઈ જો

શબ્દ વાપરતાં સંભાળજે, શબ્દો તો કાચ છે

ઇતિ ન હાસ

ફેબ્રુવારી 21, 2010

(લખ્યા તારીખ: ૧૯૯૦)

બદલાઈ જાય ઇતિહાસ જો પાછા ફરે કાંટાઓ

બદલાઈ જાય ઇતિહાસ જો સંધાઈ જાય ફાંટાઓ

બદલાઈ જાય ઇતિહાસ જો પીઠે પણ હોય નયનો

આવાહ્ને ઉત્થિત થઈ વીરો છોડે ભૂમિશયનો

બદલાઈ જાય ઇતિહાસ જો પુનરાવૃત્ત ન થાય ભૂલો

ન રખાય નિર્બળોને ચૂસતા, લોહીતરસ્યા ઉસૂલો

બદલાઈ જાય ઇતિહાસ જો નિર્ડંખ થાય હૃચ્છૂલો

લેવા વેર ઊઠે જો કચડાયેલા ભોળાં કુસુમો

બદલાઈ જાય ઇતિહાસ જો પ્રજળી જાય સ્મૃતિઓ

બદલાઈ જાય ઇતિહાસ જો સફળ થાય કૃતિઓ