ફ઼્લોપીને

નવેમ્બર 28, 2012

(લખ્યા તારીખ: નવેમ્બર ૨૧, ૨૦૧૨)

(હમણાં અમારા ચાતુર્માસ નિમિત્તે જૂની ૩.૫ ઇંચની ફ઼્લોપીઓ ખાલી કરતાં મને સૂઝેલું કાવ્ય)

યાદ છે, તું રાજ કરતી’તી?

ઘણો લાંબો વખત તું હાથમાં ર્‍હેતી’તી ફરતી ’ને

ધરી દોઢ એમ.બી.ની નજીવી લક્ષ્મણરેખા આડી

ડૅટાના છદ્મ, છેતરતા, લંપટ, લાલચુઓથી

લજાઈ, લાજ કરતી’તી!

છતાંયે ઘૂમતી’તી ઘોર તું, ફ઼્લોપિકાદેવી

અમારા જીવતરની તું હતી આધાર, ક્‍હે કેવી!

જરા શી અવગણો જ્યાં, ત્યાં રિસાઈ તું

બધું તારાજ કરતી’તી!

બની આધાર તું થોડો સમય ત્સુનામીનો

ફરી વળ્યો ચોમેર ઝંઝાવાત માહિતીનો

અંગુષ્ઠમાત્ર થમ્બડ્રાઇવથી હવે હારી

જ્યાં સજ્યા તું સાજ કરતી’તી!

Advertisements

સુગંધનો ચહેરો

સપ્ટેમ્બર 5, 2012

(ક્યારેક કોઈ એક વ્યક્તિ મળી જાય અને આપણે એને બીજી જ સમજી બેસીએ. એવા એક સમયે મને કેવો અનુભવ થયો તે અહીં.)

ઘણા સમયે મને લ્હેરખી મળી – પણ મને નામ યાદ આવ્યું સુગંધનું

મેં તો એને સુગંધ ગણીને પૂછપરછ કરી – અને લ્હેરખી ગુંચવાઈ ગઈ

એ ગઈ એટલે મારી પત્નીએ મને કોણી મારીને પૂછ્યું કે ક્યાં ભૂલ કરી?

મેં કહ્યું કે મને આ છોકરીનું નામ નથી યાદ! એ સુગંધ તો નહોતી!

સુગંધ તો હવે હતી સાત સમુંદર પાર, સોનામહેલમાં પરી

પોતાના પતિ સાથે – એકલી, અને કદાચ અટૂલી પણ ખરી

અને લાલ વહેતી આંખે ફૂંકતી હશે પોતાના સોનામહેલનો ચૂલો

એકલો તો અહીં પેલો ચમન પણ હોય છે હવે, સાવ અટૂલો

કેવી મધુરી જોડી હતી ચમન અને સુગંધની, વાહ, આહ!

પણ રેશનકાર્ડ કરતાં ગ્રીનકાર્ડ ભારે તો ગણાય જ છે ને!

ભલેને રાજકુમારી ન ગણે, પણ રાજા તો ગણે જ ને ભારે!

જતી રહી એ આંસુ સારતી – ચમન પણ રહ્યો આંસુ લ્હોતો

ન જાણે કેમ આજે મારાથી લ્હેરખીને સુગંધ સમજાઈ ગઈ?

મને સુગંધનો ચહેરો જરાય યાદ નથી આવતો એનું દુઃખ નથી

દુઃખ એ છે કે ચમન સુગંધના ચહેરાને ભૂલી નથી શકતો!

આ બ્લૉગ પરથી સારી ગઝલો ક્યાં ગઈ?

જૂન 4, 2012

તમને યાદ હોય તો આ બ્લૉગ પર “સાંગોપાંગ ગઝલો”ની લિંક નીચે ઢગલાબંધ ગઝલો હતી. તે ક્યાં ગઈ?

ઘટસ્ફોટ કરું તે પહેલાં એક આડવાત.

બ્લૉગ અને પુસ્તકમાં પાયાનો એક ભેદ છે. બ્લૉગમાં તાજું લખાયેલું પહેલાં દેખાય અને પુસ્તકમાં વાસી લખાયેલું પહેલાં દેખાય. અર્થાત્ જો સસ્પેન્સ નવલકથા બ્લૉગ પર લખીએ તો કોણે ખૂન કર્યું તે પહેલું વંચાય! 🙂 આમ, પુસ્તકો લખવા માટે બ્લૉગનું માધ્યમ જરા ટેડું છે.

હવે હું વર્ડપ્રેસના બ્લૉગ પર પુસ્તકાકારે રચનાઓ મૂકતાં હું શીખી ગયો છું. મેં ગઝલોનું દીવાન કાઢવા ધાર્યું છે. આથી બધી સાંગોપાંગ ગઝલોની સાગમટે બદલી કરી નાખી છે – “અમારે આયખે” નામના બ્લૉગ પર. અર્થાત્ અહીં. હજુ એમાં ગઝલો ઉમેરવાનું ચાલુ છે.

બ્લૉગના ચતુર વાચકો જાણી જ ગયા હશે કે દીવાનનું નામ “અમારે આયખે” રાખવાનો વિચાર છે.

આપ એ બ્લૉગ પર પણ પધારો અને ગુજરાતીના પહેલા ઓનલાઇન દીવાનને અને પહેલા ઓનલાઇન તૈયાર થઈ રહેલા પુસ્તકને આશિર્વાદ આપો!

અમી

એપ્રિલ 23, 2012

(વચ્ચેના બે વાક્યો મોટેરાં પાસેથી ઘણી વાર શિખામણમાં સાંભળ્યાં છે. મેં ઉપર અને નીચે એક-એક વાક્ય ઉમેર્યું.)
(ગાગા ગાલગા લગા| ગાગા લલગા લગા)

જેના હાથમાં અમી તેને દુનિયા ખમી
જેની આંખમાં અમી તેને દુનિયા ગમી
જેની જીભમાં અમી તેને દુનિયા નમી
જેના અંતરે અમી તેની દુનિયા શમી

ભડભડ બળતી ચેહ

માર્ચ 5, 2012

(લખ્યા તારીખ: માર્ચ ૦૩, ૨૦૧૨)

(છંદ: દોહા: (૧૩+૧૧) * ૨)

(મારા માસ્ટર ડિગ્રીના ગાઇડ ડૉ. સતીશકુમાર મલ્લિકે ફ઼ેબ્રુઆરી ૧૫ના રોજ બેંગળૂરુ ખાતે દેહ છોડ્યો. એ પ્રેમાળ આત્માને બય્યપ્પનહળ્ળી ઇલેક્ટ્રીક સ્મશાને વિદાય આપી.

એમને સાચી અંજલિ તો એકાદ એન્જિનિયરીંગના ચમત્કાર દ્વારા આપી શકાશે. – છતાં મારા દ્વારા એમને અંજલિ… દોહા લખવાના મારા પ્રથમ પ્રયત્ન દ્વારા)

આતમ ઊઘલ્યો આખરે, આરંભિયો અજ્ઞેય

અંજળ સૂક્યા આપણા, ભડભડ બળતી ચેહ!

રાતા રાણા આથમ્યા, પ્રાણે છોડ્યો દેહ

સૂકા સણકે સંબંધ, ભડભડ બળતી ચેહ!

વીલ્યા વંકા હોઠડા, વીત્યો વા’લો નેહ

વાટે આ વસમા વ્રેહ, ભડભડ બળતી ચેહ!

હળવે હંસો હાલિયો, છોડી શ્રેય ’ને પ્રેય

ગમતું ગોતીને ગેહ, ભડભડ બળતી ચેહ!

(અજ્ઞેય = જાણી ન શકાય તેવું; ચેહ = ચિતા; રાણા = સૂરજ; વ્રેહ = વિરહ; શ્રેય = કરવા યોગ્ય; પ્રેય = ગમતું – શ્રેય અને પ્રેય તે યમે કહેલા કઠોપનિષદ્‌માં બે પ્રકારનાં કર્મો છે; ગેહ = ઘર)

અંદર

જાન્યુઆરી 22, 2012

(લખ્યા તારીખ: જાન્યુઆરી ૨૨, ૨૦૧૨)

(લાગે છે કે હાઇકુ-દેહ ગઝલ હાઇકુની ચિત્રાત્મકતા સાથે વધુ ખીલે છે.)

(લાગે છે હાઇકુ-દેહ ગઝલો ધાર્યા કરતાં વધુ શ્લેષાનુકૂળ છે. આ રચનામાં લગભગ દરેક શે’રમાં કાકુ [stress] બદલાતાં અર્થ બદલાય છે)

(આ રચનામાં કેટલાક કાફ઼િયા સંભવ છે પણ વપરાયા નથી.

જેમ કે ’આરી’, ’યારી’, ’છારી’, ’ધારી’, ’કારી’, ’ભારી’ – અને ’ઘારી’ પણ ખરી 🙂

એ જ વાત ઇન્ટરનેટ ગુજરાતી ગઝલવિશ્વ માટે સુંદર તક પણ છે. મારી સુજ્ઞ વાંચકોને વિનંતી છે કે આપ એ કાફ઼િયાઓ વાપરી આપના પહેલા હાઇકુ-દેહ શે’રો લખો અને અહીં કોમેન્ટમાં ઉમેરો.

એ બહાને આ કાવ્યપ્રકાર ફેલાશે.)

(’ખારી’  = પડવાળી ખારી બિસ્કીટ)

મારી અંદર

અનેક સ્તરો જાણે

ખારી અંદર

(પઠન:

મારી અંદર

અનેક સ્તરો જાણે

અનેક સ્તરો જાણે

ખારી અંદર

મારી અંદર

અનેક સ્તરો જાણે

ખારી અંદર

)

અંધારું બા’ર

બળતી શમા તમે

ઠારી અંદર

કેવો તમાશો

આંખો સામે તે છતાં

બારી અંદર

જીવન ઝાળે

ઝરમર વરસે

ઝારી અંદર

ભાર ખેંચતો

શ્વાન આ વણઝારે

લારી અંદર

અનેક ઊર્મિ

અમે વારી બહાર

વારી અંદર

મહેકે ફૂલો

મલ્હાય માળી જાણે

ક્યારી અંદર

હેં દેશ! તને નથી લાગતું?

ડિસેમ્બર 22, 2011

(લખ્યા તારીખ: ડિસેમ્બર ૨૦, ૨૦૧૧)

નારાયણને ય ક્યાં નવરા પડવા દીધા?

ચકલીના ફૈડકાથી તારા સજ્જનો બીધા

મત્સ્ય, કૂર્મ અને ત્રેવીસ બીજા બધા થઈ શ્વાસે શ્વાસે સાચવનારો પધારે

હેં દેશ! તને નથી લાગતું કે માગી રહ્યો છે તું જરા વધુ પડતું જ વધારે?

ભરતથી માંડીને સવાઈ માધવરાવ

વિક્રમાદિત્ય જેવાના ય ઊઠ્યા પડાવ

છતાંય રહી તારી લાવ-લાવ! કેટલાંય રાજ ખોયાં નગારે, તગારે, પગારે

હેં દેશ! તને નથી લાગતું કે માગી રહ્યો છે તું જરા વધુ પડતું જ વધારે?

દૂધમલિયાને તોપને મોંએ કરવા માગ્યા

લાલ-બાલ-પાલ અને ગાંધી જેવા પાક્યા

વિનોબા અને જયપ્રકાશ જેવા થાક્યા, હમણાં વટાવ્યા અમે અણ્ણા હઝારે

હેં દેશ! તને નથી લાગતું કે માગી રહ્યો છે તું જરા વધુ પડતું જ વધારે?

તઝમીન – ૧

નવેમ્બર 4, 2011

(લખ્યા તારીખ: નવેમ્બર ૦૪, ૨૦૧૧)

(છંદ: ગાલગાગા|ગાલગાગા|ગાલગા)

(તાલ: દીપચંદી)

(આમાં મત્લા ડૉ. મહેશ રાવલનો છે. બાકીના શે’ર એ ગુજરાતી ગઝલના ઇન્ટરનેટના બાદશાહના કદમોમાં મારી તઝમીનના!)

ધારણા આગળ જતાં બદલાય છે
જેમ, રસ્તા દૂર જઇ ફંટાય છે

પામનારા જખ્મ પંપાળી રહ્યા
માંગનારા દૂરથી પસ્તાય છે!
બાથમાં તો કેટલું બાકી રહે
માંગતાયે ક્યાં બધું મંગાય છે?
હા, હકીકતને અમે છોડી ગયા
સાચથીયે ક્યાં કશું સંધાય છે?
તું કહે તો કલમ શું જગત મૂકું
તો ય તારાં વેણ ક્યાં બોલાય છે?

મને ખબર નથી (હઝલ)

ઓક્ટોબર 15, 2011

(લખ્યા તારીખ: ઑક્ટોબર ૧૪, ૨૦૧૧)

(છંદ નથી મળતો. ભલા માણસ! 2Gના લાખો કરોડો રૂપિયાના હિસાબ નથી મળતા, CWGના છેડા નથી મળતા, દાઉદનાં સરનામાં નથી મળતા, સોનિયા ગાંધીની માંદગીનું નામ નથી મળતું ત્યાં તેમાં છંદ બાપડાની શી વિસાત? )

(અલ્યા, હા, કાફ઼િયા ય મળતા નથી – પણ આ દેશમાં કરોડોને એક ટંક ખાવાનું ય મળતું નથી. તો મોટું મન રાખજો અને દરગુજર કરજો.)

(અર્પણ: મનીમોહનસિંઘને! અત્યાર સુ્ધીમાં સૌથી વધુ વિદ્વાન અને સૌથી વધુ અજાણ વડાપ્રધાન આવ્યા. ફટ્‍ છે કે એણે બધી વાર બચાવ કરવો પડે છે: “મને ખબર નથી”.)

2Gનાં નાણાં ક્યાં ગયાં, મને ખબર નથી!

ભૂખ્યાંનાં ભાણાં ક્યાં ગયાં, મને ખબર નથી!

CWG શેં રમાઈ ગઈ, મને ખબર નથી!

શરમ ક્યાં સમાઈ ગઈ, મને ખબર નથી!

કોણ ગયું’તું અમેરિકે, મને ખબર નથી!

કોના પેટમાં શું દુઃખે, મને ખબર નથી!

તેલંગાણા ક્યાં છે ય તે મને ખબર નથી!

દાઉદ કોનું નામ છે, મને ખબર નથી!

ધીરજ શેં ખૂટી તેની મને ખબર નથી!

તિજોરી લૂંટી તેની મને ખબર નથી!

સૂબા થયા સ્વતંત્ર તેની મને ખબર નથી!

કેમ ચાલે છે તંત્ર તેની મને ખબર નથી!

હવે પછી શું થશે, મને ખબર નથી!

આખો દેશ ક્યાં જશે, મને ખબર નથી!

મને નથી ખબરે ય તે મને ખબર નથી!

કંગાલને નથી કબરે ય તે મને ખબર નથી!

સ્ટીવ જોબ્સનું મૃત્યુ

ઓક્ટોબર 6, 2011

અમારે કોમ્પ્યુટર વાળાને તો જાણીતો માણસ. બાકીનાને માટે આઇપોડ, આઇપૅડ, આઇફ઼ોન, એપલની પાછળનો હાથ. ફ઼િલમના શોખીનો માટે પિક્સારનો સ્થાપક.

જનમે તે જાય અને ધંધાની સફળતા તે કંઈ માપદંડ નથી. સ્વાદુપિંડનું કેન્સર થયું હોય તો જવાનું લગભગ નક્કી જ કહેવાય. સ્ટીવ જૉબ્સની રીતે દરેકને ધંધો ચલાવવો ન પણ ગમે. એપલ કે પિક્સારપણ કંઈ સર્વગુણસંપન્ન કંપની નથી. દરેક પેઢીમાં રત્નો તો પેદા થતા જ રહે છે. સ્ટીવ જૉબ્સ ગયો પણ બીજા ઘણા છે અને આવશે. સંસ્કૃતિના પેટાળમાં આવા અનેક રત્નો પડ્યા પણ હશે અને ભુલાઈ પણ ગયા હશે.

દુઃખ થાય એક દૃષ્ટા ગુમાવવાનું.

એથી પણ મોટું દુઃખ છે કે એ આટલું બધું માત્ર ૫૬ જ વર્ષમાં કરીને ગયા – અને મને ૪૦ થયાં. એની સરખામણીએ મેં શેક્યો પાપડ ભાંગ્યો નથી.

મર્યાદિત જીવનનો મોહ ન કરવો તે સફળતા હોય કે ન હોય પણ એનું આ રીતે તેલ કાઢી લેવું તે સફળતા છે.

આપણી સંસ્કૃતિમાં આવા માણસો પાકવાના કેમ બંધ થઈ ગયા છે? આપણે કેમ અચાનક અંબાણીઓ કે નારાયણમૂર્તિ કે સલમાન ખાન જેવી અડધી સફળતાને પૂજવા માંડ્યા છીએ? આપણામાં શું ખૂટે છે?