Archive for the ‘સોનેટ’ Category

દીર્ઘાયુષ્ય

જુલાઇ 18, 2019

(લખ્યા તારીખ: જુલાઈ ૧૮, ૨૦૧૯)

નેવું વરસની ડોસી પેલી સામે પાટિયે ઝૂલે છે

વરસો યાદ કરે છે ઘેલી, નામ બધાંનાં ભૂલે છે

 

ઘરનાં સૌએ ઝઘડી એને, પ્રેમ કરીને થાક્યા છે

વાત કરું તો પૌત્રવધૂનાં થોડાં પળિયાં પાક્યાં છે

 

ઘરમાં આમ જુઓ તો સાદા સીધા આનંદ મંગળ છે

નખની માંહે રોગ નથી ને ધીમે ખૂટતાં અંજળ છે

 

વેગે વિમાન આવે તેની રાહ જોઈને બેઠી છે

દિકરા કેરા અંતરમાંહે નોખી ચિંતા પેઠી છે

 

“મા તો જાશે તેડું આવે, ત્રીસ અમારાં બાકી છે

મા તો ઘસાણી, કરી કરીને ઘરવાળી યે થાકી છે

 

આ ઉંમરે કેમ બદલાશું?” એવા વિચાર સૂઝે છે

દીર્ઘાયુષ્યના પુસ્તક કેરું અઘરું પાનું ખૂલે છે!

ઉપકાર

ફેબ્રુવારી 2, 2010

(લખ્યા તારીખ: ડિસેમ્બર ૧૬, ૧૯૯૯)

નાના-ગર્ભાધાનો કદી ન જ્ન્મે

સૃષ્ટિકરુણા પડંત શિકારે

કોઈ જન્મધારક માનવોનાં

કૈં ’ને કંઈ અંગ જરા ન ચાલે

એમાં બચેલા અક્ષત જાતકોમાં

થોડા ઘરો શાંત લગાર પામે

સંસ્કૃત દેશે મનુષ્યો ગણો તો

એમાંય થોડા જ ગણાય વેઢે

બાકી વધે તે અકસ્માત-પૂરે

આયુષ્યરેખા ઝડપે ટુંકાવે

પામે ઘણા ના નિધિ જ્ઞાન કેરા

જાણે ઘણા ના ભવ ભાર કેરા

પ્રભો! મને તેં સઘળે બચાવ્યો

કહે વાળવો શેં ઉપકાર તારો?

પ્રેતભય

જાન્યુઆરી 31, 2010

(લખ્યા તારીખ: માર્ચ ૨૦, ૧૯૯૭)

(છંદ: ભુજંગી: લગાગા|લગાગા|લગાગા|લગાગા)

કહી પ્રેતવાર્તા જ જાતે જ ધ્રૂજે

ડરેલી પત્ની તો મને એમ પૂછે

“હશે કે જગતમાં ખૂની આમ પ્રેતો?

ભયે આવતી ના નિદ્રા યે મને તો!”

“જરા ક્‍હે અરે શું ન પ્રેતો અન્યના

થયા જે મૃતો મૂળ પ્રેતે બલાત એ

ન વાળે જ વેર અકાળે મૃત્યુનું

સર્વ પ્રેત વાર્તા તણો તોડ પૂછું!

અરે, ના કદી એ નથી શક્ય આંહીં

મનેન્દ્રિય છોડી જતો આતમા હ્યાં

વિના માનસે ત્રાસ આપે જ ક્યાંથી?

અયોગ્ય ન બીવું જ આવી કથાથી?

સદા ખેલ ખેલે મનસ માણસોનું

ન પ્રેતે જ, સ્વના મનસથી જ બીવું!”

યક્ષને ઉત્તર

જાન્યુઆરી 31, 2010

(લખ્યા તારીખ: જાન્યુઆરી ૦૧, ૨૦૦૧)

(છંદ: ભુજંગી: લગાગા|લગાગા|લગાગા|લગાગા)

અચાનક અમારી સમક્ષે અરીસે

પ્રગટીને યક્ષ કહી ઊઠિયો તે

“યુગોથી તમારી મથામણ તમામે

રહું પેખતો જાણતો તે દ્વિધાને

ન આઝાદ તો હું હતો કૈં જ કહેવા

પરંતુ હવે છું થયો શ્વાસ લેવા

કહી તો શકું છું દરેકે દરેકો

સહુ સાચમાં શું – મળ્યો માંડ મોકો

મટી જાય યુગો તણી ભ્રમણાઓ

મિત્ર માનવો, જઈ બધાંને સુણાવો”

થશે શું અમારી બધી ઝંખનાનું

સમયનું, સમાજે ભરી યાતનાનું

કર્યું કામ ઉત્તમ અમે તે દિને રે

લઈ પથ્થરે ફોડિયો આયનાને!

કૂર્માવતાર

જાન્યુઆરી 31, 2010

(લખ્યા તારીખ: જાન્યુઆરી ૨૭, ૧૯૯૪)

(અછાંદસ સોનેટ)

ફેંકાય ફાઇલો, ફંગોળાય દલીલો

વિવાદસાગરે સ્વાર્થના વકીલો

ખેંચાખેંચ થાય સ્વાર્થતંતુનો એરુ

માથે ખડકાયો છે માહિતી મેરુ

ચડ્યા મંથને આધુનિક દેવો

વચ્ચે આકાર કૈંક કચ્છપ જેવો

ફરતે બેઠા છે ભૂખ્યાડાંસ વરુ

ચતુષ્પાદ સ્વરૂપે ઊભું છે કો’ તરુ

નંદી સ્વયં – આનંદે આ લીલા

ચાહે જડાયા તનમાંહી ખીલા

સહે કાલકૂટ ચર્ચાનું નિરંતર

સ્વયમ્ નારાયણ, સ્વયમજશંકર (સ્વયં+અજ+શંકર)

સૂતું છે પાથરી ધિંગાણે સેજ

સ્થિતપ્રજ્ઞ કૂર્માવતાર આ મેજ!