Archive for the ‘છંદોબદ્ધ પરંપરાગત શૈલીનાં કાવ્યો’ Category

ભડભડ બળતી ચેહ

માર્ચ 5, 2012

(લખ્યા તારીખ: માર્ચ ૦૩, ૨૦૧૨)

(છંદ: દોહા: (૧૩+૧૧) * ૨)

(મારા માસ્ટર ડિગ્રીના ગાઇડ ડૉ. સતીશકુમાર મલ્લિકે ફ઼ેબ્રુઆરી ૧૫ના રોજ બેંગળૂરુ ખાતે દેહ છોડ્યો. એ પ્રેમાળ આત્માને બય્યપ્પનહળ્ળી ઇલેક્ટ્રીક સ્મશાને વિદાય આપી.

એમને સાચી અંજલિ તો એકાદ એન્જિનિયરીંગના ચમત્કાર દ્વારા આપી શકાશે. – છતાં મારા દ્વારા એમને અંજલિ… દોહા લખવાના મારા પ્રથમ પ્રયત્ન દ્વારા)

આતમ ઊઘલ્યો આખરે, આરંભિયો અજ્ઞેય

અંજળ સૂક્યા આપણા, ભડભડ બળતી ચેહ!

રાતા રાણા આથમ્યા, પ્રાણે છોડ્યો દેહ

સૂકા સણકે સંબંધ, ભડભડ બળતી ચેહ!

વીલ્યા વંકા હોઠડા, વીત્યો વા’લો નેહ

વાટે આ વસમા વ્રેહ, ભડભડ બળતી ચેહ!

હળવે હંસો હાલિયો, છોડી શ્રેય ’ને પ્રેય

ગમતું ગોતીને ગેહ, ભડભડ બળતી ચેહ!

(અજ્ઞેય = જાણી ન શકાય તેવું; ચેહ = ચિતા; રાણા = સૂરજ; વ્રેહ = વિરહ; શ્રેય = કરવા યોગ્ય; પ્રેય = ગમતું – શ્રેય અને પ્રેય તે યમે કહેલા કઠોપનિષદ્‌માં બે પ્રકારનાં કર્મો છે; ગેહ = ઘર)

ગાંધી

ફેબ્રુવારી 21, 2010

(લખ્યા તારીખ: ૧૯૯૪)

વામન છતાં વિરાટ

હિંદ હૃદય સમ્રાટ

નિજ જાત પરની સોટી

પ્રતિક્ષણ રહે કસોટી

શ્રદ્ધા ધારણનો હામી

સત્ય સાફલ્ય સ્વામી

કર્મના માર્ગે યોગી

છતાં ભક્તિનો ભોગી

શાંત છતાંયે આંધી

નરદેવ નામે ગાંધી

(રવિ ગુપ્ત દ્વારા હિન્દીમાં અનુવાદ)

वामन फिर भी विराट

हिंद हृदय सम्राट

खुद पर बना वो सोटी

प्रतिक्षण रहता कसौटी

श्रद्धाधारण का हामी

सत्य साफल्य स्वामी

कर्म के मार्ग का योगी

फिर भी भक्ति का भोगी

शांत, फिर भी आंधी

नरदेव नामक गांधी

આળસુને અંજલિ

ફેબ્રુવારી 21, 2010

(લખ્યા તારીખ: ૧૯૯૦)

(છંદ: હરિગીત)

(એક સહપાઠી આખું સેમેસ્ટર ’આ વિષય તો બહુ અઘરો છે’ કરીને ભણ્યો નહીં અને સરવાળે તેમાં નાપાસ થયો. તેને બધા આશ્વાસન આપતા હતા પણ મારાથી તો આ લખાયું.)

હૃદય તણી ભાષા ધરે શા કારણે આ અકળતા?

માનસપટે છાઈ રહ્યો શી વાતનો વિષાદ આ?

ચાલી નહીં, થાકી કદી અવનિ ઉરે ન સૂઈ ગયાં

ધ્યેય જોઈ થાકી ગયા, બેસી પડ્યા તે ચરણ આ

ધોબી તણા આ શ્વાનની આવી જ હોય દશા બધે

ભટકે વળી લટકે છતાં શોધી ઉપાય બને ન સુખી!

મન્મથસ્તુતિ

ફેબ્રુવારી 6, 2010

(લખ્યા તારીખ: ડિસેમ્બર ૩૧, ૧૯૯૫)

(છંદ: પંચચામર: લગા|લગા|લગા|લગા|લગા|લગા|લગા|લગા)

(તાલ: હીંચ)

તને મને સમાજને અડે જઈ જને જને

નસે નસે ધસે રસે ઉછાળતો રુધિરને

ચંદ્રે ચડી અમીભર્યાં જ બાણની વર્ષા કરી

વસંતને ખભે ચડી વિહારતો વને વને

દિગંતને દમંત વાદળો મહીં ધનુ બની

અનંતને અડંત વાયરો બની ઘને ઘને

યુવાન શ્વાસમાં વહે યુવાન આંખમાં રહે

યુવાન પ્રેમ નામથી ફરી રહ્યો મને મને

સજે છે કોટિ-કોટિ જે સજીવના તને તને

નમું મન્મથરાયને, પુષ્પધન્વા અનંગને!

વર્ષાકાવ્ય

જાન્યુઆરી 31, 2010

(છંદ: શિખરિણી)

અહો! આવ્યો આવ્યો! પરમજીવનાનંદ બનતો

બળેલા જીવોનો અમૃતદ ધન્વન્તરિ જ થતો

મહામેઘાધારે વચન નવલાં એ ગડગડ્યો

અને ધીમું ધીમું ઝરમર રડ્યો વીજ દમકી

બતાવ્યાં સ્વપ્નો રે નયનભર રંગીન નવલાં

સજી ભૂમિ આખી હરિતવસના હાસવદના