Archive for the ‘Homesickness, દેશચિંતન અને સંસ્કૃતિચિંતન’ Category

શાને સમૃદ્ધિની ના?

ફેબ્રુવારી 28, 2010

(લખ્યા તારીખ: ૧૯૯૮)

(અર્પણ: મર્સિડિઝ, બેન્ટલી અને રોલ્સ રોયસમાં ફરતા, આપણને ત્યાગ શિખવતા પણ દક્ષિણા અને પધરામણી કદી ન ચૂકતા મહાત્માઓને)

મારી વાત સાંભળ ’લ્યા, જરા મને કહેતો જા, શાને સમૃદ્ધિની ના?

કોણે કીધું એલા છોડીને સઘળું, બાવો થઈ જંગલમાં જા?

નારાયણે ખુદ ભલે એક વાર જ પણ માગ્યું’તું ત્રિલોકનું દાન

શાંતિથી જઈ સૂતા ક્ષીરસાગરમાં જ્યારે ચાંપે પગ લક્ષ્મીજી મા!              કોણે.

લાંચો કાં ખવાય છે, કાં વહુઓ બળાય છે કાં રે અમીચંદ પાકે?

ખુલ્લો સ્વીકાર કર આપણા લોભનો પછી ભલે ડામતાં તું થાકે                 કોણે.

ત્યાગીઓનો દેશ કેવો, દંભી આ દેશ કેવો, કલહ સાવ શેના માટે કીધા?

અને લોભ જેવી નાની બાબતને સ્વીકારવાથી શાને ઉંદર શા બીધા?           કોણે.

જનનીનો જયજયકાર

ફેબ્રુવારી 21, 2010

(લખ્યા તારીખ: ૧૯૯૧)

(તાલ: કહરવા – રૂટ માર્ચ)

(રસ: દેશભક્તિ – વીરરસ)

(છદ્મ રૂપક: જન્મભૂમિ તે જ જનની)

જનનીનો જયજયકાર હો! (૨)

જગ ચાહે મારા પ્રાણ હરે

જય સાટું માથું મારું ઊતરે

મુજ પર છો અત્યાચાર હો!                   જનનીનો.

પગ પગ પર પર્વત થાય ઊભા

જીવનના બાગ છો થાય સૂકા

નિંદિત છો મારો પ્રચાર હો!                   જનનીનો.

કાર્યે છો હોયને મોત ઊભું

પડું પણ પ્રણ તો ના જ ચૂકું

એક પળ ન મારો વિચાર હો!                  જનનીનો.

વતનની યાદ

ફેબ્રુવારી 21, 2010

(લખ્યા તારીખ: ૧૯૮૯)

(તાલ: દાદરા)

દિલના ખૂણે ખૂલી કોઈ દાબડી, ગયું કશુંક ઢોળાઈ

યાદ આવી વતન તણી, પછી જવાયું રડાઈ                             યાદ.

હતા મિત્રો, શેરી, રમત, શાળા, આંગણું ’ને ઘર,

નીકળ્યો રાતે ચોકીદાર, ગયું અમ સ્વપ્ન રોળાઈ                        યાદ.

માનનાં સ્થાન બેઠાં’તા ખાટે તે આવી ગયાં’તાં યાદ

યાદ વાત્સલ્યમૂર્તિની, હૈયું ગયું કોરાઈ                                   યાદ.

યાદ આવી વાર્તાકથા, આઠમ, હોળી, નવરાત્રી

પડી સવાર, કૂકડેકૂક! સઘળું ગયું સમાઈ                                 યાદ.

ચાલને અહીં રહીએ

ફેબ્રુવારી 21, 2010

(લખ્યા તારીખ: નવેમ્બર ૨૭, ૧૯૯૦)

ચાલને અહીં રહીએ ભલે ઘર આવે યાદ

ચાલને અહીં રહીએ મારું અંતર પાડે સાદ                       ચાલને.

છાપરાં આંહીં બાંધીએ ઝીલવા બપોરનો તાપ

ક્યારા આંહીં જ બાંધીએ ધરતી પડે વરસાદ                     ચાલને.

આપણ એવા બનીએ – સૌનો મીઠો આવકાર

કામ એવાં કરીએ હસતી નીતનવી સવાર                        ચાલને.

માફ અહીં કરીએ જો ત્યાં બોલ્યું ચાલ્યું માફ

સાફ દિલને કરીએ જો ત્યાં સૌનાં અંતર સાફ                      ચાલને.

ચાલને અહીં કરીએ ઊભા સાથી સર્વે સંગ

મિલન તો બધે માણવા મળે, વિરહનો ક્યાંથી રંગ                 ચાલને.

ચાલને ઘરે જઈએ

ફેબ્રુવારી 21, 2010

(લખ્યા તારીખ: સપ્ટેમ્બર ૨૭, ૧૯૯૦)

ચાલને ઘરે જઈએ મને ઘર આવે યાદ!

ચાલને ઘરે જઈએ માનું અંતર કરે સાદ!

ચાલને ઘરે જઈએ ઝીલવા બપોરનો તાપ

ચાલને ઘરે જઈએ જોને ધરતી પડે વરસાદ!

ચાલને ઘરે જઈએ, ત્યાં તો મીઠો આવકાર

ચાલને ઘરે જઈએ, ત્યાં તો નીતનવી સવાર

ચાલને ઘરે જઈએ, ત્યાં તો બોલ્યું-ચાલ્યું માફ

ચાલને ઘરે જઈએ, ત્યાં તો સૌનાં અંતર સાફ

ચાલને ઘરે જઈએ ત્યાં તો સાથી સર્વે સંગ

ચાલને ઘરે જઈએ ત્યાં તો મિલન ઉમંગ!

દેશની ઉજ્જ્વળ(?) પરંપરાને સલામ

ફેબ્રુવારી 21, 2010

(લખ્યા તારીખ: ૨૦૦૦)

(તાલ: હીંચ)

હાં રે મારા દેશ તુંને ઝાઝી સલામ છે!

એક હજાર વર્ષોથી છો તું ગુલામ છે!                                         હાં રે.

ભાઈ-ભાઈ બાઝતા’ર્યા બા’રના લૂંટી ગયા

રામાયણ કેરા મૂળ પાઠ વીસરી ગયા

હસ્તિનાપુર પામવામાં કાબા લૂંટી ગયા

ભાગ પડાવવાની ખોટી ખેંચતાણ છે!                                        હાં રે.

સધરા જેસંગ સાથે દેશળ-વિશળ છે

અમીચંદ, જયચંદ અને વિભિષણ છે

બાંધનારો એક સામે તોડનારા ત્રણ છે

તરભાણું ભરનારા ગોરની ન તાણ છે!                                       હાં રે.

બા’રથી ભાંગવાને ગઢ છે આકરા

અંદરથી ખોલવામાં છે ઘણા પાધરા

મોકળો છે તું તો અંદર ’ને બા’રથી

ધણખૂંટ દુનિયાનું તું મોકળું મેદાન છે!                                       હાં રે.

આજે ય ટૂકડા થઈને જીવે છે

એક ટૂકડાથી બીજો બીવે છે

ભાઈની છાતીમાંથી લોહી પીવે છે

ટૅન્કું વેચનારાને લા’વો ’ને લા’ણ છે                                           હાં રે.

બંદૂક બતાવીને કો’ક જીતી ગયું

સમુંદર ચીરીને કો’ક લૂંટી ગયું

અહિંસાના નામ પર કાયરતા હાલતી

શસ્ત્ર ન શોધ્યાં તેની સઘળી મોકાણ છે                                         હાં રે.

શોધોને ઓજાર

ફેબ્રુવારી 14, 2010

(લખ્યા તારીખ: જુલાઈ ૨૧, ૧૯૯૬)

(તાલ: રૂપક)

શોધોને ઓજાર, નીત-નવાં શોધોને ઓજાર

જ્ઞાનનાં ખોલી નાખોને દ્વાર જી!                                                    જ્ઞાનનાં.

લહિયા બિચારા લખીને થાક્યા જ્ઞાનગ્રંથો કૈં હજાર જી

નાલંદા બળી ’ને જ્ઞાન ગુમાવ્યું, વિના છાપે લાચાર          જ્ઞાનનાં.

પૂરે દુકાળે રોગે થાતો માનવરત્ન સંહાર જી

સ્વર્ગ સારું અળગા રહી કાં વધારો પાપનો ભાર?                           જ્ઞાનનાં.

કાં તો માનવ દુઃખ વેઠે, કાં કરે અત્યાચાર જી

સાધન વિના આરત શમે નહીં, સત્ય કરો સ્વીકાર                જ્ઞાનનાં.

વતનની યાદ

ફેબ્રુવારી 14, 2010

(લખ્યા તારીખ: ૧૯૮૯)

(તાલ: રૂપક)

એકેક દિવસ મારા જીવન તણો અહીં જાય છે

વતન તણી યાદમાં મમ રોમેરોમ ભિંજાય છે               વતન.

કેટલાય રસ્તાઓ, ગલીઓથી ગુંથાયેલ એ શહેર

નિશદિન ધડકતા હૃદયમાં હજુ યે થડકાય છે               વતન.

સેંકડો સ્નેહીઓ, હજારો ઓળખાણો આંખની

સ્વપ્ન બનીને એ બધું હજુ આંખમાં અટવાય છે             વતન.

ચિતપરિચિત ધ્વનિઓથી છલકાય છે કર્ણપ્યાલો

પડઘાય એ અંદર, નેત્રસુરાહી છલકી જાય છે                વતન.

બેતમા એ વસ્તીને વળી શાંતિની ઘણી ઝંખના

એનાં કાર્યોની યાદો મને અશાંત કરી જાય છે                વતન.

ઓ મારા મિત્રો! મારી યાદમાં વાવજો એક વૃક્ષ

જેનાં ફૂલ ભલે આંહી ઊડે, જડ વતનમાં જડાય રે!            વતન.

ભારતીયોનું આત્મકાવ્ય

ફેબ્રુવારી 9, 2010

(લખ્યા તારીખ: ૧૯૯૨)

(તાલ: કહરવા)

હા, અમે તો ઘેટાં ભાઈ, હા અમે તો ઘેટાં

ટોળામાંયે છેટાં રહીએ, ટોળામાં યે છેટાં                                  હા.

એક દિશામાં ચાલ્યે જાતાં, એક જ જગ્યાએ અથડાતાં

’કો’ક તો શોધો દિશા’ સૌ એ એમ જ કહેતાં                    હા.

માથું મારી મણ ઉડાડીએ, મરી જઈએ બાઝંતા

બહાર જોર બતાવવા ટાણે અલગ રહીને મરંતા                     હા.

શિંગાળાંને ઝઝૂમવા દઈએ, કદી કદી ખોવાવા દઈએ

સફળ થાય જો એમાં કોઈ, ટોળેટોળાં અનુસરતા          હા.

બેનનું સપનું

ફેબ્રુવારી 6, 2010

(લખ્યા તારીખ: મૅ ૩૦, ૧૯૯૬)

(તાલ: હીંચ)

ભાઈલા! મશિનું બનાવીશું દેશમાં!

આપણી શાળાની પછીતમાં!                             ભાઈલા!

મમ્મીએ આજ લગી રોટલી ઘડવા,

પપ્પાએ ટાંકેથી પાણીડાં સારવા

શ્વાસ નથી ખાધો જીવનમાં!                              ભાઈલા.

રામચંદ્રજીની સારું પૂલ બાંધે તે

મમ્મીને છોડાવી રોટલી રાંધે તે

સંચા હાંકીશું આદેશમાં                                   ભાઈલા.

દુનિયાનું ધ્યાન આ મશિનોમાં ખેંચું

જાપાન, અમેરિકા, યુરોપને વેચું

વેચીશું સિંગાપોરમાં                                      ભાઈલા.

દાંડિયા છોડી હવે ડિસમીસ ઝાલું

પાંચીકા છોડી હવે કારખાને હાલું

પક્કડ માંગું છું પસલીમાં                                 ભાઈલા.