Archive for the ‘પ્રેમ’ Category

પશ્ચાત્તાપ (ખંડકનાયકનું ગીત)

ફેબ્રુવારી 6, 2010

(લખ્યા તારીખ: ૧૯૮૯)

(તાલ: રૂપક)

ઠોકર તો વાગી જ ગઈ છે એને મુજ પગ થકી

હજી ફણાં ચમચમે છે, એના હૃદયનું શું હશે?                                  ઠોકર.

બેવફાઈ તો થઈ જ ગઈ છે મારા મન થકી

ઊંઘ હજી ઊડી જાય છે, એના સ્વપનનું શું હશે?                  ઠોકર.

દીધો છે એને છેહ મેં જીવન તણા મૃગજળ મહીં

દિલઝીલ તાપે સૂકાય છે, એના હરણનું શું હશે?                            ઠોકર.

ઊભાં બાળ્યાં ગુલાબ મેં જીવન તણા ચમનમાં

ધુમાઈ ગઈ મમ વાસના, એના પ્રણયનું શું હશે?                          ઠોકર.

મારા અહમ વાદળથી વરસ્યું છે ઝેર એટલું

અભડાયો મારો કૂવો, એના ઝરણનું શું હશે?                                   ઠોકર.

ધક્કો મારી મેં પાડી, એને જીવન પ્રલયમાં

જીવન એનું તો બગડ્યું, મારા મરણનું શું હશે?                               ઠોકર.

Advertisements

તારા વિનાનો વરસાદ

ફેબ્રુવારી 6, 2010

(લખ્યા તારીખ: સપ્ટેમ્બર ૦૯, ૧૯૯૬)

(તાલ: ખેમટા)

(એક શ્લેષ અલંકાર – ’વરસે’ શબ્દ બે અર્થમાં સંયોજાયેલો છે. ’વરસે’ અર્થાત ’વરસી પડે’ અને ’એક વર્ષના સમયગાળે’)

તારા વિનાનો વરસાદ, ટાણા વિનાનો વરસાદ!

આંખ મારી ચોધાર રુએ, ગારા વિનાનો વરસાદ!            તારા.

ધરતી ’ને આભ મળિયાં વરસે એનાં ઝળઝળિયાં

ડૂબ્યાં નેવાં ’ને નળિયાં, આરા વિનાનો વરસાદ!             તારા.

રંગધનુને ખેંચી તાણે, મેઘાશ્વોને એ પલાણે,

ઘાયલ કરે વિણ બાણે, પ્યારાં વિનાનો વરસાદ!              તારા.

કોઈ યાદ આવે છે શાને?

ફેબ્રુવારી 3, 2010

(લખ્યા તારીખ: એપ્રિલ ૦૮, ૧૯૯૯)

(તાલ: દાદરા)

કોઈ યાદ આવે છે શાને?

મને કોઈ યાદ આવે છે શાને?

કોઈ અમથું રડાવે છે શાને?                                                   મને.

જાણું છું જુદા થવું માંડ્યું હતું

જીવન હસ્તરેખામાં પામ્યું હતું

મન યાદ અપાવે છે શાને?                                         મને.

કેટલી જૂની ઓળખાણે’ હતી?

જીવતરમાં લાંબી ક્યાં ભાને હતી?

કોઈ સપને રડાવે છે શાને?                                                    મને.

ઝીણાં ઝાંઝર વાગે

ફેબ્રુવારી 2, 2010

(લખ્યા તારીખ: નવેમ્બર ૧૯૯૮)

(તાલ: દાદરા)

(લાંબા વિરહને અંતે)

ઝીણાં ઝાંઝર વાગે, એનાં ઝીણાં ઝાંઝર વાગે (૨)

શિશિરની શીત લહરીમાંથી ઊઘડે વસંત આજે                                એનાં.

ડાયરી ’ને પેન, શબ્દો, વિચારો, ક્યારનાયે સૂના ઊભા’તા

સઘળું હતું તો યે જીવનમાં ક્યાં ઊઘડતી’તી કવિતા

હવે છંદ ખેલાશે ફાગે!                                                                એનાં.

ઊઘડ્યા સરખા તડકાને કોઈ હેતુ તો મળશે

સરરર કરી વહેતી જાતી ક્ષણોમાંથી કંઈ ફળશે

હવે હવાઓ વહેશે રાગે!                                                                       એનાં.

હોવું-ખોવાવું, હતાશા-આશા કેટલાં આઘાં-આઘાં

છતાં ફરકી પ્રેમ-પિંછી ક્યાંક, હવે બન્ને સરખાં

મન હવે કાંઈ ન માગે!                                                               એનાં.

ઘર એક બનાવ

જાન્યુઆરી 31, 2010

(લખ્યા તારીખ: ૧૯૯૬)

(તાલ: દાદરા)

મારી ચણેલી ભીંતોને ઘર એક બનાવ

મારા જીવેલા સમયને જીવન એક બનાવ                  મારી.

સાચી સાવ પ્રીતો તો હૈયાની રહેવાસી

ભિંસાયેલા હોઠોને ચુંબન એક બનાવ                          મારી.

દુનિયા શકે છે ડૂબી લાગણીઓના પૂ્રમાં

અંતરને હલાવે એવું સ્પંદન એક બનાવ                      મારી.

આખી સૃષ્ટિથી જ્યારે હું આવું લડીને

’હાશ’ બો્લીને બેસું, આંગણ એક બનાવ                       મારી.

એકલતામાં જીવાતા તૂરા લક્ષણોને

મનમાં વસાવી વ્યક્તિ સુંદર એક બનાવ                  મારી.

છેલ્લી આશા

જાન્યુઆરી 30, 2010

(લખ્યા તારીખ: જૂન ૦૩, ૧૯૯૧)

(તાલ: કહરવા)

ફકત એક આશ રહી ગઈ છે મને આ મતલબી મનમાં

હૃદય પરગજુ હતું તે તો તમોને દઈને બેઠો છું!

તમે આપી દીધી છે થાપ મુજને દિલના સોદામાં

હૃદય ગોતવા તમારું, છાતી મારી ચીરીને બેઠો છું!

પ્રણયની વાટ માથે પુષ્પક બની, તમે ઊડીને ગયાં

બની શલ્યા, પદસ્પર્શની આશા ધરીને બેઠો છું!

વફામય બંધ આંખોમાં નહીં પડે મેળવવા નયનો

અહો! આવો! મળી જાઓ, કફ઼્ન ઓઢીને બેઠો છું!

વાત બાકી રહી

જાન્યુઆરી 30, 2010

(લખ્યા તારીખ: નવેમ્બર ૨૧, ૧૯૯૧)

(તાલ: કહરવા)

ફૂલ-ફૂલ છે પત્રો તારા, રંગો છે તારી શાહી

ઊડી આવી સુગંધ ક્યાંથી , તે તો તારી સહી!

શબ્દો બનીને ટપકે ઊનાં મીણ કેરાં ટપકાં

તારા પ્રેમનો પરવાનો, તારું માનવાનો નહીં!

અફ઼્સોસ જતો રહ્યો છે, અફ઼્સોસની છે યાદો,

અફ઼્સોસ પાછો આવે, એનું કાંઈ નક્કી નહીં!

તારી એક વાત કહેવા મેં હજાર વાત કહી,

જીભ થાકી, મન ન થાક્યું, વાત બાકી રહી!