Archive for the ‘પ્રેમ’ Category

વિરહાગ્નિમાં

ફેબ્રુવારી 28, 2010

(લખ્યા તારીખ: જૂન ૧૩, ૧૯૯૨)

(તાલ: કહરવા)

પાડતી રહી આંસુ શમા ટીપેટીપે છતાં

વિરહાગ્નિમાં તપતાં મારી કવિતા સુકાઈ ગઈ                   વિરહાગ્નિમાં.

ન નક્શો રહ્યો ’ને ન રહ્યો કશો નશો

લાલઘૂમ આંખોમાં ભરી મદિરા સુકાઈ ગઈ                      વિરહાગ્નિમાં.

સૂરજની છેલ્લી લાલી પણ જોવી નથી ગમતી

તારા વિરહમાં જોને આ સંધ્યા સુકાઈ ગઈ                       વિરહાગ્નિમાં.

પીતો રહ્યો આકંઠ હું પાણી અને મૃગજળ

પડતો રહ્યો રે શોષ ’ને તૃષા સુકાઈ ગઈ                         વિરહાગ્નિમાં.

પડઘો વધી ગયો હવે મારી બૂમથી વધુ

રસ્તો નથી મળતો અને વાચા સુકાઈ ગઈ                        વિરહાગ્નિમાં.

શી રીતે?

ફેબ્રુવારી 28, 2010

(લખ્યા તારીખ: ૧૯૮૯)

(લખ્યા તારીખ: કહરવા)

તારી કાજળ કાળી આંખોએ મારા પારદર્શક મનને

નજર હલકી પીંછીથી સાત રંગે રંગી દીધું                        તારી.

તારા કોમળ કોમળ હાથોએ સદાય ઊડતા રહેતા પાંખે

મન સપ્તરંગી ઘોડાને મજબૂત બાંધી લીધું                       તારી.

તારાં હળવાં નેત્ર બાણે રે, કઠોર ગણે પાષાણે’ રે

હીરા સમા એ મનને કઈ રીતે વિંધી દીધું                         તારી.

દિવસો જ એવા ઊગે છે!

ફેબ્રુવારી 28, 2010

(લખ્યા તારીખ: ઑક્ટોબર ૦૭, ૧૯૯૨)

સવારના પહોરમાં તારું નામ હોઠે આવી ગયું

હસતો અને રમતો રહ્યો છું

દિવસો જ એવા ઊગે છે!                                        દિવસો.

હથેળીના વનમાંથી મળી ગઈ એક એવી રેખા

ઉદયાચળનો રસ્તો નીકળી                                      દિવસો.

તુજ યાદ ઝબૂકતી રહી બગડેલી ટ્યૂબલાઈટ શી

કૂકડો બોલ્યો તારા આવવાનો                                    દિવસો.

ઘેરા ઘન બેઠા નગ માથ

ફેબ્રુવારી 21, 2010

(લખ્યા તારીખ: એપ્રિલ ૨૨, ૨૦૦૩)

(તાલ: દાદરા)

(ઉલ્લેખ શ્રાવણનો છે પણ હકીકતે સાનફ઼્રાન્સિસ્કો બૅ એરિયાના મિશન પીક પર ઘેરાતાં વાદળોને જોઈ આ તારીખે હાઈવે ૨૩૭ પર કાર ચલાવતાં સૂ્ઝેલું)

ઘેરા ઘન બેઠા નગ માથ (૨)

કેકા કરે છે કુંજે કલાપી

મીઠો મીઠો મલ્હાર આલાપી

સહીએ અમે શેં નાથ?                                         ઘેરા.

સૂનો શ્રાવણ ગરજ્યો વરસ્યો

હૈયા ઝરો અમારો તરસ્યો

વહીએ અમે શેં નાથ?                                                    ઘેરા.

ઢાંક્યો ભાનુ, ઢાંકી વસુંધરા

હૈયું ઢાંક્યું ના જાય, ઢાંક્યાં

રહીએ અમે શેં નાથ?                                           ઘેરા.

મહેફિલ

ફેબ્રુવારી 21, 2010

(લખ્યા તારીખ: જૂન ૨૪, ૧૯૯૧)

(તાલ: રૂપક)

તારા હૃદયની થોડી ખુશી ઉછીની દે

મહેફિલમાં શું બની ગયું, વાત છોડી દે!                       તારા.

ન્હોતો હજુ હું આવ્યો ’ને મારી વાતો હતી

વાતોમાં હું વહી ગયો, વાત છોડી દે!                          તારા.

આવ્યો હજુ હું જ્યાં ય મિજલસના બારણે

સહુ ચૂપ ગયાં થઈ મલકાટ છોડીને!                           તારા.

મળી ના મળી નજર ’ને ફરી વાત ચાલુ થઈ

વિસરાયો હું હતો, મારી વાત છોડીને!                          તારા.

મળ્યાં સૌ, મળ્યું સઘળું, છતાં યે ના મળ્યાં

મળ્યું હૃદયને શું બીજું પછડાટ છોડીને?                         તારા.

ભાદરવો

ફેબ્રુવારી 21, 2010

(લખ્યા તારીખ: ઑગસ્ટ ૨૯, ૧૯૯૦)

(તાલ: ભજન)

(રસ: વિરહશૃંગાર)

અષાઢ સર્યો ’ને સર્યો શ્રાવણ વા’લમા તપે ભાદરવો તપાવે

ઝળકે તડકો પાણીમાં ઓતરા ’ને ચિતરાનો મન તાણી રાતને લંબાવે             અષાઢ.

ગયા રે કાંઈ સૂના મેળા ’ને મોળાં પરબ રે મુજને વિજોગ સતાવે                  અષાઢ.

ઊના રે દિ’ મારા નિઃસાસા જેવા ટાઢી રાત્યું તારી જેમ મુજને ધખાવે              અષાઢ.

હું રે વિજોગણ બેઠી ઉંબરે જોઉં ભીની વાટને કંયે તું આવે?                        અષાઢ.

વિજોગ

ફેબ્રુવારી 21, 2010

(લખ્યા તારીખ: ૧૯૯૧)

(તાલ: કહરવા)

(રસ: વિરહશૃંગાર)

કોરી આંખ્યુંમાં તે દિ’ મે’રામણ ઊમટ્યો

ગિરનાર આખો જાણે હૈડામાં સમટ્યો                                કોરી.

આથમ્યું હૈણું ’ને મઘા, ગજર રાતનો ફટક્યો

હાલતા ચાંદાને ઠેસ લાગીને અટક્યો                                 કોરી.

તારી વાંહે જીવડો મારો એમ ભટક્યો

પડદો પાંપણનો, પા’ણો, નૉ ફરક્યો                                   કોરી.

તારો વિજોગ એમ મનડાને ખટક્યો

તારા વિજોગે પગ ટાણાનો લચક્યો                                  કોરી.

ષડ્‍ઋતુચક્ર

ફેબ્રુવારી 21, 2010

(લખ્યા તારીખ: ૧૯૯૧)

(તાલ: દ્રુત ત્રિતાલ)

(શ્લેષ: ’તારાને ગણતાં’ = ૧. સિતારાને ગણતાં ૨. તમારાને ગણતાં)

જ્યારે જોઈ વસંતની પીળચટ્ટી સીમો ત્યારે ત્યારે યાદોમાં તારી હું લણાઈ ગયો

જ્યારે ધખ્યો ધોમ ગ્રીષ્મ બપોરના સૂનકારે ત્યારે ત્યારે તારા વિના હું બળાઈ ગયો

વર્ષા કેરા ઘનઘોર મેઘાડંબરમાં ઝબકારે વિરહાશ્રુ સાથે હું જણાઈ ગયો

શરદની ચાંદનીમાં તાજ યાદ આવ્યો ત્યારે ત્યારે યાદોમાં તારી હું ચણાઈ ગયો

જ્યારે જ્યારે હેમંતનું ગુલાબી પરોઢ વાયું ત્યારે સુરખી સાથે હું ય વાઈ ગયો

જ્યારે જ્યારે શિશિરના મૃગશિર્ષને મેં જોયું ત્યારે તારાને ગણતાં ગણાઈ ગયો

ટેવ

ફેબ્રુવારી 14, 2010

(લખ્યા તારીખ: મૅ ૩૧, ૧૯૯૬)

(તાલ: રૂપક)

તારી યાદ આવવાની ટેવ છે

મારી જો સતાવવાની ટેવ છે                    તારી.

તારી છબિ આંખે લઈને હું ઘૂમ્યા કરું, ઘૂમ્યા કરું

આમેય તે તને ભાન મારું ભૂલાવવાની ટેવ છે    તારી.

’કેવું ગયું’ ’કેવું હશે’ કહી રાચવું મિલન મહીં

’ને મિલનમાં ફરી વિરહ સંભારવાની ટેવ છે       તારી.

તું પલાળે ઓશિકું વિરહાશ્રુને વહાવીને

મને એ જ રીતે ઉજાગરા પંપાળવાની ટેવ છે      તારી.

હુસૈનસાગરની સાંજ

ફેબ્રુવારી 8, 2010

(લખ્યા તારીખ: જૂન ૨૦, ૧૯૯૫)

(તાલ: રૂપક)

(હૈદરાબાદ-સિકંદરાબાદના હુસૈનસાગર તળાવના કાંઠે એક રમણીય સાંજે રચાઈ)

અળતામાં ડૂબેલ સૂર્ય આ હળવે ત્યહીં ગળકી જશે

મદન પુષ્પધનુ મહીં મીઠો શબ્દ કો’ રણકી જશે                                     અળતામાં.

રિસાઈ જો મુજ વાતથી પણ વાત સાચી એ જ છે

મુજ વાત કેરી છાલકે તારા બંધ હોઠ મલકી જશે                          અળતામાં.

બની ન હોત જો રજની તો શું થાત આ પ્રણય તણું

વિચારી જો ત્યાં પ્રભાતનાં મીઠાં સ્મરણ ત્યાં ઝળકી જશે                        અળતામાં.

કમાન કેરી તાણથી ઘડિયાળ છો દોડ્યા કરે

સાચું કહું વા’લુડી આપણ સમય ત્યાં અટકી જશે                          અળતામાં.