Archive for the ‘કવિત્વ’ Category

મારી કવિતાઓ

ફેબ્રુવારી 21, 2010

(લખ્યા તારીખ: ૧૯૯૦)

(તાલ: રૂપક)

મારી કવિતાઓ – બસ ખાલી બબડાટ છે

ભડક્યો જે હૃદયમાં અગ્નિ, તે તણો ભભડાટ છે              મારી.

રહી જે ઇચ્છાઓ ફ્લહીન તે તણો તલસાટ છે

કરમાઈ જે વેણી તુજ વીણ, તે તણો પમરાટ છે             મારી.

ગઈ જે ઘાત દિલ પરથી, તે તણો આઘાત છે

ખેલી મન ભર શબ્દો સાથે, ખુલ્લી પડી ચોપાટ છે           મારી.

હૃદય-અંબરમાં ચડાવી’તી ઊર્મિ તણી પતંગ

તૂટ્યો જે દોર કલ્પનાનો તે તણો પછડાટ છે                  મારી.

કોરાયો ભાષાવાંસ જે મમ અણઘડ પ્રયત્ન થકી

પોલી, કહેવાતી વેણુ પાર, શ્વાસ તણો સુસવાટ છે             મારી.

ઉંમર સોળ વર્ષ (પ્રથમ કાવ્ય)

ફેબ્રુવારી 21, 2010

(લખ્યા તારીખ: ૧૯૮૬)

(તાલ: હીંચ?)

શબ્દોના શહેરમાં આવ્યો પરદેશી

ભોમકા અજાણી ’ને રસ્તા અણજાણ્યા                                       શબ્દોના.

વરસે બે વરસે નાનું હાટડું માંડ્યું

ખંતે વધાર્યું બોલી કાલાં બોલ લોભામણાં                                  શબ્દોના.

હળવે હળવે પેટ ભરવાને સારુ

ભેગા કર્યા શબ્દો અનેક માર્ગે અણજાણ્યા                                  શબ્દોના.

’ને વરસ સોળમે બેસતે તો માંડ્યો

પરદેશે વેપાર, કોઈની પણ સલાહ વણમાન્યા                         શબ્દોના.

કર્યો વેપાર એણે લાગણીઓ સંગે

લાવ્યો કાવ્યમોતી, ગોતી ગોતી શોભામણાં                                શબ્દોના.

શબ્દોનું હાટ, જાણે ક્યારે વધાવાશે

સફર સોળમાની અને જીવનનાં વધામણાં                                 શબ્દોના.

પ્રસ્તાવ

ફેબ્રુવારી 14, 2010

(લખ્યા તારીખ: ૧૯૮૮)

(તાલ: દાદરા)

એક બુંદ આપો કાવ્ય, લઈ જાવ સર્વ મારું

સાડા ત્રણ ડગ ધરણી કે નામ સુધ્ધાં મારું                         એક.

મૂઠી ભરીને માંગું કાં તો મોત કાં તો મિજલસ

હૃદયઅમી કાં આપો કાં આપો અશ્રુ ખારું                           એક.

હૃદયભરી હસાવો કે રૂમાલ ભરી રડાવો

એક ક્ષણ આપો અવનિ, લઈ જાવ ગગન પ્યારું                    એક.

ચંચળતા આપો ચપટી, કાં તોલો આપો ત્રાટક

સુવાંગ શ્વાસ તમારા, જીવનેય ન મજિયારું                          એક.

કટ્ટર શત્રુતા આપો કે ભૂલથી આપો મૈત્રી

કાં તો મોત લગી ભેળા, કાં સાત ડગલાં સારુ                        એક.

એવું પણ બને

ફેબ્રુવારી 8, 2010

(લખ્યા તારીખ: ૧૯૯૪)

આ બધું આગળ ઉપર એક થઈ જાય એવું પણ બને

આંસુ-કવિતા કાગળ ઉપર એક થઈ જાય એવું પણ બને                            આ બધું.

તારા વર્ણનમાં તલ્લીન સાવ હું થઈ જાઉં એવું પણ બને

પેન-પીંછી, કવિતા-ચિત્ર એક થઈ જાય એવું પણ બને                    આ બધું.

ભાગ્યજોગે છેટું રહી જાય માત્ર એક ડગલાનું અને

એ ડગલું નીકળી પડે વિરાટનું, હા, કદી એવું પણ બને                                આ બધું.

આ કાવ્ય હજુ અધુરું છે (પૂર્ણ કાવ્ય)

ફેબ્રુવારી 6, 2010

(લખ્યા તારીખ: ફેબ્રુઆરી ૨૫, ૨૦૦૬)

(તાલ: કહરવા)

(જીવનની કોઈ કઠિન ક્ષણે લખાયેલું આ પૂર્ણ કાવ્ય કોઈ બીજા અધૂરા કાવ્યની – મારા જીવનની –  વાત કરે છે.)

(Objective (ફારસી-અરબી વિશ્વના) દૃષ્ટિકોણ માટે ’દુનિયા’, Subjective (સંસ્કૃત વિશ્વના) દૃષ્ટિકોણ માટે ’જગત’ શબ્દ વાપર્યા છે.)

હા, મેં માન્યું જીવન માત્ર આરંભે જ શૂરું છે

પણ મોત! અટક ઉંબર આગળ, આ કાવ્ય હજુ અધૂરું છે!        પણ.

ન હોવું તે વાત અનોખી, તો પણ કેટલું આંહીં નથી

છે ય કેટલું ભરી ભરીને, ચાહે ખાટું-તૂરું છે!                       પણ.

આવડી મોટી દુનિયા માંહે મારો ક્યાંય હિસાબ નથી પણ

આવડું નાનું જગત હજુ યે મારા વિના અધૂરું છે!                  પણ.

કવિતા ઊગે

ફેબ્રુવારી 6, 2010

(લખ્યા તારીખ: ડિસેમ્બર ૨૨, ૧૯૯૭)

(તાલ: રૂપક)

ક્યાંક જો સંસારમાં કવિતા ઊગે

આકરા અંધારમાં સવિતા ઊગે!                       ક્યાંક.

અંધાર તો ભરડો લઈ ઊભો રહ્યો

શિયાળો કરડો થઈ વાતો રહ્યો

ક્યાંક જો તાપણા સારું તણખા ઊગે

આકરા અંધારમાં સવિતા ઊગે!                       ક્યાંક.

જાતના પડછાયાથી બીવે ગયા

પારકી આશા ઉપર જીવે ગયા

જાતની માળાને જો મણકા ઊગે

આકરા અંધારમાં સવિતા ઊગે!                        ક્યાંક.

પછડાટ છે ’ને દર્દ છે ’ને સખ્તી પણ

સચ્ચાઈ છે ’ને સાથે છે બદબખ્તી પણ

કસોટી પર સાચા સમા રણકા ઊગે

આકરા અંધારમાં સવિતા ઊગે                         ક્યાંક.

લખે જ જાઉં જો પત્ર આ અનંત હો

કે કર્કશ આ જગતની સામે તંત હો

ધરબાયેલા બારૂદ પર પલીતા ઊગે

આકરા સંસારમાં સવિતા ઊગે!                        ક્યાંક.

તો સારું

ફેબ્રુવારી 2, 2010

(લખ્યા તારીખ: ઑગસ્ટ ૦૬, ૧૯૯૮)

(તાલ: દાદરા)

કાગળને પેન અડે તો સારું

મનમાં મોતી જડે તો સારું                               મનમાં.

આખો દિવસ તો કી-ઓ દબાવી

ફોન-ઇ-મેઇલ પર વાતો પતાવી

હવે કવિતા ઊઘડે તો સારું                    મનમાં.

જીવતર ગયું એનાં સાધન માટે

જિંદગી વિતાવી જિંદગી માટે

હવે કવિતા જડે તો સારું                                  મનમાં.

ઘાવ દીધે ’ને લીધે જઈએ

ભાવ ’ને ચહેરા બદલે જઈએ

મહોરાં ખરી પડે તો સારું                       મનમાં.

કવિતા, મને છોડી ના જઈશ!

જાન્યુઆરી 31, 2010

(લખ્યા તારીખ: ડિસેમ્બર ૨૫, ૧૯૯૬)

મારી કવિતા મને છોડી ના જઈશ!

જ્યારે ટોળાના ઘોંઘાટે થાઉં અવાચક

સંયોગો પાસે બનું દયાનો યાચક

સૌ જેવાં હતાશ વેણ મુજને ન કહીશ!        મારી.

આશા-અપેક્ષા તો જીવન પડછાયા

જે દિ’ મારા ’ને બીજાના ટકરાયા

ખોટો મને તે દિ’ ભૂલે ન કહીશ!                             મારી.

નાનો તો યે હું તારો સર્જક છું

બ્રહ્માનો વામન અવતાર અલ્પ છું

અંતે તો મારું તું સર્જન રહીશ!                    મારી.