Archive for the ‘ઋતુગીતો અને સમયગીતો’ Category

ઘેરા ઘન બેઠા નગ માથ

ફેબ્રુવારી 21, 2010

(લખ્યા તારીખ: એપ્રિલ ૨૨, ૨૦૦૩)

(તાલ: દાદરા)

(ઉલ્લેખ શ્રાવણનો છે પણ હકીકતે સાનફ઼્રાન્સિસ્કો બૅ એરિયાના મિશન પીક પર ઘેરાતાં વાદળોને જોઈ આ તારીખે હાઈવે ૨૩૭ પર કાર ચલાવતાં સૂ્ઝેલું)

ઘેરા ઘન બેઠા નગ માથ (૨)

કેકા કરે છે કુંજે કલાપી

મીઠો મીઠો મલ્હાર આલાપી

સહીએ અમે શેં નાથ?                                         ઘેરા.

સૂનો શ્રાવણ ગરજ્યો વરસ્યો

હૈયા ઝરો અમારો તરસ્યો

વહીએ અમે શેં નાથ?                                                    ઘેરા.

ઢાંક્યો ભાનુ, ઢાંકી વસુંધરા

હૈયું ઢાંક્યું ના જાય, ઢાંક્યાં

રહીએ અમે શેં નાથ?                                           ઘેરા.

Advertisements

મેઘો અને એની મા (વર્ષાકાવ્ય)

ફેબ્રુવારી 21, 2010

(લખ્યા તારીખ: જુલાઈ ૨૫, ૧૯૯૦)

(તાલ: દીપચંદી)

ધીમી રે ચાલે મેઘો બારણે રે આવિયો

ઉંબરે જ ધરણી માતાએ તાવિયો

તારો દાદો ધખે છે ’ને ઉનાળો જામિયો

તરસે મરે તારાં ભાઈ ’ને બેન રે                                ધીમી.

દોડી વિંટાણો માને સૂસવે વાતું રે કાંઈ

ચમકે આંખો ’ને બોલ ગડૂડે ભાઈ

દાદાને તાપે મામે ભરી દીધી કાવડ્યું

જો ને મુજને રંગ્યો કાળો મેશ રે                                   ધીમી.

માતાએ ઠલવી કાવડ્યું નવાડ્યો સૂપડાધાર રે

રંગ ઉતાર્યો, ના’યા નવે ખંડ રે

ધરણીએ ધોઈ લીલી ચુંદડી રે ઓઢી

નીતરતે સપૂત મેઘાને નેણ રે                                      ધીમી.

ભાદરવો

ફેબ્રુવારી 21, 2010

(લખ્યા તારીખ: ઑગસ્ટ ૨૯, ૧૯૯૦)

(તાલ: ભજન)

(રસ: વિરહશૃંગાર)

અષાઢ સર્યો ’ને સર્યો શ્રાવણ વા’લમા તપે ભાદરવો તપાવે

ઝળકે તડકો પાણીમાં ઓતરા ’ને ચિતરાનો મન તાણી રાતને લંબાવે             અષાઢ.

ગયા રે કાંઈ સૂના મેળા ’ને મોળાં પરબ રે મુજને વિજોગ સતાવે                  અષાઢ.

ઊના રે દિ’ મારા નિઃસાસા જેવા ટાઢી રાત્યું તારી જેમ મુજને ધખાવે              અષાઢ.

હું રે વિજોગણ બેઠી ઉંબરે જોઉં ભીની વાટને કંયે તું આવે?                        અષાઢ.

ષડ્‍ઋતુચક્ર

ફેબ્રુવારી 21, 2010

(લખ્યા તારીખ: ૧૯૯૧)

(તાલ: દ્રુત ત્રિતાલ)

(શ્લેષ: ’તારાને ગણતાં’ = ૧. સિતારાને ગણતાં ૨. તમારાને ગણતાં)

જ્યારે જોઈ વસંતની પીળચટ્ટી સીમો ત્યારે ત્યારે યાદોમાં તારી હું લણાઈ ગયો

જ્યારે ધખ્યો ધોમ ગ્રીષ્મ બપોરના સૂનકારે ત્યારે ત્યારે તારા વિના હું બળાઈ ગયો

વર્ષા કેરા ઘનઘોર મેઘાડંબરમાં ઝબકારે વિરહાશ્રુ સાથે હું જણાઈ ગયો

શરદની ચાંદનીમાં તાજ યાદ આવ્યો ત્યારે ત્યારે યાદોમાં તારી હું ચણાઈ ગયો

જ્યારે જ્યારે હેમંતનું ગુલાબી પરોઢ વાયું ત્યારે સુરખી સાથે હું ય વાઈ ગયો

જ્યારે જ્યારે શિશિરના મૃગશિર્ષને મેં જોયું ત્યારે તારાને ગણતાં ગણાઈ ગયો

સાંધ્યગીત

ફેબ્રુવારી 14, 2010

(લખ્યા તારીખ: નવેમ્બર ૧૧, ૧૯૯૨)

(તાલ: રૂપક)

સાંજ પડે ’ને મને એકલડું લાગે

મન પારા સમું મારું, મારાથી જ ભાગે!                           સાંજ.

પરિચિત અવાજો સાંભળવા તરસતા કાનને

શમતો જતો કોલાહલ, હલાહલ સમ લાગે                        સાંજ.

અજાણતાં ડૂમો ડાંસે પાણીને ગળામાં જ

ભગવું આકાશ મારા મનમાં પણ જાગે                            સાંજ.

દિ’ ધંધે, રાત ઊંઘ ઘોડે અસવાર છે

સાંજ બચારી એકલી, પગે કેટલું ભાગે?                           સાંજ.

તારા વિનાનો વરસાદ

ફેબ્રુવારી 6, 2010

(લખ્યા તારીખ: સપ્ટેમ્બર ૦૯, ૧૯૯૬)

(તાલ: ખેમટા)

(એક શ્લેષ અલંકાર – ’વરસે’ શબ્દ બે અર્થમાં સંયોજાયેલો છે. ’વરસે’ અર્થાત ’વરસી પડે’ અને ’એક વર્ષના સમયગાળે’)

તારા વિનાનો વરસાદ, ટાણા વિનાનો વરસાદ!

આંખ મારી ચોધાર રુએ, ગારા વિનાનો વરસાદ!            તારા.

ધરતી ’ને આભ મળિયાં વરસે એનાં ઝળઝળિયાં

ડૂબ્યાં નેવાં ’ને નળિયાં, આરા વિનાનો વરસાદ!             તારા.

રંગધનુને ખેંચી તાણે, મેઘાશ્વોને એ પલાણે,

ઘાયલ કરે વિણ બાણે, પ્યારાં વિનાનો વરસાદ!              તારા.

સાંધ્યગીત – ૨

ફેબ્રુવારી 3, 2010

(લખ્યા તારીખ: ઑગસ્ટ ૦૪, ૧૯૯૮)

(તાલ: રૂપક)

સાંજ પડે ’ને મને એકલડું લાગે (૨)

ઝાલર વાગે અને ઘંટના નાદ સંભળાય

થાકયા ચરણ ઘર ભણી વળવા જાય

ખોલું જ્યાં તાળું ત્યાં અંધાર વાગે!                             સાંજ.

બારણું દેતાં વેંત કેદ ચાલુ થાય

કેમ કાઢવી આખી રાત મારે ભાઈ?

બોલું જરા ત્યાં દિવાલ આઘી ભાગે!                                     સાંજ.

કદી હોય છાશ, કદી હોય મિઠાઈ,

કોણ જાણે કેમ કડવી બની જાય?

સૂની આંખો બળે આંસુની આગે!                                 સાંજ.

હળવો હાલતો આવે હાથી

જાન્યુઆરી 31, 2010

(વર્ષાવર્ણન)

(લખ્યા તારીખ: સપ્ટેમ્બર ૧૨, ૧૯૯૫)

(તાલ: દીપચંદી)

હળવો હાલતો આવે હાથી!

સાગરની છાતી પર આવું વસ્ત્ર વણાયું ક્યાંથી?         હળવો.

ધરતીની ફાટી એડી ચોળે, જે આવ્યું તેને પાણી બોળે,

તડકા સામે હાય ઊઠી જાણે ભોં’ના અંતરમાંથી          હળવો.

દંતૂશળ એનાં રે ચમકતાં, ગડી-ગગડીને કાન ઢંઢોળે,

મહેનતુનો મિત્ર રે આવ્યો, થઈ સંકટનો સાથી            હળવો.

મનની છાની પ્રીત ઉભારે, પરદેશી સાજણ સંભારે,

વિરહી માટે જાણે વલોણી, ફરતી અંતરમાંથી             હળવો.

સાંધ્યગીત

જાન્યુઆરી 30, 2010

(લખ્યા તારીખ: એપ્રિલ ૦૯, ૨૦૦૧)

(તાલ: ત્રિતાલ)

(બે બંદીશમાં – એક મારા દ્વારા, એક સ્વ. ભદ્રાયુ ધોળકિયા દ્વારા)

સાંજ સમયનું ધીમું મીઠું ગાણું ગા રે મનવા!

થોડું રોતું, થોડું મરકતું, ગાણું ગા રે મનવા!          સાંજ.

સાંજના ભાગે ખૂબ ભર્યા છે યાદો તણા ખજાના

કેવા કડવા દિવસો વીત્યા, કેવા દિવસ મજાના

હળવે હળવે દિલને ઠલવતું ગાણું ગા રે મનવા!              સાંજ.

ભોરના ભાગે દોડ જ આવે, સાંજના ભાગે આંસુ

આમ જુઓ તો સરખાં લાગે, તો યે અંતર ખાસું

સાંજના ઘરમાં રોતું ’ને રમતું ગાણું ગા રે મનવા!           સાંજ.