Archive for the ‘ઈશ્વરચિંતન અને અધ્યાત્મ’ Category

નાથિયો અને નાથાલાલ

જાન્યુઆરી 5, 2011

(લખ્યા તારીખ: જાન્યુઆરી ૦૫, ૨૦૧૦)

(તાલ: કહરવા)

(જાણીતી કહેવત – પણ નાથિયો જુદો અને નાથાલાલ જુદા)

(“મને નાણે” = “મારી પરીક્ષા કરે”)

(સ્મરણ:’સહસ્ર ફેણાં ફૂંફવે જેમ ગગન ગાજે હાથિયો’ – નરસિંહ મહેતા)

(હસ્ત (હાથિયો) નક્ષત્રમાં મેઘ ગાજે વધુ અને વરસે થોડા)

હું નાણા વગરનો નાથિયો

મને નાણે નાથાલાલ રે!              હું.

એકડા વિનાના મીંડાં રહ્યાં ’ને

દાળભાત માટે ભાત ગઈ

હું પાડ્યા વગરનો સાથિયો

મને માણે નાથાલાલ રે!              હું.

આ નકરા નગારખાનામાં

વગાડું છું મારી તતૂડી

હું ગાજ્યા વગરનો હાથિયો

મને જાણે નાથાલાલ રે!             હું.

 

 

શક્તિનો ગરબો – જેવો ગવાવો જોઈએ તેવો

ફેબ્રુવારી 28, 2010

(લખ્યા તારીખ: ઑક્ટોબર ૧૯૯૧)

(તાલ: હીંચ – નહીં તો બીજો ક્યો?)

(રાગ: ચંદ્રકૌંસ)

જોજે જોજે માતાજી રંગ જાય ના (૨)

તારું માતાપણું વગોવાય ના!                                                 જોજે.

આવે આવે તોફાન ભલે માવડી

ડૂબી જાય રે છોને મારી નાવડી

મોંથી નામ તારું ખોવાય ના!                                                  જોજે.

હસી મરવાનું બળ તું દેજે

મરી હસવાનું બળ તું દેજે

ચડજે વા’રે જો તુંથી સહેવાય ના!                                             જોજે.

કદી થાકી હારીને મૂકું પડતું

પાપલીલામાં સાથે જોડાઈ જ‍ઉં

ભૂલથી મારાથી એવું થાય ના!                                                  જોજે.

ભીતરના ભણકારે

ફેબ્રુવારી 28, 2010

(લખ્યા તારીખ: ૧૯૯૯)

(તાલ: ભજન)

જેણે જેણે જગમાં સંતો ભક્તિ રે કીધી

ઝેરની ધારુંને જાણી જાણીને પીધી                        ઝેરની.

ધ્રુવ ’ને પ્રહ્લાદ મીરાં નરસૈંયે ઓલે

ઓધવે જંજાળું આ જાણી રે લીધી                         ઝેરની.

મેળાની મોઝારે મા’લ્યાં એકલડાં સૂનાં રે

ભણકારે ભીતરના વાતું માંડીને કીધી                       ઝેરની.

દરિયામાં મીઠાની ઢિંગલી

ફેબ્રુવારી 21, 2010

(લખ્યા તારીખ: ૧૯૯૧)

(તાલ: હીંચ)

(કદાચ શંકરાદ્વૈતની છાંય)

તારી ’ને મારી વાતો કે દરિયામાં મીઠાની ઢિંગલી રે લોલ

ઓગળી જવાની આ તો કે દરિયામાં મીઠાની ઢિંગલી રે લોલ

તું મારી કે ન મારી કે દરિયામાં મીઠાની ઢિંગલી રે લોલ

હું તારો કે ન તારો કે દરિયામાં મીઠાની ઢિંગલી રે લોલ

પળ રહ્યાં આપણ ભેગાં કે દરિયામાં મીઠાની ઢિંગલી રે લોલ

પછી ચાલુ વિરહનાં વલખાં કે દરિયામાં મીઠાની ઢિંગલી રે લોલ

આંસુમાં ઓગળી જાશું કે દરિયામાં મીઠાની ઢિંગલી રે લોલ

કણ કણ ભેગા થાશું કે દરિયામાં મીઠાની ઢિંગલી રે લોલ

સાવ જુદા ’ને ઘણા બનશું કે દરિયામાં મીઠાની ઢિંગલી રે લોલ

મળશું, હળશું ’ને છૂટા થાશું કે દરિયામાં મીઠાની ઢિંગલી રે લોલ

પાછા રડશું, ઓગળશું ’ને ગૂમ કે દરિયામાં મીઠાની ઢિંગલી રે લોલ

પાછા બનશું, મળશું ’ને હળશું કે દરિયામાં મીઠાની ઢિંગલી રે લોલ

માણ કહે છે

ફેબ્રુવારી 21, 2010

(લખ્યા તારીખ: ૧૯૮૯)

(તાલ: ભજન)

(જીવનરૂપી માણ તેના માણભટ્ટને)

હજુ તો બાકી ઘણી વાત માણભટ્ટ કરડા કૈં અથડાવ

પૂરાં કડવાં કહી સંભળાવ માણભટ્ટ કરડા કૈં અથડાવ                    માણભટ્ટ.

ઝીલવા દાદરા-ત્રિતાલ જ માણે લગાવ્યો આખ્યાનદાવ

ઘસાઈ, કાણી, બેસૂરી થાય તે જ અમૂલ્ય સરપાવ                      માણભટ્ટ.

પુરાણ, ડહાપણ, કથાસાગરનો રસ જનજનને પીવરાવ

કરી સંગત મૃદંગની સમયભૂખી માણને આજ ધરાવ                     માણભટ્ટ.

જે માણનો ધણીરણી તું, તુજ મન પડે વપરાય

હક્ક એનો ય લાગે વપરાવામાં દેવું તારું ચુકાવ                          માણભટ્ટ.

વીજળીના ચમકારે

ફેબ્રુવારી 21, 2010

(લખ્યા તારીખ: ૧૯૯૦)

(તાલ: હીંચ)

(ગંગાસતી અને પાનબાઈની ક્ષમાયાચના સાથે)

(શૈવાદ્વૈત – કાશ્મિરાદ્વૈતની ઝાંય)

નથી રે ગૂંથવા રે મારે, વીજના ચમકારા રે

પરોવી મોતી ’ને ગૂંથવો હાર!

ભરચક ભરી રે વીજળી, દિ’ એવો દેખાડ!                       ભરચક.

મારે રે ગૂંથવા રે વા’લા, સરપાવ તારા રે

આઠે પહોરના શણગાર!

ઉકલે રે ડિબાંગ અંધારાં, દિ’ એવો દેખાડ!                       ભરચક.

મારી ’ને તારી વચ્ચે પડદા કાંઈ પહાડના રે

તોડી-ફોડીને આવવું પાર

એને ભૂકો રે કરીને ભાંગું, દિ’ એવો દેખાડ!                       ભરચક.

જાગે રે આતમમાં શ્રદ્ધા, ભાણ ઝીલું અરીસે

દરશનથી લાગે ન રે લાહ્ય,

અંતરના સ્વામી એક જ, ઉતારો રે પાર!                          ભરચક.

પા’ણામાં હાંકવું છે હળ!

ફેબ્રુવારી 21, 2010

(લખ્યા તારીખ: જાન્યુઆરી ૦૫, ૧૯૯૨)

(રૂઢિપ્રયોગ: “આ તો પા’ણામાં હળ હાંકવાનાં છે, લોટમાં લીટા નથી તાણવાના!”)

(તાલ: હીંચ)

(રસ: વીર રસ)

(અલ્યા) રાખજે ભુજામાં બળ, આપણે પા’ણામાં હાંકવું છે હળ                 આપણે.

ટાળજે ઝાંઝવાં તણાં રે છળ, આપણે ખળખળ વહેવડાવવું છે જળ             આપણે.

ધસી આવે ભલે રિપુદળ, જય આપણો જ અંતે ઝળહળ                        આપણે.

ન ઇચ્છજે કદી અંતિમ ફળ, જંગ લડવાની છે નિતનિત્ય-પળ                  આપણે.

ખપી જઈએ મરને એક પળ, આપણે ફૂટવાના એક એક સ્થળ                  આપણે.

શ્રદ્ધાદીપ

ફેબ્રુવારી 21, 2010

(લખ્યા તારીખ: ૧૯૯૨)

(તાલ: દીપચંદી)

(અર્પણ: જ્ઞાનપીઠ વિજેતા મરાઠી લેખક વિ.સ. ખાંડેકરને. તેમની આ જ નામની ટૂંકી વાર્તા મારા જીવનના ઘણા પ્રસંગે બળ બનીને ઊભી રહી છે.)

(આ કવિતા મારા આસ્તિક અંતર્જગતમાંથી કર્મઠ અંતર્જગતમાં જતાં ઉંબરે લખાઈ છે.)

બળે કાંઈ દીપ હૃદયના

ચઢે કાંઈ રક્ત નૈવેદ્ય

પ્રસ્વેદસ્નાન કરાવાય

અંતરમાં શ્રદ્ધાદીપ ઝળહળે                                    અંતરમાં.

ભોગ લે મોહ આળસના

ભોગવે આશાહીનતા

ખંત નગારાં ગડગડે                                            અંતરમાં.

લોકનિંદા ’ને ભય

સ્વજનક્રોધથી મય

દીપમાળ કટુઘુંટ ભરે                                            અંતરમાં.

યજ્ઞે ઘણાં અસ્થિ પડે

ખોટા માર્ગ કદી મળે

પણ આતમ ભોમિયો બને                                        અંતરમાં.

વિધિવત થાય પૂજા

ચડે આકરી આહુતિ

ન ભાવ-પ્રતિભાવ ધરે                                           અંતરમાં.

ઇતિહાસે સ્થાન મળે

આત્માનું માન મળે

પરમ સહજ આવી મળે                                          અંતરમાં.

પોકાર

ફેબ્રુવારી 21, 2010

(લખ્યા તારીખ: ડિસેમ્બર ૦૬, ૧૯૯૦)

(તાલ: રૂપક)

હૈયાનાં ઉઘાડો દ્વાર, ઓ અંતરમાં બેસનાર!                                    હૈયાનાં.

અંદર હતો ત્યારે સુખ જ સુખ હતું, દુઃખ હતું ન લગાર

રમવામાં ’ને વળી ભમવામાં હું નીકળ્યો ક્યારે બહાર?                         હૈયાનાં.

દિલ ધડકે છે, શ્વાસ ચઢે છે, હૈયામાં થાય ફફડાટ,

ગળું સુકાય ’ને પગ થથરે છે, રુંધાયો મારો અવાજ!                            હૈયાનાં.

થરથર કાંપું, તમને જ જાપું, છે તમારો જ વિચાર

ઠંડી મારાં અંગને જકડે, લાગે ભય પારાવાર!                                   હૈયાનાં.

ઘોંઘાટ આટલો એમાં અટવાઉં, સાંકળ મળે ના ’ને ગભરાઉં

સંભળાય ના મને મારી ચીસો, તમે ક્યાંથી સાંભળો પોકાર?                    હૈયાનાં.

શક્તિ દે!

ફેબ્રુવારી 21, 2010

(લખ્યા તારીખ: ૧૯૮૯)

(તાલ: રૂટ માર્ચ)

શક્તિ દે! શક્તિ દે! (૨)

જગતના હે પ્રભુ, જગતને જીતવા (૨) ’ને બસ જીતે જ જવાની શક્તિ દે!                  શક્તિ દે.

સંસાર સર્વેશ, સાગરને તરવા (૨) કે ઘટક દઈ પી જવાની શક્તિ દે!                      શક્તિ દે.

સમય સરિતાને એક હાથે બંધ બાંધવા (૨) કે પૂરે ચડાવવાની શક્તિ દે!                   શક્તિ દે.

ફૂટે ખ્યાલ માત્રથી પાંખ પર્વતો તમામને (૨) કે ગરુડોને પાડવાની શક્તિ દે!               શક્તિ દે.

મમધ્વનિથી ઊઠે કંપી દિગ્ગજો પછી (૨) કે શ્વાસે વાયુ સ્તંભે એવી શક્તિ દે!                શક્તિ દે.

દૃષ્ટિમાત્ર બળે ભડકે પથ્થરો પછી (૨) કે વાક્યે વહ્નિ ઠારવાની શક્તિ દે!                    શક્તિ દે.

ધરાને કરાવવા રક્તસ્નાન શક્તિ દે (૨) કે થઈ ગંગા પાપ ધોવા શક્તિ દે!                  શક્તિ દે.

છું પથ્થર તો બની જાઉં પ્રતિમા (૨) કે થઈ પાળિયો પુજાવા શક્તિ દે!                       શક્તિ દે.