Archive for the ‘અંતરાવલોકન’ Category

શી દ્વિધા?

જૂન 3, 2011

(લખ્યા તારીખ: જૂન ૦૩, ૨૦૧૧)

(તાલ: કહરવા)

(સ્મરણ: તાઓ-તેહ-ચિંગ અને લાઓત્સે)

(સ્મરણ: શ્રીમદ્ભગવદ્ગીતા અને શ્રીકૃષ્ણ:

हतो वा प्राप्यसि स्वर्गम् जीत्वा वा भोक्ष्यसे महीम्

तस्मादुत्तिष्ठ कौन्तेय युद्धाय कृतनिश्चय )

(સ્મરણ: ઇશાવાસ્યોપનિષદ:

इशावास्यमिदम् सर्वम् यत्किञ्चिज्जगत्याम् जगत्

तेन त्यक्तेन भुंजीथाः मा गृध कस्यस्वीद्धनम्)

 

પહેલું નહીં તો બીજું અને બીજું નહીં તો પહેલું

એમ વિચારી આ દુનિયામાં પડે છે જીવવું સહેલું!

 

માંડો ઉજવવા આજને, મળે તેને લઈ પકડી

બીજા માટે રહો તાકી, મળી રહેશે મોડું-વહેલું             પહેલું.

 

જીતીશ તો કરીશ જલસા અને મરીશ તો જઈશ સ્વર્ગે

હાકલા-પડકારાની વચ્ચે પેલા કાળાએ એમ કહેલું         પહેલું.

 

બન્ને જો નહીં પામો, તો રહેવાના નથી ઓછા

બન્નેને ભોગવી જાણો તો સાચું બન્ને ચહેલું                 પહેલું.

આયના મહેલમાં

ફેબ્રુવારી 28, 2010

(લખ્યા તારીખ: ૧૯૯૬)

સાચું ક્યું પ્રતિબિંબ છે આ આયના મહેલમાં?

મારું ક્યું પ્રતિબિંબ છે આ આયના મહેલમાં?

જે ઉઠાવું બિંબ તે લાગે મારું મહોરું મને

જે જીવું તે સાવ લાગે સાચમાં ખોરું મને

ઝળકશે હીર સાચું ક્યા કહોને પહેલમાં?                    સાચું.

કંપ છે કે જંપ છે વિશ્વાસની ઓછપમાં

શીળું કશુંક લાગ્યા કરે દમામની ઝાંખપમાં

લ‍ઉં છું જિંદગીને સાચી રીતે કે લ‍ઉં છું સહેલમાં?            સાચું.

શબ્દો મને છળતા રહે ’ને મૌન પણ ભળતું રહે

અંતરે ખાલિપો ’ને માંહ્ય કશું બળતું રહે

આ એવું તો મહીં શું છે આ બાકી રહેલમાં?                   સાચું.

ટીન-એઇજની દુનિયા

ફેબ્રુવારી 21, 2010

(લખ્યા તારીખ: ૧૯૮૯)

(તાલ: દાદરા)

ચશ્માંના કાચની આરપાર ચળકતી દુનિયા

પાનાં એનાં જ એ, પૂંઠાં બદલતી દુનિયા                                    ચશ્માંના.

ન કોઈ આશય, ન આશ્રય, આશંકાઓ ઘણી

જિંદગી જંક્શને પાટા બદલતી દુનિયા                             ચશ્માંના.

ઢળી, ઢળાઈ જવું કે બનવું નવા ઢાંચા કદી

ન જાણે ક્યા કારીગરને હાથે પડી દુનિયા                                   ચશ્માંના.

વાવી સંબંધ આંબા ’ને રાહ જરા ન જોતી

વાવી જે ક્ષણ ત્યારે જ ફળ ઇચ્છે દુનિયા                          ચશ્માંના.

ચઢી આવે ભરતી આવેશ અને આક્રોશો તણી

મહત્ત્વાકાંક્ષાના છીપલાં વીણતી દુનિયા                                  ચશ્માંના.

ચઢે જે સ્થાનથી કે ત્યાં જ્યાં જઈને એ પડે

હતી તે ક્યાં કદી જોવા ન રોકાતી દુનિયા                         ચશ્માંના.

જન્માંતે

ફેબ્રુવારી 21, 2010

(લખ્યા તારીખ: ૧૯૮૯)

(તાલ: દાદરા – વાલ્ટ્ઝ)

હજી એક ક્ષણ, વળીને જોઈ લે રે મન

સૃષ્ટિચક્રને આરે, ચરણ ઉંબર વળોટે છે!                                                            હજી એક.

સ્મૃતિઓ ક્યાંયની ક્યાંય પડી છે છેક અજાણ

મધુરી મહિષીઓને દે વાંભ, ચરણ ઉંબર વળોટે છે                                   હજી એક.

રહે ના અનુભવ મૂડી, લે હૃદયના ખૂણા ઝૂડી

સમય છે પારકી થાપણ, ચરણ ઉંબર વળોટે છે                                                 હજી એક.

નાણી લે ખાતે-ખાતું આમ, પતાવી લેણદેણ તમામ

પેઢીએ મારી દે તાળાં ચરણ ઉંબર વળોટે છે                                             હજી એક.

સોંપી દે તલ-તલ બધું પૂરેપૂરી સમતાથી

પડી જા પાછો મેદાને પ્રભુ વછેરો પલોટે છે                                                         હજી એક.

દેકારો

ફેબ્રુવારી 21, 2010

(લખ્યા તારીખ: એપ્રિલ ૦૨. ૧૯૯૫)

(તાલ: ખેમટા)

ચડતી જતી ભરતી અને આ ડૂબતો કિનારો છે

ભરતી જતી ચડતી અને આ ડૂબતો સિતારો છે                                   ચડતી.

ફફડાય, ગોથાં ખાય, તણાયે જાય મારી પતંગ

ન જાણે ક્યાં એ જાય, શા માટે આ ખોંખારો છે?                                  ચડતી.

ઘસાઈ જાય મણકા તે પ્રથમ જળી ગયો છે દોરો

તૂટતી જતી આ માળને ક્યાં કોઈનો સહારો છે                                    ચડતી.

જાઉં છું, ખોવાઉં છું, ધોવાઉં છું અસ્તિત્વથી

સમજાવો કોઈ એટલું છતાં કાં આ દેકારો છે                                       ચડતી.

રોલર કૉસ્ટર

ફેબ્રુવારી 21, 2010

(લખ્યા તારીખ: ઑક્ટોબર ૨૩, ૧૯૯૪)

(તાલ: કહરવા)

(અર્પણ: અવિનાશ વ્યાસને, જેણે ’ચરડ ચરડ’ ચકડોળ ચલાવ્યું – અને આપણે તેમને ’કવિનાશ વ્યાસ’ કહી ડોળ કર્યો. સરવાળે ગુજરાતી કવિતા ગવાતી બંધ થઈ અને સમાજમાંથી કવિનાશ તો થાય કે નહીં પણ કાવ્યનાશ તો થયો જ)

આહા, કે ઊંધા માથે

આહા, કે જમીન સાથે

આહા, કે સીધા સવળા

આહા, કે આડા-અવળા

ખાધા કરો બસ ચક્કર

જીવનનું રોલર-કૉસ્ટર

ક્યાં જવું? અહીંના અહીં

છતાં ત્યાંના ત્યાં નહીં!

નહીં નફો નહીં તોટો

છતાં પણ ચિતરી વહી

ખુલ્લું રાખો બસ કાઉન્ટર

જીવનનું રોલર-કૉસ્ટર

યાદ નથી આનો ઘડનારો

ન દેખાય ફેરવનારો

હોડી છતાં ન ઓવારો

આવે મજા છતાં દેકારો

જબરૂં ચાલે આ જંતર

જીવનનું રોલર-કૉસ્ટર

હસી લો શાંત મુખે ખૂબ

ફેબ્રુવારી 21, 2010

(લખ્યા તારીખ: ૧૯૮૯)

(તાલ: દાદરા?)

કોઈ નાસમજ, કોઈ કડક, કોઈ રિસાળ, કોઈની હઠ

હસી લો શાંત મુખે ખૂબ, ન રાખો કોઈની ફડક                            હસી લો.

પોતાના નૈષ્ફલ્યનો ડંખ, પોતાની સિદ્ધિ કેરો ગર્વ,

આત્મવંચનાના દંભ આ અગણિત ચિત્તના રે રંગ                      હસી લો.

કોઈની ખુદ ડરતી જાત, કોઈને જાતનો જ ડર,

કુશંકા, ઈર્ષ્યા, આળસ, ભય: વર્તનનાં ઘણાં કારણ                     હસી લો.

અતિ નાદાન વિઘાતકને ન શિક્ષા છતાં કરીએ

કરીએ દૂર એ કારણ સરજે જે આવા માનવ                            હસી લો.

પ્રતીક્ષા

ફેબ્રુવારી 14, 2010

(લખ્યા તારીખ: ૧૯૮૯)

(તાલ: દાદરા – વાલ્ટ્ઝ)

પ્રતીક્ષા, પ્રતીક્ષા, પ્રતીક્ષા, પ્રતીક્ષા

પુરોગામીને આગામીની પ્રતીક્ષા

હર પળ, હર સમય છે સૌને પ્રતીક્ષા

સંસારચક્ર ધરી ખુદ પ્રતીક્ષા                       પ્રતીક્ષા.

લંગર ઉઠાવવા ભરતીની પ્રતીક્ષા

જુવાળ ચડે ત્યારે વાયુ-પ્રતીક્ષા

સમીરણ વાયે ન ઊઠે જો લંગર

ફરીથી ચાલુ એ પ્રતીક્ષા, પ્રતીક્ષા                   પ્રતીક્ષા.

અનાદિ અનંત એવા પ્રભુ તને

ન જાણે રહી છે કોની પ્રતીક્ષા

અવિચળ ’ને અફર થૈ તું ઊભો છે

બધે જ જોતો કરે કોની પ્રતીક્ષા?                    પ્રતીક્ષા.

એક આયખાની કથા

ફેબ્રુવારી 14, 2010

(લખ્યા તારીખ: ૧૯૯૨)

(તાલ: દાદરા)

આંખોની આશ આવડી હતી આકાશ ભરી

પણ મારી આળસે જ આ ખોયું આખું આયખું                 આંખોની.

મનમર્કટની મસ્તીમાં, એક ધ્યેયહીન હસ્તીમાં

મદહોશ થઈ આશ ભૂલવા મોહ્યું આખું આયખું                આંખોની.

એક દિન વઢી એ આશા મનને મન ભરી

પસ્તાવો પેટ ભરી કરીને રોયું આખું આયખું                   આંખોની.

ઝરણું વહ્યું પસ્તાવાનું અંતરના સ્વર્ગેથી

આક્રાંત થાતા હૈયે પછી ધોયું આખું આયખું                    આંખોની.

ઝંખનાનું ગીત

ફેબ્રુવારી 14, 2010

(લખ્યા તારીખ: ૧૯૯૩)

(તાલ: હીંચ)

મારી બુદ્ધિની ધાર મને કાપતી ગઈ

મારી સફળતા જ મુજને શાપતી ગઈ                    મારી.

ઝંખનાએ માંગ્યાં’તાં સાડા ત્રણ ડગલાં

એવી માગણી જ એને માપતી ગઈ!                     મારી.

બલિની જેમ ઊભા થયા’તા સંકલ્પો

દાનભાવના જ એમને ચાંપતી ગઈ!                     મારી.

ન દરિયો પુરાયો, ન પાણી ઉલેચાયાં

નાત ટિટોડીની એમ’ને’મ હાંફતી ગઈ!                   મારી.