Archive for the ‘ગીતો’ Category

દીર્ઘાયુષ્ય

જુલાઇ 18, 2019

(લખ્યા તારીખ: જુલાઈ ૧૮, ૨૦૧૯)

નેવું વરસની ડોસી પેલી સામે પાટિયે ઝૂલે છે

વરસો યાદ કરે છે ઘેલી, નામ બધાંનાં ભૂલે છે

 

ઘરનાં સૌએ ઝઘડી એને, પ્રેમ કરીને થાક્યા છે

વાત કરું તો પૌત્રવધૂનાં થોડાં પળિયાં પાક્યાં છે

 

ઘરમાં આમ જુઓ તો સાદા સીધા આનંદ મંગળ છે

નખની માંહે રોગ નથી ને ધીમે ખૂટતાં અંજળ છે

 

વેગે વિમાન આવે તેની રાહ જોઈને બેઠી છે

દિકરા કેરા અંતરમાંહે નોખી ચિંતા પેઠી છે

 

“મા તો જાશે તેડું આવે, ત્રીસ અમારાં બાકી છે

મા તો ઘસાણી, કરી કરીને ઘરવાળી યે થાકી છે

 

આ ઉંમરે કેમ બદલાશું?” એવા વિચાર સૂઝે છે

દીર્ઘાયુષ્યના પુસ્તક કેરું અઘરું પાનું ખૂલે છે!

દુનિયા જુદી જુઓ

જુલાઇ 17, 2015

(લખ્યા તારીખ: જુલાઈ ૧૭, ૨૦૧૫)

(તાલ: હીંચ)

કદી લઈને પતંગિયાંની પાંખો

કે ગરુડની આંખો

રે દુનિયા જુદી જુઓ!

કદી માથાં બેઘરનાં ઢાંકો

કે ઓછા જુઓ વાંકો

રે દુનિયા જુદી જુઓ!

કદી બાજુમાં રાખી જુઓ ફાંકો

કે નાક નીચું રાખો

રે દુનિયા જુદી જુઓ!

કદી ગાડી ધીમેથી હાંકો

કે બોર એઠાં ચાખો

રે દુનિયા જુદી જુઓ!

બાપનું વેકેશન

એપ્રિલ 22, 2013

(લખ્યા તારીખ: એપ્રિલ ૨૨, ૨૦૧૩)

(છેલ્લી પંક્તિમાં ભાવપલટો અચાનક જ આવી ગયો!)

જો બાપને ય પડતું હોત વેકેશન ભેગું તો

છોકરાં પતંગના હોત ચેમ્પિયન

મમ્મીને તો નાનીની પાસે મોકલી દેત ’ને

દેત એનેય સરસ વેકેશન!

જો બાપને ય પડતું હોત વેકેશન ભેગું તો

થઈ જાત ક્રિકેટમાં ધમ્માલ

શિખી જાત જાત-જાતના જાદુના ખેલ ’ને

કરી દેત ભણવામાં કમ્માલ

જો બાપને ય પડતું હોત વેકેશન ભેગું તો

દાદીનું હરખાતું હોત મંન

દાદા ’ને કાકા ’ને નાના ’ને મામા

કોઈને ભૂલા ન પાડત વંન!

ફરકડી ફરકે છે!

ઓગસ્ટ 20, 2011

(લખ્યા તારીખ: નવેમ્બર ૦૬, ૨૦૦૦)

(તાલ: દ્રુત હીંચ)

(અમારો મોટો જ્યારે નાનો હતો ત્યારે અમે સનીવેલ, કેલિફ઼ોર્નિયામાં રહેતાં. અમારી પાસે નિસ્સાન અલ્ટિમા કાર હતી. એને પાછલી સીટમાં પાછળ ફેરવીને બેસાડવાનો હતો. એને એકલું ન લાગે માટે પાછળના એરિયલ પર અમે એલ્યુમિનિયમનાં પાંખિયાં વાળી એક ફરકડી બાંધેલી. સનીવેલમાં કાર ફરે અને ફરકડી ફરકે!

આ ગીત લખ્યાની આસપાસ મારાં મા-બાપ મારા છોકરાને પાછળ, એકલો, ઊંધે મોંએ કાર સીટમાં રાખવા બદલ મને “અમેરિકન” કહીને ચિડવતા. એક વાર નાપાની ખીણમાં જતાં અમને એક્સિડંટ થયો અને માત્ર એ ચોખલિયાપણાના કારણે જ આજે અમારો લાડકડો પાંચ હાથ પૂરો થવામાં છે.

તમે કોઈ બીજા ગામમાં હશો, તમારી પાસે કોઈ બીજી કાર હશે. તમે પણ એકાદી ફરકડી લગાડી દેજો!

હા, તમારા લાડકાને કે લાડકડીને પાછળ જ બેસાડજો અને બરાબર કાર સીટે બાંધજો. ભલે ચોખલિયા લાગો!

जीवेन शरदः शतम् )

(અર્પણ: આત્માને અમર ગણાવી લોકોને ઊંધે રવાડે ચડાવી, હેલ્મેટથી વિમુખ કરનારા ખૂનીઓને)

(અર્પણ: ન્યૂટનના નિયમો ભણતા અને ન સમજતા, હેલ્મેટ ન પહેરનારા આત્મઘાતીઓને)

(અર્પણ: જીવન માત્ર ભોગવવા માટે છે તેમ માની, વાળ વિંખાવાની ચિંતા પાછળ હેમરેજ થવાના જોખમ લેનારા દોઢ મરદોને)

આખા સનીવેલમાં નથી એક કાર, ફરકડી ફરકે છે!

જેને ફરકડીનો આધાર, ફરકડી ફરકે છે!

એક આપણી અલ્ટિમા કાર, ફરકડી ફરકે છે!

જેને ફરકડીનો શણગાર, ફરકડી ફરકે છે!

એ તો ફરકે છે કાચની પાર, ફરકડી ફરકે છે!

એને એરિયલનો આધાર, ફરકડી ફરકે છે!

એને પાંખિયાં છે રે ચાર, ફરકડી ફરકે છે!

એમાં રંગ ભર્યા છે હજાર, ફરકડી ફરકે છે!

શી દ્વિધા?

જૂન 3, 2011

(લખ્યા તારીખ: જૂન ૦૩, ૨૦૧૧)

(તાલ: કહરવા)

(સ્મરણ: તાઓ-તેહ-ચિંગ અને લાઓત્સે)

(સ્મરણ: શ્રીમદ્ભગવદ્ગીતા અને શ્રીકૃષ્ણ:

हतो वा प्राप्यसि स्वर्गम् जीत्वा वा भोक्ष्यसे महीम्

तस्मादुत्तिष्ठ कौन्तेय युद्धाय कृतनिश्चय )

(સ્મરણ: ઇશાવાસ્યોપનિષદ:

इशावास्यमिदम् सर्वम् यत्किञ्चिज्जगत्याम् जगत्

तेन त्यक्तेन भुंजीथाः मा गृध कस्यस्वीद्धनम्)

 

પહેલું નહીં તો બીજું અને બીજું નહીં તો પહેલું

એમ વિચારી આ દુનિયામાં પડે છે જીવવું સહેલું!

 

માંડો ઉજવવા આજને, મળે તેને લઈ પકડી

બીજા માટે રહો તાકી, મળી રહેશે મોડું-વહેલું             પહેલું.

 

જીતીશ તો કરીશ જલસા અને મરીશ તો જઈશ સ્વર્ગે

હાકલા-પડકારાની વચ્ચે પેલા કાળાએ એમ કહેલું         પહેલું.

 

બન્ને જો નહીં પામો, તો રહેવાના નથી ઓછા

બન્નેને ભોગવી જાણો તો સાચું બન્ને ચહેલું                 પહેલું.

લીપ યરનું જોડકણું

મે 16, 2011

(”સોલોમન ગ્રેન્ડી’ પરથી પ્રેરણા)

(’બ્રુઆરી’ અને ’ઓગણત્રીસ’ એક-એક માત્રામાં જ ગાઈ નાખવા)

મોરારજીભાઈ તો કમનસીબ

જન્મતારીખ ફ઼ેબ્રુઆરી ઓગણત્રીસ

સાચવી જીવ્યા સો વરસ તો ય

જન્મદિવસ આવ્યા પચીસ!

નાથિયો અને નાથાલાલ

જાન્યુઆરી 5, 2011

(લખ્યા તારીખ: જાન્યુઆરી ૦૫, ૨૦૧૦)

(તાલ: કહરવા)

(જાણીતી કહેવત – પણ નાથિયો જુદો અને નાથાલાલ જુદા)

(“મને નાણે” = “મારી પરીક્ષા કરે”)

(સ્મરણ:’સહસ્ર ફેણાં ફૂંફવે જેમ ગગન ગાજે હાથિયો’ – નરસિંહ મહેતા)

(હસ્ત (હાથિયો) નક્ષત્રમાં મેઘ ગાજે વધુ અને વરસે થોડા)

હું નાણા વગરનો નાથિયો

મને નાણે નાથાલાલ રે!              હું.

એકડા વિનાના મીંડાં રહ્યાં ’ને

દાળભાત માટે ભાત ગઈ

હું પાડ્યા વગરનો સાથિયો

મને માણે નાથાલાલ રે!              હું.

આ નકરા નગારખાનામાં

વગાડું છું મારી તતૂડી

હું ગાજ્યા વગરનો હાથિયો

મને જાણે નાથાલાલ રે!             હું.

 

 

આંતર-કવિતા

નવેમ્બર 22, 2010

(લખ્યા તારીખ: નવેમ્બર ૨૨, ૨૦૧૦)

(જેમ આંતરખેડ થાય તેમ એક જાણીતા બાળકાવ્યની દરેક પંક્તિ પછી મારી પંક્તિ.

મને મૂળ કાવ્યના રચયિતા ખબર નથી. કોઈ ચીંધશે તો મંજૂરી માગીશ.)

મારા પ્રભુ તો નાના છે

સાવ જ છાનામાના છે

દુનિયાના એ રાજા છે

પુરાણા, તાજામાજા છે

ઊંચે આકાશે બેઠા છે

અંતર તળિયે હેઠા છે

સાગરજળમાં સૂતા છે

હશે હમેશાં – હૂતા, છે

યમુનાકિનારે બેઠા છે

સૌના દિલમાં પેઠા છે

મીઠી બંસી બજાવે છે

શ્રાવણ-મેઘ ગજાવે છે

પગમાં ઝાંઝર પહેર્યાં છે

સૌનાં દુઃખડાં વહેર્યાં છે

છનનન છનનન નાચે છે

સૌનાં અંતર વાંચે છે

નાનું ફૂલ ફટાયો

ઓક્ટોબર 22, 2010

(લખ્યા તારીખ: ઑક્ટોબર ૨૨, ૨૦૧૦)

(જેને બે દિકરા હોય – અને કવિતા વાંચી શકે તેટલા હોશ બચ્યા હોય, તેને નાના દિકરાનો આ સંવાદ ગમશે)

(તાલ: કહરવા)

હું છું નાનું ફૂલ ફટાયો, ઘરનો બીજો લાલ

ભૂલી જાત તમે મને – તે મારું નોખું વ્હાલ!

બેને બદલે ત્રણ મોટેરાં રાખે મારું ધ્યાન

પજવું મનભર પાટવીજીને, મારી નોખી ચાલ!

બચપણ મારું બમણું મોટું, દાદાગીરી તમણી

ડહાપણ ચારગણું રાખું ’ને હસતા રાખું ગાલ!

રડવે પહોંચું, સહેજે વહેંચું, નવગણા તો નખરાં

મા-બાપાને લાગું મીઠો, રવી સમો હું ફાલ!

રવી = શિયાળાના પાકની, વર્ષની બીજી મોસમ

ક્યારેક વછેરો, ક્યારેક વાંદરો

ઓગસ્ટ 24, 2010

(અછાંદસ)

(લખ્યા તારીખ: ઑગસ્ટ ૨૪, ૨૦૧૦, શ્રાવણીપર્વ)

(દસ વર્ષના બાળકને)

ક્યારેક વછેરો, ક્યારેક વાંદરો,

ક્યારેક તું લાગે છે મિત્ર!

ક્યારેક હરીફ, ક્યારેક શિશુ,

સરેરાશ ગમતું લાગે છે ચિત્ર!

કપડાં ’ને પગરખાં ’ને હવે પથારી પણ

ક્યારેક ટૂંકી પડવાનો લાગે ડર!

તારી માને રંધાવી રોવડાવે છે ક્યારેક

’ને ક્યારેક ઊપાડી લે છે આખું ઘર!

મારી જિંદગીના મોટામાં મોટા કાર્યક્રમ

તને ગણવો ચેલેન્જ કે સૌભાગ્ય?

આવડી મોટી દુનિયામાં ધકેલવાને

હું છું કે તને ઘડવાને યોગ્ય?

ક્યારેક હસાવે, ક્યારેક કરાવે ગુસ્સો

ક્યારેક વેરે વટાણા કે વધારે વટ!

ઊગ તારી ઝડપે, ધીમેથી ટીન્સમાં

તને મોટો નથી કરી મૂકવો ઝટ!