Archive for the ‘ગઝલો’ Category

અધૂરી ગઝલ

ફેબ્રુવારી 28, 2010

(લખ્યા તારીખ: જાન્યુઆરી ૨૩, ૧૯૯૨)

(અછાંદસ)

(બે શે’ર ખૂટે છે)

અજાણ્યું લાગે છે તારા ગામમાં અજાણ્યું લાગવું

પરાયું લાગે છે તારા નામમાં પરાયું લાગવું

સણસણતા સવાલોના દ‍ઉં જડબાતોડ જવાબો

હિંસાની વાત કર મા, છે ભવનું મેણું ભાંગવું

સામાન્ય બનવાની ધૂનમાં ઓગાળ્યે ગયો હું જીવન

આગવાપણું ખોઈને બની બેઠો વ્યક્તિત્વ આગવું

Advertisements

સુવાસોને સુમનમાંથી

ફેબ્રુવારી 28, 2010

(લખ્યા તારીખ: ૧૯૯૪)

(અછાંદસ)

(એક શે’ર ખૂટે છે)

ઘડી છે મૂર્તિઓને મેં સૂસવતા આ પવનમાંથી

જુઓ સૌંદર્ય ટપકે છે નીરખનારા નયનમાંથી

જવાશે કોરા તો નહીં જગતની મહેફિલોમાંથી

ભરી સુગંધને વહેતી હવા જુઓ ચમનમાંથી

ઊઠે છે જ્વાળ પર જ્વાળો હૃદય લાગણીએ બળતું

પ્રકટશે તન્વીશ્યામા દ્રૌપદી પણ આ હવનમાંથી

ખોયા સ્પર્શ ’ને રંગો ’ને ખોઈ મદભરી મસ્તી

નીચોવીને શું પામ્યો ક્‍હે સુવાસોને સુમનમાંથી?

અધૂરી ગઝલ

ફેબ્રુવારી 28, 2010

(લખ્યા તારીખ: સપ્ટેમ્બર ૨૪, ૧૯૯૩)

(અછાંદસ)

(મત્લા અને એક શે’ર ખૂટે છે)

ગોરા ગોરા પોસ્ટકાર્ડ પર બૉલપેનનાં છૂંદણાં

લાવને લાગણી આવા હાથમાં સોંપતા જઈએ

ભોળી ભોળી મનરાજીમાં છે યાદની રાતરાણી

લાવને થોડા પ્રસંગ આ ભોમે રોપતા જઈએ

છીપ જેવી આ આંખોમાં વાતો યે ઇન્દ્રધનુષી

આંસુ તો મોતી છે, લાવ થોડું કોપતા જઈએ

શુંનું શું થઈ જશે!

ફેબ્રુવારી 28, 2010

(લખ્યા તારીખ: ૧૯૯૦)

(અછાંદસ)

ન જાઓ પેલી પાર, નૈયા ડૂબી જશે

ન રોકાઓ આ પાર, શુંનું શું થઈ જશે!

જરા જો બોલવા દીધા આગળ વધી જશું

જરા તમે જો રોક્યા, મન ઊઠી જશે

અહીં કૂવો તહીં ખાઈ તેવી સ્થિતિ હશે

હશે એક રસ્તો એવો જે પાર લઈ જશે

નહીં તાણો નહીં આવે વાત છૂટી જશે

બહુ તાણશો તો વાત પાછી તૂટી જશે

નથી થાવું મીર, ગાંધી, વિશ્વેશ્વરૈયા કશે

બનવા આવ્યો છે માણસ, માણસ થઈને જશે

નીકળશે

ફેબ્રુવારી 28, 2010

(લખ્યા તારીખ: ૧૯૯૨)

(અછાંદસ)

(મત્લા કદી ન લખાયો)

(નીરજ નાણાવટીએ એક વખત આ કાવ્યની પાદપૂર્તિ – મૂળ કાવ્ય કરતાં ઘણી સારી રીતે – કરી હતી.

દુર્ભાગ્યે તે કાગળ ઉપર હોવાથી એમનાથી ક્યાંક મુકાઈ ગઈ છે. જડશે તો અને ત્યારે અહીં પ્રકટ કરીશું)

યાદોને ભંડારી દો પેલી પેટીમાં

સમય નથી, સફર પછી ખોલશું તો નીકળશે

હોવું દિલનું રહેવા દો તપાસવું

સંભવ છે, કફન પછી ચીરશું તો નીકળશે

અધૂરી ગઝલ

ફેબ્રુવારી 28, 2010

(લખ્યા તારીખ: ઑક્ટોબર ૧૭, ૧૯૯૫)

(અછાંદસ)

(એક શે’ર ખૂટે છે)

અમાસની રાત તેં કાળી કરી છે

દીવાઓથી અમે તો દિવાળી કરી છે

કાંટા તેં જેના ઉપર પાથર્યા’તા

તેને ગુલાબોની પથારી કરી છે

જીવન વેડફ્યું આખું યારો ઉપર

ના પ્રેમમાં અમે ઉધારી કરી છે

શાયરી દે છે શોભા મને નીલકંઠી

જિગરમાં જોર છે ’ને ખુમારી કરી છે

સૂની પડી ગઈ

ફેબ્રુવારી 28, 2010

(લખ્યા તારીખ: ૧૯૯૦)

(અછાંદસ)

(બે શે’ર ખૂટે છે)

પ્રતીકો ખોવાઈ ગયાં ’ને ગઝલ સૂની પડી ગઈ

સૂરજ ડૂબી ગયો ’ને સંધ્યા સૂની પડી ગઈ

તું આવી’તી સિન્ડ્રેલા સમી અને તરત ચાલી ગઈ

મોજડી સમી યાદો રહી ’ને પાર્ટી સૂની પડી ગઈ

ન જાણે કેમ આવી યોજના વિધાતા ગોઠવી ગઈ

ક્યાંક ફુંકાયાં રણશિંગાં ’ને બંસી સૂની પડી ગઈ

હતાં

ફેબ્રુવારી 27, 2010

(લખ્યા તારીખ: ફેબ્રુઆરી ૨૧, ૧૯૯૬)

કાજળ હતાં

તમારી આંખો મહીં

ક્યાં જળ હતાં?

(પઠન:

કાજળ હતાં તમારી આંખો મહીં

તમારી આંખો મહીં ક્યાં જળ હતાં?)

ફૂલદાનીમાં

ગોઠવાયેલાં ફૂલો

કાગળ હતાં

આશય ટોળાં

હમેશાં વિષયથી

આગળ હતાં

હિસાબ લીધા

પછી  યે કેમ તમે

આકળ હતાં?

મીઠા વચને

છૂપાયેલા મીઠાનાં

હા, હળ હતાં

રહે તો?

ફેબ્રુવારી 27, 2010

(લખ્યા તારીખ: ૨૦૦૪)

છાની રહે તો

હૃદયની વ્યથાચીસ

નાની રહે તો?

(પઠન:

છાની રહે તો હૃદયની વ્યથાચીસ

હૃદયની વ્યથાચીસ નાની રહે તો?)

ઊઠીશ હાલ

પણ પેલી દુનિયા

ફાની રહે તો?

ના સંસ્કૃતિને

ખોલ સુજન ક્યાંક

રાની રહે તો?

બચાવ આંસુ

પ્રણય છે તરસ

આની રહે તો?

પાછળ વળી

મિત્ર નીરખ શત્રુ

જાની રહે તો?

ઝાંઝવાં

ફેબ્રુવારી 27, 2010

(લખ્યા તારીખ: ફેબ્રુઆરી ૨૪, ૨૦૦૩)

ગળ ઝાંઝવાં

દિલમાં તો રણ છે

કળ ઝાંઝવાં

(પઠન:

ગળ ઝાંઝવાં દિલમાં તો રણ છે

દિલમાં તો રણ છે કળ ઝાંઝવાં)

ડાંસ્યાં ગળામાં

લોચને ન વરસ્યાં

જળ ઝાંઝવાં

સૂની છે મેડી

તસતસે ઓછાડ

સળ ઝાંઝવાં

પ્રેમ દરિયો

તમે ઘેરાં વમળ

તળ ઝાંઝવાં

મન મૃગલી

તું અહીં નથી ’ને

પળ ઝાંઝવાં