Archive for the ‘હાઈકુદેહ ગઝલો’ Category

અંદર

જાન્યુઆરી 22, 2012

(લખ્યા તારીખ: જાન્યુઆરી ૨૨, ૨૦૧૨)

(લાગે છે કે હાઇકુ-દેહ ગઝલ હાઇકુની ચિત્રાત્મકતા સાથે વધુ ખીલે છે.)

(લાગે છે હાઇકુ-દેહ ગઝલો ધાર્યા કરતાં વધુ શ્લેષાનુકૂળ છે. આ રચનામાં લગભગ દરેક શે’રમાં કાકુ [stress] બદલાતાં અર્થ બદલાય છે)

(આ રચનામાં કેટલાક કાફ઼િયા સંભવ છે પણ વપરાયા નથી.

જેમ કે ’આરી’, ’યારી’, ’છારી’, ’ધારી’, ’કારી’, ’ભારી’ – અને ’ઘારી’ પણ ખરી 🙂

એ જ વાત ઇન્ટરનેટ ગુજરાતી ગઝલવિશ્વ માટે સુંદર તક પણ છે. મારી સુજ્ઞ વાંચકોને વિનંતી છે કે આપ એ કાફ઼િયાઓ વાપરી આપના પહેલા હાઇકુ-દેહ શે’રો લખો અને અહીં કોમેન્ટમાં ઉમેરો.

એ બહાને આ કાવ્યપ્રકાર ફેલાશે.)

(’ખારી’  = પડવાળી ખારી બિસ્કીટ)

મારી અંદર

અનેક સ્તરો જાણે

ખારી અંદર

(પઠન:

મારી અંદર

અનેક સ્તરો જાણે

અનેક સ્તરો જાણે

ખારી અંદર

મારી અંદર

અનેક સ્તરો જાણે

ખારી અંદર

)

અંધારું બા’ર

બળતી શમા તમે

ઠારી અંદર

કેવો તમાશો

આંખો સામે તે છતાં

બારી અંદર

જીવન ઝાળે

ઝરમર વરસે

ઝારી અંદર

ભાર ખેંચતો

શ્વાન આ વણઝારે

લારી અંદર

અનેક ઊર્મિ

અમે વારી બહાર

વારી અંદર

મહેકે ફૂલો

મલ્હાય માળી જાણે

ક્યારી અંદર

તમે કહો તે

જુલાઇ 15, 2010

તમે કહો તે

પ્રેમ કર્યાની રીત

તમે ચહો તે

(પઠન:

તમે કહો તે પ્રેમ કર્યાની રીત

પ્રેમ કર્યાની રીત તમે ચહો તે)

આંખ મગરી

સાવ જ સાચા આંસુ

તમે વહો તે

અમારે વિશ્વ

સરહદ સહેલી

તમે રહો તે

મથામણ તે

મૂઠી મહેરામણ

તમે લહો તે

માણ્યું તે સુખ

જાણ્યું જ્ઞાન ’ને પીડા

તમે સહો તે

માર્યું

માર્ચ 1, 2010

ભરડી માર્યું

મીઠા ઝાડનું મૂળ

કરડી માર્યું

(પઠન:

ભરડી માર્યું મીઠા ઝાડનું મૂળ

મીઠા ઝાડનું મૂળ કરડી માર્યું)

કઠોરતાને

ભટકાડી દર્પણ

તરડી માર્યું

સીધી વાતનું

વતેસર કરીને

મરડી માર્યું

ઉજળા મોંના

મીઠા સગપણને

ખરડી માર્યું

હાઇકુદેહે

ગઝલનો ધખારો

-ઘરડી માર્યું!

હતાં

ફેબ્રુવારી 27, 2010

(લખ્યા તારીખ: ફેબ્રુઆરી ૨૧, ૧૯૯૬)

કાજળ હતાં

તમારી આંખો મહીં

ક્યાં જળ હતાં?

(પઠન:

કાજળ હતાં તમારી આંખો મહીં

તમારી આંખો મહીં ક્યાં જળ હતાં?)

ફૂલદાનીમાં

ગોઠવાયેલાં ફૂલો

કાગળ હતાં

આશય ટોળાં

હમેશાં વિષયથી

આગળ હતાં

હિસાબ લીધા

પછી  યે કેમ તમે

આકળ હતાં?

મીઠા વચને

છૂપાયેલા મીઠાનાં

હા, હળ હતાં

રહે તો?

ફેબ્રુવારી 27, 2010

(લખ્યા તારીખ: ૨૦૦૪)

છાની રહે તો

હૃદયની વ્યથાચીસ

નાની રહે તો?

(પઠન:

છાની રહે તો હૃદયની વ્યથાચીસ

હૃદયની વ્યથાચીસ નાની રહે તો?)

ઊઠીશ હાલ

પણ પેલી દુનિયા

ફાની રહે તો?

ના સંસ્કૃતિને

ખોલ સુજન ક્યાંક

રાની રહે તો?

બચાવ આંસુ

પ્રણય છે તરસ

આની રહે તો?

પાછળ વળી

મિત્ર નીરખ શત્રુ

જાની રહે તો?

ઝાંઝવાં

ફેબ્રુવારી 27, 2010

(લખ્યા તારીખ: ફેબ્રુઆરી ૨૪, ૨૦૦૩)

ગળ ઝાંઝવાં

દિલમાં તો રણ છે

કળ ઝાંઝવાં

(પઠન:

ગળ ઝાંઝવાં દિલમાં તો રણ છે

દિલમાં તો રણ છે કળ ઝાંઝવાં)

ડાંસ્યાં ગળામાં

લોચને ન વરસ્યાં

જળ ઝાંઝવાં

સૂની છે મેડી

તસતસે ઓછાડ

સળ ઝાંઝવાં

પ્રેમ દરિયો

તમે ઘેરાં વમળ

તળ ઝાંઝવાં

મન મૃગલી

તું અહીં નથી ’ને

પળ ઝાંઝવાં

વાદળ

ફેબ્રુવારી 27, 2010

(લખ્યા તારીખ: જૂન ૦૧, ૧૯૯૬)

દડ્યું વાદળ

યાદજળનાં મોતી

રડ્યું વાદળ

(પઠન:

દડ્યું વાદળ યાદજળનાં મોતી

યાદજળનાં મોતી રડ્યું વાદળ)

સૂર્ય ઢંકાયો

ઘડી છો ને એકલ

લડ્યું વાદળ

મેઘધનુના

વૃક્ષને થઈ કૂંડું

નડ્યું વાદળ

ન જાણે કોના

નશામાં થઈ વીજળી

પડ્યું વાદળ

માટી પથ્થર

કંઈ નહીં કઈ રીતે

ઘડ્યું વાદળ?

વેણુ

ફેબ્રુવારી 27, 2010

(લખ્યા તારીખ: ૨૦૦૨)

માગે છે વેણુ

હૃદય વ્રજે કા’ન

ત્રાગે છે વેણુ

(પઠન:

માગે છે વેણુ હૃદય વ્રજે કા’ન

હૃદય વ્રજે કા’ન ત્રાગે છે વેણુ)

મોરપીંછ તો

ગીતા સંગ પોઢે છે

જાગે છે વેણુ

પાંચજન્યે તો

પચાવ્યા અધરોને

તાગે છે વેણુ

આવ્યા અક્રૂર

પછી રથરવથી

ભાગે છે વેણુ

રણે ટંકાર

ભવરણે ગીતા તો

બાગે છે વેણુ

ચાબખા

ફેબ્રુવારી 26, 2010

(લખ્યા તારીખ: ૨૦૦૦)

વસ્યા ચાબખા

કાજળભર્યાં નેત્રે

જડ્યા ચાબખા

(પઠન:

વસ્યા ચાબખા કાજળભર્યાં નેત્રે

કાજળભર્યાં નેત્રે જડ્યા ચાબખા)

વસંત ખિલ્યો

કુમળી કળી પર

પડ્યા ચાબખા

આપ મલક્યાં

રે અમારે દિલે

સહ્યા ચાબખા

એટલા માર્યા

કે ગયા આંતરડી

કળ્યા ચાબખા

ચાલ્યા હાસ ’ને

ચાલ્યા ઉપહાસેય

નડ્યા ચાબખા

રાખ

ફેબ્રુવારી 26, 2010

(લખ્યા તારીખ: ફેબ્રુઆરી ૧૭, ૧૯૯૬)

(પઠન:

બચી છે રાખ સ્વપ્નવૃક્ષની ડાળે

સ્વપ્નવૃક્ષની ડાળે લચી છે રાખ)

બચી છે રાખ

સ્વપ્નવૃક્ષની ડાળે

લચી છે રાખ

દવ શું લાગે

હૃદયવનકંકાલે

મચી છે રાખ

પ્રણય ગયો

વ્રજ તો રાસ સૂનું

બચી છે રાખ

નિંદા પચશે

અમને અમારી જ

પચી છે રાખ

ગઝલ નામે

બળેલું હૃદય ’ને

રચી છે રાખ