Archive for the ‘પાદપૂર્તિ માટે – અધૂરી ગઝલો’ Category

ચડી

જાન્યુઆરી 26, 2011

(અધૂરી ગઝલ)

(છંદ: ગાલગાગા|ગાલગાગા|ગાલગાગા|ગાલગા)

આમ સાંજે શ્વાસ ખાધો, જિંદગી ઝોકે ચડી

રાત કેરી વેલ નમણી આભના મોભે ચડી

આપણે તો જીવતા’તા કાં’ક દીઠું કાં’ક મીઠું

કાં નઠારી વાયકાઓ લોકના જીભે ચડી?

અધૂરી ગઝલ

ફેબ્રુવારી 28, 2010

(લખ્યા તારીખ: જાન્યુઆરી ૨૯, ૧૯૯૨)

(અછાંદસ)

(મત્લા કદી ન લખાયો)

નહોતી મારવી તારે કોઈનીય પીઠમાં છરી

જોને લોહીના ટીપે ટીપે કેવો ટપકી રહ્યો છું

નહોતી કાપવી તારે કોઈનાય રથની ધરી

જોને આજે યુદ્ધભૂમિમાં કેવો અટકી રહ્યો છું

નહોતી શાપવી તારે કોઈનાય સપનની પરી

જોને એની દીવાનગીમાં કેવો ભટકી રહ્યો છું

નહોતી કરવી તારે કવિતાની પ્રેરણા કરી

જોને એની પાછળ કેવી કલમ ઝટકી રહ્યો છું

અધૂરી ગઝલ

ફેબ્રુવારી 28, 2010

(લખ્યા તારીખ: જાન્યુઆરી ૨૩, ૧૯૯૨)

(અછાંદસ)

(બે શે’ર ખૂટે છે)

અજાણ્યું લાગે છે તારા ગામમાં અજાણ્યું લાગવું

પરાયું લાગે છે તારા નામમાં પરાયું લાગવું

સણસણતા સવાલોના દ‍ઉં જડબાતોડ જવાબો

હિંસાની વાત કર મા, છે ભવનું મેણું ભાંગવું

સામાન્ય બનવાની ધૂનમાં ઓગાળ્યે ગયો હું જીવન

આગવાપણું ખોઈને બની બેઠો વ્યક્તિત્વ આગવું

સુવાસોને સુમનમાંથી

ફેબ્રુવારી 28, 2010

(લખ્યા તારીખ: ૧૯૯૪)

(અછાંદસ)

(એક શે’ર ખૂટે છે)

ઘડી છે મૂર્તિઓને મેં સૂસવતા આ પવનમાંથી

જુઓ સૌંદર્ય ટપકે છે નીરખનારા નયનમાંથી

જવાશે કોરા તો નહીં જગતની મહેફિલોમાંથી

ભરી સુગંધને વહેતી હવા જુઓ ચમનમાંથી

ઊઠે છે જ્વાળ પર જ્વાળો હૃદય લાગણીએ બળતું

પ્રકટશે તન્વીશ્યામા દ્રૌપદી પણ આ હવનમાંથી

ખોયા સ્પર્શ ’ને રંગો ’ને ખોઈ મદભરી મસ્તી

નીચોવીને શું પામ્યો ક્‍હે સુવાસોને સુમનમાંથી?

અધૂરી ગઝલ

ફેબ્રુવારી 28, 2010

(લખ્યા તારીખ: સપ્ટેમ્બર ૨૪, ૧૯૯૩)

(અછાંદસ)

(મત્લા અને એક શે’ર ખૂટે છે)

ગોરા ગોરા પોસ્ટકાર્ડ પર બૉલપેનનાં છૂંદણાં

લાવને લાગણી આવા હાથમાં સોંપતા જઈએ

ભોળી ભોળી મનરાજીમાં છે યાદની રાતરાણી

લાવને થોડા પ્રસંગ આ ભોમે રોપતા જઈએ

છીપ જેવી આ આંખોમાં વાતો યે ઇન્દ્રધનુષી

આંસુ તો મોતી છે, લાવ થોડું કોપતા જઈએ

નીકળશે

ફેબ્રુવારી 28, 2010

(લખ્યા તારીખ: ૧૯૯૨)

(અછાંદસ)

(મત્લા કદી ન લખાયો)

(નીરજ નાણાવટીએ એક વખત આ કાવ્યની પાદપૂર્તિ – મૂળ કાવ્ય કરતાં ઘણી સારી રીતે – કરી હતી.

દુર્ભાગ્યે તે કાગળ ઉપર હોવાથી એમનાથી ક્યાંક મુકાઈ ગઈ છે. જડશે તો અને ત્યારે અહીં પ્રકટ કરીશું)

યાદોને ભંડારી દો પેલી પેટીમાં

સમય નથી, સફર પછી ખોલશું તો નીકળશે

હોવું દિલનું રહેવા દો તપાસવું

સંભવ છે, કફન પછી ચીરશું તો નીકળશે

અધૂરી ગઝલ

ફેબ્રુવારી 28, 2010

(લખ્યા તારીખ: ઑક્ટોબર ૧૭, ૧૯૯૫)

(અછાંદસ)

(એક શે’ર ખૂટે છે)

અમાસની રાત તેં કાળી કરી છે

દીવાઓથી અમે તો દિવાળી કરી છે

કાંટા તેં જેના ઉપર પાથર્યા’તા

તેને ગુલાબોની પથારી કરી છે

જીવન વેડફ્યું આખું યારો ઉપર

ના પ્રેમમાં અમે ઉધારી કરી છે

શાયરી દે છે શોભા મને નીલકંઠી

જિગરમાં જોર છે ’ને ખુમારી કરી છે

સૂની પડી ગઈ

ફેબ્રુવારી 28, 2010

(લખ્યા તારીખ: ૧૯૯૦)

(અછાંદસ)

(બે શે’ર ખૂટે છે)

પ્રતીકો ખોવાઈ ગયાં ’ને ગઝલ સૂની પડી ગઈ

સૂરજ ડૂબી ગયો ’ને સંધ્યા સૂની પડી ગઈ

તું આવી’તી સિન્ડ્રેલા સમી અને તરત ચાલી ગઈ

મોજડી સમી યાદો રહી ’ને પાર્ટી સૂની પડી ગઈ

ન જાણે કેમ આવી યોજના વિધાતા ગોઠવી ગઈ

ક્યાંક ફુંકાયાં રણશિંગાં ’ને બંસી સૂની પડી ગઈ

નથી

ફેબ્રુવારી 26, 2010

(લખ્યા તારીખ: જૂન ૧૦, ૧૯૯૮)

(છંદ: લગાગાગા|લગાલગા|લગાગાગા|લગાલગા)

(એક શે’ર ખૂટે છે)

હૃદય મારું લઈ ગઈ તને મારી પડી નથી

જગત ગોતી વળ્યો છતાં મને તું તો જડી નથી

ભલે ગઈ કોરી અહીં, વર્ષા તે તો ગયા કરે

કહે મારા ચમન ઉપર, વિજલડી તો પડી નથી?

બચાવી મેં અશ્રુ-અશ્રુ તમે છોડી ગયા પછી

હિબકતું’તું હૃદય ઘણું, છતાં આંખો રડી નથી

પધારોને સનમ તણી ઘણી યાદો નવી નવી

મહેમાનો દિલે જગા જરાયે સાંકડી નથી

પોકારશે

ફેબ્રુવારી 26, 2010

(લખ્યા તારીખ: ૧૯૮૯)

(અછાંદસ)

(મત્લા પણ નથી લખાયો)

કળી ખિલશે પૂરી ત્યારે ભ્રમરને બાગમાં

આવવાને ખુદ ચમન પોકારશે

અત્યારે ઊંટને લીલાછમ ખેતરે ચરવા દો

ચાલવાને એનું રણ પોકારશે

તોડવાના રહેવા દો રેતીના મહેલો અહીં

ક્યારેક રહેવાને બચપણ પોકારશે

એમ તો કાંઈ કામ અત્યારે અમ-થી થશે ના

થશે એ જ્યારે કો’ પ્રણ પોકારશે

એમ તો નીકળીશું નહીં લાખોના ચાહવાથી

જાશું અચાનક, અંજળ પોકારશે