Archive for the ‘અછાંદસ ગઝલો’ Category

અછાંદસ ગઝલ

ફેબ્રુવારી 26, 2010

(લખ્યા તારીખ: ફેબ્રુઆરી ૦૨, ૧૯૯૪)

યારોથી પણ અંતરંગ વાતાવરણ મેં ભાળ્યું છે

એટલે તો મહેફિલનું આમંત્રણ મેં ટાળ્યું છે

ફેંકી ન દે ગુંચવણને સમજીને માત્ર જાળું

મેધાવીઓએ તો એનાથી જીવનને ગાળ્યું છે

પ્રણયકથાની સૂફિયાણી વાતને તું રહેવા દે

તેં ઇર્ષ્યાની આગથી નંદનવનને બાળ્યું છે

આવે છે થાકી મારી સઘળી ગઝલ અરીસામાર્ગે

લાગે છે સંતાનોએ ઘર એ જ રસ્તે ભાળ્યું છે

અટકે છે ડેલી ડેલી પામું છું હું એ જ નવાઈ

છૂટું કાં મૂકે છે જો અંધ જ ઊંટ યમે પાળ્યું છે?

Advertisements

શું હતું?

ફેબ્રુવારી 21, 2010

(લખ્યા તારીખ: જુલાઈ ૨૦, ૧૯૯૧)

(તાલ: દાદરા)

જો તું હજુ અવ્યક્ત છે તો વ્યક્ત શું હતું?

જો આ બધું ભ્રમ જ છે તો સત્ય શું હતું?

જો હજુય તારી મૂર્તિને ઘડી શક્યો નથી

આરસ પર ફરતું કશુંક અભિવ્યક્ત શું હતું?

તું કહે છે નથી થયો જરા પણ પવિત્ર હું

તો જ્યાંથી હું આવ્યો તે બધું ભ્રષ્ટ શું હતું?

નથી સમજાઈ તારી લીલા તેમ તું જો માને છે

તો ઉલ્લેખ તારા સાથે જીભ પર કથ્ય શું હતું?

શક્ય સર્વ અર્થ શોધી કાઢ્યા તારી શક્યતાના

જો આ બધું વ્યર્થ છે તો તુંમાં તથ્ય શું હતું?

પથ્થરની આંખ

ફેબ્રુવારી 21, 2010

(લખ્યા તારીખ: ૧૯૯૧)

(એક શેર ખૂટે છે)

મારા શહેરની આંખ જ્યારથી પથ્થર બની છે

સંવેદના બધી કલ્પના બની છે

રાત્રીનો તારકવૈભવ તો વિસરાઈ ગયો ક્યારનોય

સ્કાયસ્ક્રેપરની ટોચે કાલિમા ભરી છે

કૃષ્ણ-કદંબની કથા જ્યારથી વિસરાઈ છે

રેડાતું રુધિર યમુના બની છે

માનવ હૈયાં તો ક્યારના ય શૂન્ય થઈ ગયાં

જોઇએ કોંક્રિટમાં વેદના ભરી છે?

ઇતિહાસના બંદી મહાપુરુષોને પૂછું છું

આ માટે તમે સાધના કરી છે?

માનવીએ જડ ને ચેતન બનાવ્યા તો કોણે

ચેતનને જડ બનાવી વિડંબના કરી છે?

જોઇએ

ફેબ્રુવારી 8, 2010

(લખ્યા તારીખ: માર્ચ ૦૮, ૧૯૯૨)

(તાલ: રૂપક)

કવિતાને જન્મવા તો એક સ્પંદન જોઇએ

કોણે કહ્યું કે રૂપાળું નવલું એક બંધન જોઇએ?

મહાન હોવા જોઇએ ન સદૈવની શ્રુતકીર્તિ

હૃદયના ઊંડાણથી થતું એક વંદન જોઇએ

હોવું જ જો મદહોશ છે ’હું’ની મસ્તીમાં આપને

બીજાની નથી વાહવાહ તો એક દર્પણ જોઇએ

ક્યાંય થતાં નથી સાંભળી ભય વિના પ્રીતિઓ

શાંતાકારના હાથમાં પણ હો સુદર્શન જોઇએ

શાને ધિક્કારો છો આ થોડી સ્પર્શ કર્કશ જિંદગી

સરકી જાય ના હાથથી માટે થોડું ઘર્ષણ જોઇએ

તો?

ફેબ્રુવારી 8, 2010

(લખ્યા તારીખ: જાન્યુઆરી ૨૨, ૧૯૯૪)

(અછાંદસ)

“કવિતા લખો તે જીવવી પડે” કાયદો બની જાય તો?

માગ્યા પછી મદદ કરે, ઈશ વાયડો બની જાય તો?

એટલા જ માટે ટોળા સામે મોં સીવીને બેઠો છું

હરફ નીકળે મોંથી અને કાયદો બની જાય તો?

રોજમેળના જમા-ઉધાર અને પ્રેમની પુરાંત જણસેં

થોડી વધારે ચાહું, જીવન ફાયદો બની જાય તો?

જીવન તણાં રણ ભટકતાં મૃગજળ પીતાં મને થાય છે

રેતી ગંગાજળ બને, આભ છાંયડો બની જાય તો?

છૂટા પડવા ટાણે હું પૂતળું બની રોતો રહ્યો

ડોકેય હલી ગઈ ભૂલથી ’ને વાયદો બની જાય તો?

અટકી ગયો છું

ફેબ્રુવારી 8, 2010

(લખ્યા તારીખ: જાન્યુઆરી ૧૩, ૧૯૯૪)

(અછાંદસ)

(પાંચમો શે’ર કદી ન લખાયો)

મુલવાતાં મુલવાતાં અટકી ગયો છું

મોતી તો છું પણ ફટકી ગયો છું

વચનમાં તારા હતી હૈયાધારણ

લોલક હતો પણ અટકી ગયો છું

હતો આજ લગી તારી ધૂંસરી-ઇશારે

બેવફા નથી, બસ, છટકી ગયો છું

અરે, આ તો આવ્યો દેશ ગઝલનો

ફિલસૂફ તો છું પણ ભટકી ગયો છું!

રખે ભૂલમાં રહેતા

ફેબ્રુવારી 8, 2010

(લખ્યા તારીખ: ૧૯૮૯)

(અછાંદસ)

(મત્લા કદી ન લખી શકાયો)

નંખાયા હોય છે પાયા એમના મનોભૂમિ પર

હવાઈ મહેલો સાવ કાંઈ અધ્ધર નથી હોતા

બાંધી ગયા કૈં હાથ એફિલ-ચીનની દીવાલ

બધા બાંધનારા શાહજહાં-સધ્ધર નથી હોતા

રાખી ગયા સ્મૃતિચિહ્નો આ સૃષ્ટિતલ પર

મહાન એ પુરુષો કૈં લોકોત્તર નથી હોતા

યક્ષપ્રશ્નો માત્ર નથી લાજવાબ સવાલ

મુમુક્ષુપ્રશ્નો તણાયે કદી ઉત્તર નથી હોતા

તૂટશે એક ’ને એક દિન આ જુલ્મ જંજીરો

વસુંધરાના બધા સુત કપાતર નથી હોતા

ઢંઢોળી જુઓ આ પૂજિત પાષાણ પ્રતિમાઓ

શ્રદ્ધા કેરાં સ્થાન સાવ પથ્થર નથી હોતાં

સરે બે બુંદ અશ્રુ પણ કોઈની બરબાદી પરે

આશ્વાસનાર્થે જરૂરી સરોવર નથી હોતાં

આવે ત્યારે માણી લો યાદો તણી બહાર

સ્મૃતિસુમનોનાં કદી અત્તર નથી હોતાં

દર્પણને જોયું છે

ફેબ્રુવારી 6, 2010

(લખ્યા તારીખ: નવેમ્બર ૦૭, ૧૯૯૨)

(અછાંદસ)

(મત્લા કદી ન લખી શકાયો)

(તાલ: કહરવા)

(અહીં દર્પણ તે માનવના અંત:કરણનું અને પડછાયો તે માનવના કર્મોનું પ્રતીક છે)

છેતરવા આયનાને હું બહુ રંગે ગયો મહોરાં

પરંતુ એ જ રંગોમાં અમે દર્પણને જોયું છે!

ડૂમ્યો’તો કંઠ મારો તો હસ્યા કરતો’તો આયનો

આજે હું હસું છું તો જુઓ દર્પણ જ રોયું છે

ખોઈ નાખવા’તા બન્નેને, ભાગી જવું હતું મારે

ન પડછાયાને ખોયો છે, ન મેં દર્પણને ખોયું છે

સાચા પસ્તાવાના આંસુ ધોઈ નાખે સહુ પાપો

મગરના આંસુઓએ તો ફકત દર્પણને ધોયું છે

ન પૂછો કેમ છે ઊલટી ગતિ મારી તમારાથી

તમે દુનિયાને જોઈ છે ’ને મેં દર્પણને જોયું છે

હું જીવું છું

ફેબ્રુવારી 6, 2010

(લખ્યા તારીખ: ડિસેમ્બર ૨૨, ૧૯૯૨)

પગ પગ પળ પળ પ્રગટે તેવા પ્રાણ લઈને જીવું છું

જાણું છું અજાણ્યો છું તે જાણ લઈને જીવું છું

ફૂટીશ ત્યારે જાણીશ હતો ફૂગ્ગો કે જ્વાળામુખી

વાત એટલી પાકી કે હું દબાણ લઈને જીવું છું

આખો નીકળીશ બહાર ભવસાગરના તળિયેથી

હું છું પરપોટો અંદર પોલાણ લઈને જીવું છું

ઘસ્યો કસ્યો ’ને મૂક્યો તિજોરી ત્યારે મેં જાણ્યું

છું હીરો તેના હું પ્રમાણ લઈને જીવું છું

વામી દેજે પોટલાં દુઃખ જો ન ખમાય તુંથી

તળિયે વડવાનલ છે, અતલ ઊંડાણ લઈને જીવું છું

આખા અરીસા જેવો હું શીશમહલ ગયો છું બની

છે ને દાદાગીરી, કેટલાં ભંગાણ લઈને જીવું છું

નથી પકડાતા ધબકારા, બહેરું છે સ્ટેથોસ્કોપ,

પૂછ નસો મારીને, કેટલાં બૂમરાણ લઈને જીવું છું

ગમે ત્યારે ગળામાંથી નીકળી પડશે કૂકડેકૂક!

કેટકેટલી આશાના હું ઓહાણ લઈને જીવું છું

એક ફૂલનો અર્થ

ફેબ્રુવારી 6, 2010

(લખ્યા તારીખ: ૧૯૯૪)

(અછાંદસ)

(તાલ: રૂપક)

(આ ગઝલને વાંચતાં પહેલાં શંકરના કોઈ મંદિરને યાદ કરી લેવું)

આજે મને આ આયનો માનસ-સરોવર લાગતો

એ આવવાનાં છે સમય એમાં ઘણો ડૂબી ગયો

કળવા ન દીધું કળણ તેં તારા સ્મરણના મેદાનમાં

આકળવિકળ હું થઈ ગયો, તારી યાદમાં ડૂબી ગયો

છે વાટ લાંબી વાતમાં કોઈ જ શક નથી લાગતો

બેસી પડ્યો છે પોઠિયો અને કાચબો ઊંઘી ગયો

માળી હતો અણઘડ તે સાવ સાબિત થઈ ઊભું રહ્યું

સુંદર સમયનો છોડ કાંટાની વચ્ચે ઊગી ગયો

એકાદ ફૂલ કહીં ઊગે તેનો અર્થ પૂછો કેટલો

સૂર્ય તેને સ્પર્શ્યો ’ને પવન તેને સૂંઘી ગયો