Archive for the ‘અછાંદસ ગઝલો’ Category

મને ખબર નથી (હઝલ)

ઓક્ટોબર 15, 2011

(લખ્યા તારીખ: ઑક્ટોબર ૧૪, ૨૦૧૧)

(છંદ નથી મળતો. ભલા માણસ! 2Gના લાખો કરોડો રૂપિયાના હિસાબ નથી મળતા, CWGના છેડા નથી મળતા, દાઉદનાં સરનામાં નથી મળતા, સોનિયા ગાંધીની માંદગીનું નામ નથી મળતું ત્યાં તેમાં છંદ બાપડાની શી વિસાત? )

(અલ્યા, હા, કાફ઼િયા ય મળતા નથી – પણ આ દેશમાં કરોડોને એક ટંક ખાવાનું ય મળતું નથી. તો મોટું મન રાખજો અને દરગુજર કરજો.)

(અર્પણ: મનીમોહનસિંઘને! અત્યાર સુ્ધીમાં સૌથી વધુ વિદ્વાન અને સૌથી વધુ અજાણ વડાપ્રધાન આવ્યા. ફટ્‍ છે કે એણે બધી વાર બચાવ કરવો પડે છે: “મને ખબર નથી”.)

2Gનાં નાણાં ક્યાં ગયાં, મને ખબર નથી!

ભૂખ્યાંનાં ભાણાં ક્યાં ગયાં, મને ખબર નથી!

CWG શેં રમાઈ ગઈ, મને ખબર નથી!

શરમ ક્યાં સમાઈ ગઈ, મને ખબર નથી!

કોણ ગયું’તું અમેરિકે, મને ખબર નથી!

કોના પેટમાં શું દુઃખે, મને ખબર નથી!

તેલંગાણા ક્યાં છે ય તે મને ખબર નથી!

દાઉદ કોનું નામ છે, મને ખબર નથી!

ધીરજ શેં ખૂટી તેની મને ખબર નથી!

તિજોરી લૂંટી તેની મને ખબર નથી!

સૂબા થયા સ્વતંત્ર તેની મને ખબર નથી!

કેમ ચાલે છે તંત્ર તેની મને ખબર નથી!

હવે પછી શું થશે, મને ખબર નથી!

આખો દેશ ક્યાં જશે, મને ખબર નથી!

મને નથી ખબરે ય તે મને ખબર નથી!

કંગાલને નથી કબરે ય તે મને ખબર નથી!

એ પહેલાંની વાત છે

જાન્યુઆરી 21, 2011

(નકલ તારીખ: જાન્યુઆરી ૨૧, ૨૦૧૧)

(ડૉ. મહેશ રાવલે એમના બ્લૉગ પર “એ પછીની વાત છે” લખી. બહુ ગમી – એ પહેલાંની વાત છે.

Imitation is the most sincere form of flattery

મેં અહીં નજીવી ફેરબદલ કરીને લખી પણ છંદ ભાંગી ગયો – એ પછીની વાત છે!)

એક-બે ઘટના ઘટી’તી એ પહેલાંની વાત છે
જિંદગી ટલ્લે ચડી’તી, એ
પહેલાંની વાત છે

એમનું મળવું અને ચાલ્યા જવું છણકો કરી
જીદ મારી પણ નડી’તી, એ
પહેલાંની વાત છે

એ અલગ છે કે ચડી ગઇ  લોકજીભે વારતા
બે’ક અફવા પણ ભળી’તી, એ
પહેલાંની વાત છે

આમ તો બેફામ ઉભરાતી પ્રસંગોપાત, એ
લાગણી ઓછી પડી’તી, એ
પહેલાંની વાત છે

વળ ચડ્યા તો સાવ નાજુક દોર પણ રસ્સી બની
ગાંઠ, છેડે જઇ વળી’તી એ
પહેલાંની વાત છે

થઇ ગયું ધાર્યું ન’તું એ આખરે, આગળ જતાં
માન્યતા મોડી મળી’તી એ
પહેલાંની વાત છે

સાવ સુક્કુંભઠ્ઠ લાગ્યું છેવટે હોવાપણું
જાત આખી ખોતરી’તી,એ
પહેલાંની વાત છે

અધૂરી ગઝલ

ફેબ્રુવારી 28, 2010

(લખ્યા તારીખ: જાન્યુઆરી ૨૯, ૧૯૯૨)

(અછાંદસ)

(મત્લા કદી ન લખાયો)

નહોતી મારવી તારે કોઈનીય પીઠમાં છરી

જોને લોહીના ટીપે ટીપે કેવો ટપકી રહ્યો છું

નહોતી કાપવી તારે કોઈનાય રથની ધરી

જોને આજે યુદ્ધભૂમિમાં કેવો અટકી રહ્યો છું

નહોતી શાપવી તારે કોઈનાય સપનની પરી

જોને એની દીવાનગીમાં કેવો ભટકી રહ્યો છું

નહોતી કરવી તારે કવિતાની પ્રેરણા કરી

જોને એની પાછળ કેવી કલમ ઝટકી રહ્યો છું

સુવાસોને સુમનમાંથી

ફેબ્રુવારી 28, 2010

(લખ્યા તારીખ: ૧૯૯૪)

(અછાંદસ)

(એક શે’ર ખૂટે છે)

ઘડી છે મૂર્તિઓને મેં સૂસવતા આ પવનમાંથી

જુઓ સૌંદર્ય ટપકે છે નીરખનારા નયનમાંથી

જવાશે કોરા તો નહીં જગતની મહેફિલોમાંથી

ભરી સુગંધને વહેતી હવા જુઓ ચમનમાંથી

ઊઠે છે જ્વાળ પર જ્વાળો હૃદય લાગણીએ બળતું

પ્રકટશે તન્વીશ્યામા દ્રૌપદી પણ આ હવનમાંથી

ખોયા સ્પર્શ ’ને રંગો ’ને ખોઈ મદભરી મસ્તી

નીચોવીને શું પામ્યો ક્‍હે સુવાસોને સુમનમાંથી?

શુંનું શું થઈ જશે!

ફેબ્રુવારી 28, 2010

(લખ્યા તારીખ: ૧૯૯૦)

(અછાંદસ)

ન જાઓ પેલી પાર, નૈયા ડૂબી જશે

ન રોકાઓ આ પાર, શુંનું શું થઈ જશે!

જરા જો બોલવા દીધા આગળ વધી જશું

જરા તમે જો રોક્યા, મન ઊઠી જશે

અહીં કૂવો તહીં ખાઈ તેવી સ્થિતિ હશે

હશે એક રસ્તો એવો જે પાર લઈ જશે

નહીં તાણો નહીં આવે વાત છૂટી જશે

બહુ તાણશો તો વાત પાછી તૂટી જશે

નથી થાવું મીર, ગાંધી, વિશ્વેશ્વરૈયા કશે

બનવા આવ્યો છે માણસ, માણસ થઈને જશે

અધૂરી ગઝલ

ફેબ્રુવારી 28, 2010

(લખ્યા તારીખ: ઑક્ટોબર ૧૭, ૧૯૯૫)

(અછાંદસ)

(એક શે’ર ખૂટે છે)

અમાસની રાત તેં કાળી કરી છે

દીવાઓથી અમે તો દિવાળી કરી છે

કાંટા તેં જેના ઉપર પાથર્યા’તા

તેને ગુલાબોની પથારી કરી છે

જીવન વેડફ્યું આખું યારો ઉપર

ના પ્રેમમાં અમે ઉધારી કરી છે

શાયરી દે છે શોભા મને નીલકંઠી

જિગરમાં જોર છે ’ને ખુમારી કરી છે

દુશ્મનના હાથમાં

ફેબ્રુવારી 26, 2010

(લખ્યા તારીખ: ઑગસ્ટ ૦૧, ૧૯૯૨)

(અછાંદસ)

બાગો ગુલાબોના ન હજો દુશ્મનના હાથમાં

ઘાતક ઘણો છે ગુલદસ્તો દુશ્મનના હાથમાં

જીવનની શી કામની સજાવી ઇકેબાના

સાબૂત છે જો ઘણ હજુ દુશ્મનના હાથમાં?

જીતી ગયો હોત બાજીને નિઃસંદેહ હું

બચી ગઈ’તી એક ક્ષણ દુશ્મનના હાથમાં

થોડું ઉદાર થવું હતું મુકદ્દર તારે અહીં

ન જીવન હાથમાં ’ને મોત દુશ્મનના હાથમાં

જીવતો રાખી મને ’ને મારી ધોબી પછાડ

આપી હતી સમશેર મેં દુશ્મનના હાથમાં

નથી

ફેબ્રુવારી 26, 2010

(લખ્યા તારીખ: ઑગસ્ટ ૦૧, ૧૯૯૨)

(અછાંદસ)

મારી જંઘા તોડ્યાનો આનંદ તો અમથો નથી?

ધર્મે કાળે સમાજે માત્ર ચરણથી ભમતો નથી

આવ અધર્મીને મારવાને જોઈએ ય કો’ક રામ

સીતા ઓળંગે રેખા તેને રાવણ અતિક્રમતો નથી

હજી મનના ખંડેરોની બચી લાગે છે દિવાલ

ઊઠે છે એક શબ્દ ’ને પડઘો પછી શમતો નથી

પ્રણય વાટે હૃદય ખોયું થઈ બેઠો બિમાર

હસે છે મિત્રો કે નજરનાં બાણ પણ ખમતો નથી

દુનિયાના તમામ આયનાને મિટાવી દે ખુદા

તેમાંથી ડોકાય છે તે શખ્સ મને ગમતો નથી

નીકળવું જોઈશે

ફેબ્રુવારી 26, 2010

(લખ્યા તારીખ: ઑક્ટોબર, ૧૯૯૨)

(અછાંદસ)

શત્રુઓની વસતીમાંથી રમતાં નીકળવું જોઈશે

કોઈને ’ને કોઈને ગમતાં નીકળવું જોઈશે

વાંસ સમા બરડ થઈને તરડ ન પામવા

ઊગ્યા તો ઘાસ થઈ નમતાં નીકળવું જોઈશે

અંધાર છે ચોમેર ’ને સફર છે એકલાં

સૂરજને લાગે છે બળતાં નીકળવું જોઈશે

મિત્રો હતા તારા કર્ણ ’ને તું કૃપણ ઘણો

સ્વર્ગમાં પહોંચવાને પહેલાં નીકળવું જોઈશે

કાવ્યે જો અમર થવું હશે તો લાગે છે

કવિ-ઇચ્છાની બહાર સહસા નીકળવું જોઈશે

બદલતા ચાલો

ફેબ્રુવારી 26, 2010

(લખ્યા તારીખ: ડિસેમ્બર ૧૯, ૧૯૯૩)

(આ લખાતાં સુધી તો પ્લુટો ગ્રહ ગણાતો હતો)

જેમાં લાગ્યું હોય દુઃખ તેવા પ્રસંગ બદલતા ચાલો

નાના ભાંડું માટે ધરતીના ઉછરંગ બદલતા ચાલો

ફૂટબૉલના મેદાનમાં પડ્યા છીએ દડા થઈને

સૂર્યથી માંડી પ્લુટો સુધીના નંગ બદલતા ચાલો

હારજીતને હાંફ ચડાવી લડવાની મજાને માટે

મેદાન બદલતા ચાલો તો કદી જંગ બદલતા ચાલો

શું કરશો જીવનની ચાદરને એક જ રંગ ઝબોળી?

ક્યાંક ભાત બદલતા ચાલો તો ક્યાંક રંગ બદલતા ચાલો

દોડવાનું છે દુનિયા કેરી રંગબેરંગી ઝાડીમાંથી

કવિ થઈ જાઓ કાચિંડા ’ને રંગ બદલતા ચાલો