Archive for the ‘ગઝલો’ Category

મળ્યો ‘તો (ગઝલ)

જૂન 24, 2019

હા, એટલો તો ખજાનો મળ્યો’તો
કે શ્વાસ ખાવા વિસામો મળ્યો’તો

તાંદુલ હતા ત્યારે કા’નો મળ્યો’તો
ભૂખ્યો હતો ને સુદામો મળ્યો’તો

સંયોગ એવો મજાનો મળ્યો’તો
પડછાયો મારો જ સામે મળ્યો’તો

સારો ગણ્યો છો નકામો મળ્યો ‘તો
કાણો મળ્યો ‘તો ન મામો મળ્યો’તો

જીવી ગયો’તો લખ્યું જે ગઝલમાં
શાયર ગજબના ગજાનો મળ્યો’તો

અંદર

જાન્યુઆરી 22, 2012

(લખ્યા તારીખ: જાન્યુઆરી ૨૨, ૨૦૧૨)

(લાગે છે કે હાઇકુ-દેહ ગઝલ હાઇકુની ચિત્રાત્મકતા સાથે વધુ ખીલે છે.)

(લાગે છે હાઇકુ-દેહ ગઝલો ધાર્યા કરતાં વધુ શ્લેષાનુકૂળ છે. આ રચનામાં લગભગ દરેક શે’રમાં કાકુ [stress] બદલાતાં અર્થ બદલાય છે)

(આ રચનામાં કેટલાક કાફ઼િયા સંભવ છે પણ વપરાયા નથી.

જેમ કે ’આરી’, ’યારી’, ’છારી’, ’ધારી’, ’કારી’, ’ભારી’ – અને ’ઘારી’ પણ ખરી 🙂

એ જ વાત ઇન્ટરનેટ ગુજરાતી ગઝલવિશ્વ માટે સુંદર તક પણ છે. મારી સુજ્ઞ વાંચકોને વિનંતી છે કે આપ એ કાફ઼િયાઓ વાપરી આપના પહેલા હાઇકુ-દેહ શે’રો લખો અને અહીં કોમેન્ટમાં ઉમેરો.

એ બહાને આ કાવ્યપ્રકાર ફેલાશે.)

(’ખારી’  = પડવાળી ખારી બિસ્કીટ)

મારી અંદર

અનેક સ્તરો જાણે

ખારી અંદર

(પઠન:

મારી અંદર

અનેક સ્તરો જાણે

અનેક સ્તરો જાણે

ખારી અંદર

મારી અંદર

અનેક સ્તરો જાણે

ખારી અંદર

)

અંધારું બા’ર

બળતી શમા તમે

ઠારી અંદર

કેવો તમાશો

આંખો સામે તે છતાં

બારી અંદર

જીવન ઝાળે

ઝરમર વરસે

ઝારી અંદર

ભાર ખેંચતો

શ્વાન આ વણઝારે

લારી અંદર

અનેક ઊર્મિ

અમે વારી બહાર

વારી અંદર

મહેકે ફૂલો

મલ્હાય માળી જાણે

ક્યારી અંદર

તઝમીન – ૧

નવેમ્બર 4, 2011

(લખ્યા તારીખ: નવેમ્બર ૦૪, ૨૦૧૧)

(છંદ: ગાલગાગા|ગાલગાગા|ગાલગા)

(તાલ: દીપચંદી)

(આમાં મત્લા ડૉ. મહેશ રાવલનો છે. બાકીના શે’ર એ ગુજરાતી ગઝલના ઇન્ટરનેટના બાદશાહના કદમોમાં મારી તઝમીનના!)

ધારણા આગળ જતાં બદલાય છે
જેમ, રસ્તા દૂર જઇ ફંટાય છે

પામનારા જખ્મ પંપાળી રહ્યા
માંગનારા દૂરથી પસ્તાય છે!
બાથમાં તો કેટલું બાકી રહે
માંગતાયે ક્યાં બધું મંગાય છે?
હા, હકીકતને અમે છોડી ગયા
સાચથીયે ક્યાં કશું સંધાય છે?
તું કહે તો કલમ શું જગત મૂકું
તો ય તારાં વેણ ક્યાં બોલાય છે?

મને ખબર નથી (હઝલ)

ઓક્ટોબર 15, 2011

(લખ્યા તારીખ: ઑક્ટોબર ૧૪, ૨૦૧૧)

(છંદ નથી મળતો. ભલા માણસ! 2Gના લાખો કરોડો રૂપિયાના હિસાબ નથી મળતા, CWGના છેડા નથી મળતા, દાઉદનાં સરનામાં નથી મળતા, સોનિયા ગાંધીની માંદગીનું નામ નથી મળતું ત્યાં તેમાં છંદ બાપડાની શી વિસાત? )

(અલ્યા, હા, કાફ઼િયા ય મળતા નથી – પણ આ દેશમાં કરોડોને એક ટંક ખાવાનું ય મળતું નથી. તો મોટું મન રાખજો અને દરગુજર કરજો.)

(અર્પણ: મનીમોહનસિંઘને! અત્યાર સુ્ધીમાં સૌથી વધુ વિદ્વાન અને સૌથી વધુ અજાણ વડાપ્રધાન આવ્યા. ફટ્‍ છે કે એણે બધી વાર બચાવ કરવો પડે છે: “મને ખબર નથી”.)

2Gનાં નાણાં ક્યાં ગયાં, મને ખબર નથી!

ભૂખ્યાંનાં ભાણાં ક્યાં ગયાં, મને ખબર નથી!

CWG શેં રમાઈ ગઈ, મને ખબર નથી!

શરમ ક્યાં સમાઈ ગઈ, મને ખબર નથી!

કોણ ગયું’તું અમેરિકે, મને ખબર નથી!

કોના પેટમાં શું દુઃખે, મને ખબર નથી!

તેલંગાણા ક્યાં છે ય તે મને ખબર નથી!

દાઉદ કોનું નામ છે, મને ખબર નથી!

ધીરજ શેં ખૂટી તેની મને ખબર નથી!

તિજોરી લૂંટી તેની મને ખબર નથી!

સૂબા થયા સ્વતંત્ર તેની મને ખબર નથી!

કેમ ચાલે છે તંત્ર તેની મને ખબર નથી!

હવે પછી શું થશે, મને ખબર નથી!

આખો દેશ ક્યાં જશે, મને ખબર નથી!

મને નથી ખબરે ય તે મને ખબર નથી!

કંગાલને નથી કબરે ય તે મને ખબર નથી!

તમને મળ્યો છું ત્યારથી (હઝલ)

સપ્ટેમ્બર 25, 2011

(લખ્યા તારીખ: સપ્ટેમ્બર ૨૫, ૨૦૧૧)

(છંદ: ગાગાલગા|ગાગાલગા|ગાગાલગા|ગાગાલગા)

(તાલ: રૂપક)

( ડૉ. મહેશ રાવલની નખશિખ સુંદર, મોનાલિસા જેવી  ગઝલ ’તમને મળ્યો છું ત્યારથી’ પર મારું ચિતરામણ. ડૉક્ટર સાહેબ, માફ઼ કરજો!)

’હોવા પણું છલકાય છે તમને મળ્યો છું ત્યારથી’

એકેક ક્ષણ બિવાય છે તમને મળ્યો છું ત્યારથી
’ને પેટમાં ચુંથાય છે તમને મળ્યો છું ત્યારથી

બદલી રહ્યું છે અર્થ, સુક્કા સ્વપ્નઘરનું આંગણું (’અર્થ’ = ધર્મ-મોક્ષ-કામ—> અર્થ; અહીં, ઇમલાની કિમત)
રંગો ઉખડતા જાય છે તમને મળ્યો છું ત્યારથી

શબ્દો વગર પણ થઇ રહી છે વાત ખુદથી હરપળે
બસ, મૌન રહી બોલાય છે તમને મળ્યો છું ત્યારથી ! (આ શે’રમાં શબ્દ બદલ્યા નથી)

લોકો દિલાસા દઇ ગયા સપનું ગણી ભૂલી જવા
પણ ક્યાં કશું ભૂલાય છે તમને મળ્યો છું ત્યારથી (આ શે’રમાંપણ શબ્દ બદલ્યા નથી)

આદત નથી પરિણામની પરવાભર્યા તલસાટની
પણ આજ એવું થાય છે તમને મળ્યો છું ત્યારથી ! (આ શે’રમાં પણ શબ્દ બદલ્યા નથી)

શું બહાર શું ભીતર બધું બસ,સાવ ખાલીખમ હતું
હોવાપણું છલકાય છે તમને મળ્યો છું ત્યારથી

સામે મળે તો ચાતરી લેતાં ગલી કહી બહાવરો
એ કેમ ના હવે થાય છે તમને મળ્યો છું ત્યારથી?

ચડી

જાન્યુઆરી 26, 2011

(અધૂરી ગઝલ)

(છંદ: ગાલગાગા|ગાલગાગા|ગાલગાગા|ગાલગા)

આમ સાંજે શ્વાસ ખાધો, જિંદગી ઝોકે ચડી

રાત કેરી વેલ નમણી આભના મોભે ચડી

આપણે તો જીવતા’તા કાં’ક દીઠું કાં’ક મીઠું

કાં નઠારી વાયકાઓ લોકના જીભે ચડી?

એ પહેલાંની વાત છે

જાન્યુઆરી 21, 2011

(નકલ તારીખ: જાન્યુઆરી ૨૧, ૨૦૧૧)

(ડૉ. મહેશ રાવલે એમના બ્લૉગ પર “એ પછીની વાત છે” લખી. બહુ ગમી – એ પહેલાંની વાત છે.

Imitation is the most sincere form of flattery

મેં અહીં નજીવી ફેરબદલ કરીને લખી પણ છંદ ભાંગી ગયો – એ પછીની વાત છે!)

એક-બે ઘટના ઘટી’તી એ પહેલાંની વાત છે
જિંદગી ટલ્લે ચડી’તી, એ
પહેલાંની વાત છે

એમનું મળવું અને ચાલ્યા જવું છણકો કરી
જીદ મારી પણ નડી’તી, એ
પહેલાંની વાત છે

એ અલગ છે કે ચડી ગઇ  લોકજીભે વારતા
બે’ક અફવા પણ ભળી’તી, એ
પહેલાંની વાત છે

આમ તો બેફામ ઉભરાતી પ્રસંગોપાત, એ
લાગણી ઓછી પડી’તી, એ
પહેલાંની વાત છે

વળ ચડ્યા તો સાવ નાજુક દોર પણ રસ્સી બની
ગાંઠ, છેડે જઇ વળી’તી એ
પહેલાંની વાત છે

થઇ ગયું ધાર્યું ન’તું એ આખરે, આગળ જતાં
માન્યતા મોડી મળી’તી એ
પહેલાંની વાત છે

સાવ સુક્કુંભઠ્ઠ લાગ્યું છેવટે હોવાપણું
જાત આખી ખોતરી’તી,એ
પહેલાંની વાત છે

મૃત્યુની ગઝલનુમા નઝમ

ઓગસ્ટ 3, 2010

(લખ્યા તારીખ: ઑગસ્ટ ૦૩, ૨૦૧૦)

(છંદ: ગાલગાગા|ગાલગાગા|ગાલગાગા|લલલગાગા)

ડાળ પેલી જે ફળેલી ઝૂકવાનો સમય આવ્યો

જીવતર કેરા સમંદર સૂકવાનો સમય આવ્યો

બાળગીતો, વીરગાથા, પ્રેમગીતો સકલ પૂરાં

ડૂસકાં ’ને મરસિયાં ’ને ઠૂઠવાનો સમય આવ્યો

મેંશ થોડી, જ્યોત થોડી એમ દીપક સળગતો’તો

તેલ ખૂટ્યું વાટને પણ ખૂટવાનો સમય આવ્યો

જિંદગીભર હાથમાંહે ભાગ્યરેખા સરસ દોરી

હાથ ખુલ્લા બંધ મૂઠી ખૂલવાનો સમય આવ્યો

રાત કાળી દોડતી’તી, ખેલતો’તો સપન હોળી

જો! અરુણા આભ સાથે ઊઠવાનો સમય આવ્યો

 

(નોંધ: કોઈને માટે આ નઝમ વાપરવાની થાય તો ’મેંશ થોડી, જ્યોત થોડી’ની જગ્યાએ ’મેંશ થોડી, જ્યોત ઝાઝી’ તેમ કહેવું.)

તમે કહો તે

જુલાઇ 15, 2010

તમે કહો તે

પ્રેમ કર્યાની રીત

તમે ચહો તે

(પઠન:

તમે કહો તે પ્રેમ કર્યાની રીત

પ્રેમ કર્યાની રીત તમે ચહો તે)

આંખ મગરી

સાવ જ સાચા આંસુ

તમે વહો તે

અમારે વિશ્વ

સરહદ સહેલી

તમે રહો તે

મથામણ તે

મૂઠી મહેરામણ

તમે લહો તે

માણ્યું તે સુખ

જાણ્યું જ્ઞાન ’ને પીડા

તમે સહો તે

માર્યું

માર્ચ 1, 2010

ભરડી માર્યું

મીઠા ઝાડનું મૂળ

કરડી માર્યું

(પઠન:

ભરડી માર્યું મીઠા ઝાડનું મૂળ

મીઠા ઝાડનું મૂળ કરડી માર્યું)

કઠોરતાને

ભટકાડી દર્પણ

તરડી માર્યું

સીધી વાતનું

વતેસર કરીને

મરડી માર્યું

ઉજળા મોંના

મીઠા સગપણને

ખરડી માર્યું

હાઇકુદેહે

ગઝલનો ધખારો

-ઘરડી માર્યું!