Archive for the ‘અગેય કાવ્યો’ Category

વધુ એક સેમેસ્ટર

સપ્ટેમ્બર 24, 2019

(લખ્યા તારીખ: ઓગસ્ટ ૧૯, ૨૦૧૯)

વધુ એક સેમેસ્ટર કરો ચાલુ
વધુ એક કિલ્લાને ઘાલો ઘેરો
ધીમે ધીમે થવાનું છે ચક્રવર્તી
ધીમો ધીમો વાળવાનો છે ફેરો!

આ એક ડુંગરો સામે ખડો
વધુ એક ડુંગરા માથે ચડો
વધુ એક શિખર પરથી જુઓ
આપણા ઝંડાની એ લહેરો!

ધીમે ધીમે ઘરનાં ય ટેવાય છે
એમનાથી ‘જય’ ગવાય છે
વેકેશનની ય રાહ જોવાય છે
વહાલ વધુ ને ઓછો પહેરો!

સમજણ પડશે ત્યાં તો પૂરું
મીઠું-ખાટું-તીખું-કડવું-તૂરું
પછી સૂર્યોદય, આકાશ ભૂરું
ધીમે ધીમે ખિલે છે ચહેરો!

પોલૅન્ડ કવિતાઓ

એપ્રિલ 27, 2015

(લખ્યા તારીખ: એપ્રિલ ૦૮, ૨૦૧૫)

(હું ખાસો રેશનાલિસ્ટ વ્યક્તિ છું. આથી નીચેની ઘટનાને કોઈ અતીન્દ્રિય અનુભવ તરીકે ખપાવવા પ્રયાસ નથી કરવાનો. આ ઘટનાને માનવ મગજમાં વિશિષ્ટ, જવલ્લે જ બનતી ઘટના સ્વરૂપે અભ્યાસ કરવા લાયક છે.

એક સર્જક તરીકે મેં એક દિવસમાં વધુમાં વધુ બે-ત્રણ કાવ્યો/ગઝલો લખ્યાં છે. છેલ્લા વરસેકથી સામાજિક પરિસ્થિતિ બદલાતાં હું લગભગ કશું જ લખી શક્યો નથી – અને લખવાની ઇચ્છા પણ નથી થઈ. કુટુંબમાં બે કેન્સર હોય અને એમાંનું એક ટર્મિનલ કેન્સર હોય તો સ્વાભાવિક છે કે સર્જનની પ્રક્રિયા ઓછી મનનીય હોય.

અન્ય નોંધપાત્ર વિગત એ કે પોલૅન્ડ/કોઈ પોલ સાથે મારો કોઈ મૈત્રી કે વ્યવહાર (કે વેર) ભાવનો સંબંધ નથી.

દિ. એપ્રિલ ૦૮, ૨૦૧૫ના રોજ સવારે ૦૪:૦૦ વાગે મને સપનું આવ્યું અને હું જાગી ગયો. એ સપનામાં આ પ્રમાણે આવ્યું:

રાજકોટના ગૅલેક્સી થિયેટરની રમણીય ફ઼ૂટપાથ પર હું અને મારા પુત્રો ચાલ્યા જતા હતા. ત્યાં પોલૅન્ડનો ફ઼િલ્મ ફ઼ેસ્ટીવલ ચાલતો હતો. ચોરસ છત્રી નાખીને પોલૅન્ડના રાજદૂતાવાસના એક વીસીમાંનાં મહિલા કર્મચારી અને એક ચાલીસીમાંના પુરુષ અધિકારી – સ્વાગત માટે બેઠા હતા. મારા પુત્રો (એમના સ્વભાવ પ્રમાણે) મારો હાથ ખેંચીને આ નવી જગ્યાએ લઈ ગયા.મારા મનમાં મારા સસરાની લથડતી જતી તબિયતની ચિંતા હતી છતાં હું બાળકોનું મન રાખવા ત્યાં ગયો.

એ અધિકારીએ અમારું સ્વાગત કર્યું અને મારા હાથમાં બહુભાષી, એકરંગી બ્રોશર પકડાવ્યું. બ્રોશર (અનુક્રમે) પંજાબી, હિન્દી, મરાઠી, ગુજરાતી, બાંગ્લા અને અસમિયા ભાષાઓમાં છપાયેલું હતું. [હું આ ઉપરાંતની પણ ઘણી બધી ભાષાઓ વાંચી શકું છું – પણ મને એમ લાગ્યું કે આ રાજદૂતાવાસનો ઉત્તર ભારત પૂરતો મૈત્રી પ્રયાસ હશે.]

મેં ઝડપથી વાંચવા પાનાં ગુજરાતી વિભાગ સુધી ફેરવ્યાં. પાછલા પાને સોળ ફ઼િલ્મોની યાદી હતી. વીસ મિનિટથી બે કલાક દસ મિનિટ સુધીની ફ઼િલ્મોનું લિસ્ટ અને તેમનો ટૂંકસાર લખેલો હતો.

આગલા પાને કોઈ પોલિશ કવિની દસ કવિતાઓનો (ગુજરાતી વિભાગ હોવાને કારણે) પોલિશમાંથી ગુજરાતીમાં અનુવાદ હતો. મને એ કવિતાઓ બહુ ગમી. હું મથાળે કવિનું નામ ફરીથી વાંચવા ગયો.

મારાં સપનાં ચોક્ક્સ નવી માહિતીની જરૂર પડતાં તૂટે છે – અને આ સપનું પણ તૂટી ગયું. હું ઊઠ્યો. આગળ ઉપર પણ મને સપનામાં કવિતાઓ, વાર્તાઓ, અલ્ગોરિધમો, પ્રમેયો આવતાં રહ્યાં છે અને હું ઊઠીને સાર લખી નાખું છું – પણ આ વખતે હદ થઈ ગઈ. ફ઼િલ્મો વિશે હું સપનું તૂટતાં સાવ જ ભૂલી ગયો પણ મને દસે દસ કવિતાઓ અક્ષરશઃ યાદ રહી હતી.

એમાંની નવ સુરુચિપૂર્ણ હતી એ હું અહીં થોડા ફેરફાર સાથે લખું છું. દસમી સુરુચિપૂર્ણ નથી – આથી મેં લખી નથી. એ પણ મને આજે પણ પૂરી યાદ છે. નોંધ કરવી ઘટે કે આમાંની ઘણી કવિતાઓ માત્ર પોલૅન્ડનો જ કવિ લખી શકે તેવી છે. આથી મારું મન આ કવિતાઓને મારી મૌલિક કહેવા નથી માનતું…)

પોલૅન્ડ કવિતા ૧:

બે ચાર પૈસા ભેગા કર્યા પછી

દેવળમાં પાદરી દ્વારા કરાતી પ્રાર્થનામાં રહેલી શાંતિની અરજ સમજાય છે;

અત્યાર સુધી તો રાજનાં રાજ ગુમાવનારા રાજાઓ મૂર્ખ કે લાપરવા લાગતા હતા;

હવે લાચાર દેખાય છે!

પોલૅન્ડ કવિતા ૨:

માફ઼ી પણ અજબ ચીજ છે દોસ્ત લેવડ-દેવડ માટે;

અત્યાર સુધી માન્યું હતું કે માત્ર માગનારો પસ્તાય છે;

હવે લાગે છે કે ક્યારેક આપનારો પણ પસ્તાય છે!

પોલૅન્ડ કવિતા ૩:

તમારા જ થીજેલા બારામાં

તમારી જ સબમરીન ડૂબી ત્યારે

તમે નાવિકોને શહીદ થવાની સૂચના આપીને

એને તળિયે રહેવા દીધી અને તમે શાંતિથી સૂઈ ગયા

***

એમાંનો એક નાવિક વિદ્રોહી નીકળ્યો

એણે પોતાની સાઇનાઇડની ગોળીનું દ્રવ્ય એરકન્ડિશનરમાં ભરી

(તમારા ધાર્યા કરતાં) બધાંનું મોત સરળ કરી આપ્યું

***

ઉનાળે, નવરાશે લોકલાજે,

તમે હવાચુસ્ત સબમરીનને બહાર કઢાવીને ખોલાવી

હવે તમારે સાઇનાઇડથી નવ-શહીદ બચાવસ્ટાફ઼નાં સગાંની તો માફ઼ી માગવી જ પડશે ને?

***

હાય, લોકાચાર!

પોલૅન્ડ કવિતા ૪:

દાઢીવાળા દાદાએ હાકલ પાડી કે

“સંપત્તિ સૌના ભાગે સરખી હોવી જોઇએ!”

આપણે બધાંએ રૂપિયા-ઘરેણાં-જમીનો

એળે-બેળે, કળથી-બળથી, હરખપદુડા થઈને વહેંચાવી કાઢ્યાં.

હવે સમજાય છે કે જે વૃક્ષને માટે આપણે આ બધું કર્યું

તેનું બિયારણ તો શિક્ષણમાં અને સમયસૂચકતામાં છે

આપણે વહેંચ્યું તે તો માત્ર ખાતર હતું!

પોલૅન્ડ કવિતા પ:

દેવળના સ્થાપત્યમાં બસ એક જ ખામી રહી ગઈ

જે ઘેટાં અને કબૂતરોના ઉદાહરણો પર પ્રાર્થના કરવાની હતી

તેમને સ્થાપત્યને નુક્સાન ન થાય તે માટે દૂર રાખવા

વાડ અને કબૂતરજાળીના હૂક પણ પ્લાન કરવામાં આવેલા!

પોલૅન્ડ કવિતા ૬:

પોલૅન્ડ

મારે મને કરુણા અને એ પછીની અરાજકતાના પ્રતીકથી વધુ

ઇતિહાસ વાંચતાં નહોતો લાગતો

આ કવિતાઓ વાંચ્યા પછી લાગે છે કે

ત્યાં પણ અહીંની જેમ હૈયાં ધબકે છે!

પોલૅન્ડ કવિતા ૭:

પ્રેરણાની નદીને આડે

આપણે લક્ષ્મીના ડૅમ બાંધી દીધા

અને પ્રવાહને નિયંત્રિત કરી દીધો અને

હવે ફ઼રિયાદ કરીએ છીએ કે

શેરબજારમાં કડાકો વધુ પડતા કલ્પનાશીલ લોકો અને સાધનોથી થયો

પોલૅન્ડ કવિતા ૮:

મારી પ્રેયસી પાઉલા મને પૂછતી કે

“બીજા કવિઓની જેમ તું આપણા પ્રેમની કવિતાઓ કેમ પ્રાયઃ નથી કરતો?”

અમારી દિકરી બેલેરીના બની તે વખતે આવેલાં એનાં હરખનાં આંસુ લેન્સ બની ગયાં લાગે છે;

એ માઇક્રોસ્કોપમાંથી એને જગતનાં એ પરિમાણો દેખાવા લાગ્યાં છે જે મને દેખાતાં હતાં;

હવે એ મને પેલો પ્રશ્ન કદી નથી પૂછતી!

પોલૅન્ડ કવિતા ૯:

દરેક પોલને ગર્વ છે કે એ બેલારુસીયન નથી

અને દરેક બેલારુસીયનને ગર્વ છે કે એ પોલ નથી;

ક્યો ત્રીજો દેશ મને આ ભેદ સમજાવશે?

રાયલસીમાના પથ્થરો

મે 26, 2013

(લખ્યા તારીખ: મૅ ૨૫, ૨૦૧૩)

(ફ઼ોટો પાડનારની માલિકીનો, મારો નહીં)

(રાયલસીમા (તેલુગુ) સં. પથ્થરોનો પ્રદેશ)

(પૂર્વઘાટ અવારનવાર આવતાં વાવાઝોડાંથી ઘસાઈ ગયો છે અને તેલંગણ તથા રાયલસીમા વિસ્તારો બચેલી લાક્ષણિક ગ્રેનાઇટની શિલાઓથી બનેલા છે. આ ફ઼ોટો રાયલસીમાની હજારો ફ઼િટ ઊંચી ટેકરીઓનો છે. દખ્ખણના ઉચ્ચપ્રદેશનો, કૃષ્ણા નદીથી દક્ષિણનો આંધ્રનો ભાગ રાયલસીમા તરીકે ઓળખાય છે. તિરુપતિનું મંદિર આ વિસ્તારમાં આવેલું છે. રાયલસીમાના ઓછા જાણીતા હિલ સ્ટેશન  હોર્સલી હિલ્સમાં ત્રણ વિરાટકાય શિલાઓ પરસ્પરના ટેકે અને એક નાના પથ્થર પર ઊભી છે. એ નાના પથ્થર પર નખના આકારનો ખાડો છે. એ પથ્થરને ભગવાન શ્રીનિવાસની  (તિરુપતિ વિષ્ણુ)ની આંગળી કહે છે.

હોર્સલી હિલ્સ, તા. મદનપલ્લિ, રાયલસીમા, આંધ્રપ્રદેશથી  બેંગળૂરુ પાછા ફરતાં ડ્રાયવિંગ કરતાં સૂઝેલું કાવ્ય.

આમ પણ મારા ચિંતનમાં પથ્થરો અને સજીવો વચ્ચે ઝાઝો ફેર નથી – પણ આ કાવ્યમાં એ જરા વધુ જ છતું થઈ આવે છે)

Rayalseema

કાળા, રાતા, ભૂખરા, ફિક્કા

નાના-મોટા, ઊંચા-નીચા

ટાઢ-તડકો ખમતા

બરછટ, ખરબચડા

ધીમેધીમે ઘસાતા, તરડાતા

ક્યારેક સૂકા, ક્યારેક ભીના

મીંઢા

પડું-પડું અને છતાં સ્થિર

પરસ્પર ટેકવાયેલા છતાં નિર્લિપ્ત

ઘણા બધા

સુંદર છતાં વેરાન

ખડકાયેલા

રાયલસીમાના પથ્થરો

… અને આપણે!

ફ઼્લોપીને

નવેમ્બર 28, 2012

(લખ્યા તારીખ: નવેમ્બર ૨૧, ૨૦૧૨)

(હમણાં અમારા ચાતુર્માસ નિમિત્તે જૂની ૩.૫ ઇંચની ફ઼્લોપીઓ ખાલી કરતાં મને સૂઝેલું કાવ્ય)

યાદ છે, તું રાજ કરતી’તી?

ઘણો લાંબો વખત તું હાથમાં ર્‍હેતી’તી ફરતી ’ને

ધરી દોઢ એમ.બી.ની નજીવી લક્ષ્મણરેખા આડી

ડૅટાના છદ્મ, છેતરતા, લંપટ, લાલચુઓથી

લજાઈ, લાજ કરતી’તી!

છતાંયે ઘૂમતી’તી ઘોર તું, ફ઼્લોપિકાદેવી

અમારા જીવતરની તું હતી આધાર, ક્‍હે કેવી!

જરા શી અવગણો જ્યાં, ત્યાં રિસાઈ તું

બધું તારાજ કરતી’તી!

બની આધાર તું થોડો સમય ત્સુનામીનો

ફરી વળ્યો ચોમેર ઝંઝાવાત માહિતીનો

અંગુષ્ઠમાત્ર થમ્બડ્રાઇવથી હવે હારી

જ્યાં સજ્યા તું સાજ કરતી’તી!

સુગંધનો ચહેરો

સપ્ટેમ્બર 5, 2012

(ક્યારેક કોઈ એક વ્યક્તિ મળી જાય અને આપણે એને બીજી જ સમજી બેસીએ. એવા એક સમયે મને કેવો અનુભવ થયો તે અહીં.)

ઘણા સમયે મને લ્હેરખી મળી – પણ મને નામ યાદ આવ્યું સુગંધનું

મેં તો એને સુગંધ ગણીને પૂછપરછ કરી – અને લ્હેરખી ગુંચવાઈ ગઈ

એ ગઈ એટલે મારી પત્નીએ મને કોણી મારીને પૂછ્યું કે ક્યાં ભૂલ કરી?

મેં કહ્યું કે મને આ છોકરીનું નામ નથી યાદ! એ સુગંધ તો નહોતી!

સુગંધ તો હવે હતી સાત સમુંદર પાર, સોનામહેલમાં પરી

પોતાના પતિ સાથે – એકલી, અને કદાચ અટૂલી પણ ખરી

અને લાલ વહેતી આંખે ફૂંકતી હશે પોતાના સોનામહેલનો ચૂલો

એકલો તો અહીં પેલો ચમન પણ હોય છે હવે, સાવ અટૂલો

કેવી મધુરી જોડી હતી ચમન અને સુગંધની, વાહ, આહ!

પણ રેશનકાર્ડ કરતાં ગ્રીનકાર્ડ ભારે તો ગણાય જ છે ને!

ભલેને રાજકુમારી ન ગણે, પણ રાજા તો ગણે જ ને ભારે!

જતી રહી એ આંસુ સારતી – ચમન પણ રહ્યો આંસુ લ્હોતો

ન જાણે કેમ આજે મારાથી લ્હેરખીને સુગંધ સમજાઈ ગઈ?

મને સુગંધનો ચહેરો જરાય યાદ નથી આવતો એનું દુઃખ નથી

દુઃખ એ છે કે ચમન સુગંધના ચહેરાને ભૂલી નથી શકતો!

હેં દેશ! તને નથી લાગતું?

ડિસેમ્બર 22, 2011

(લખ્યા તારીખ: ડિસેમ્બર ૨૦, ૨૦૧૧)

નારાયણને ય ક્યાં નવરા પડવા દીધા?

ચકલીના ફૈડકાથી તારા સજ્જનો બીધા

મત્સ્ય, કૂર્મ અને ત્રેવીસ બીજા બધા થઈ શ્વાસે શ્વાસે સાચવનારો પધારે

હેં દેશ! તને નથી લાગતું કે માગી રહ્યો છે તું જરા વધુ પડતું જ વધારે?

ભરતથી માંડીને સવાઈ માધવરાવ

વિક્રમાદિત્ય જેવાના ય ઊઠ્યા પડાવ

છતાંય રહી તારી લાવ-લાવ! કેટલાંય રાજ ખોયાં નગારે, તગારે, પગારે

હેં દેશ! તને નથી લાગતું કે માગી રહ્યો છે તું જરા વધુ પડતું જ વધારે?

દૂધમલિયાને તોપને મોંએ કરવા માગ્યા

લાલ-બાલ-પાલ અને ગાંધી જેવા પાક્યા

વિનોબા અને જયપ્રકાશ જેવા થાક્યા, હમણાં વટાવ્યા અમે અણ્ણા હઝારે

હેં દેશ! તને નથી લાગતું કે માગી રહ્યો છે તું જરા વધુ પડતું જ વધારે?

લિખિત શબ્દનું શ્રાદ્ધ

મે 16, 2011

(લખ્યા તારીખ: જુલાઈ ૨૧, ૨૦૦૮)

(હસ્તલેખન ભુલાતું જાય છે. મેં પોતે છેલ્લે હાથે ક્યારે લખેલું તેની મને યાદ નથી. મુદ્રિત શબ્દ પણ ભુલાઈ જશે. ઇલેક્ટ્રોનિક શબ્દ જીવશે. ઘણી ખમ્મા યુનિકોડને!)

(જ્યારે ૧૯૮૮થી માંડીને લખેલી બધી કવિતાઓ ગયા વરસે આ બ્લૉગ પર ચડાવી ત્યારે માત્ર આ એક જ ખોવાઈ ગઈ હતી. આજે જૂની હાર્ડડિસ્ક સાફ઼ કરતાં મળી આવી. એ આનંદ તો શેં વર્ણવ્યો જાય?)

(સ્મરણ:

असितगिरिसमम् स्यात् कज्जलम् सिंधुपात्रे सुरतरुवरशाखालेखिनीम् पत्रमूर्वी

लिखति यदि गृहीत्वा शारदा सर्वकालम् तदपि तव गुणानामीश पारम् न याति

(श्री पुष्पदंतमुखपङ्कज निर्गतेन शिवमहिम्न स्तोत्रै:)

)

પર્વતો કેરી શાહી કરીને

ખડિયો રત્નાકર બનાવી

પૃથ્વી ઉપર લખતી રહેતી

સરસ્વતીને સાદ કરું છું

લિખિત શબ્દનું શ્રાદ્ધ કરું છું

ગારા ઉપર આંકા પાડી

ક્યુનિફ઼ોર્મ તડકે તપાવી

વળી પથ્થરો ઉપર અમારી

વીરગાથાઓ ભરી છપાવી

માટી થઈને જા માટી! હું

બંધનથી આઝાદ કરું છું!

લિખિત શબ્દનું શ્રાદ્ધ કરું છું

ક્યારેક ચર્મ, ક્યારેક તામ્ર,

ક્યારેક ભીંતો, કાપડ ક્યારેક,

ક્યારેક પેપીરસ, ક્યારેક કાગળ,

અને ગુફાની શિલાઓ ક્યારેક

અંતર સુધી જઈ પહોંચતા

વિચારોને સોગાદ કરું છું

લિખિત શબ્દનું શ્રાદ્ધ કરું છું

ફગાવી કાગળ, શાહી, ખડિયા,

અને તેના પ્રિન્ટર સમોવડિયા,

કદી વીજાણુઓનું નર્તન

કે ધાતુ મધ્યે પરાવર્તન

દેશ વિંધીને, કાળ વિંધીને

ચૈતન્ય આસ્વાદ કરું છું

લિખિત શબ્દનું શ્રાદ્ધ કરું છું

આ રસોડું – કતલખાનું!

નવેમ્બર 3, 2010

(લખ્યા તારીખ: નવેમ્બર ૦૩, ૨૦૧૦)

(સ્મરણ: શંકરાચાર્ય – अहम् भोजनम् नैव भोज्यम् न भोक्ताः )

આ રસોડું – કતલખાનું!

ન જાણે ક્યારે એ બંધ થવાનું?

ચણામાંથી દળાવાનું,

વેસણમાંથી ગુંદાવાનું,

કણકમાંથી તળાવાનું,

સેવમાંથી શાક થવાનું!

– છોડ થવાનું છોડી, રણછોડના ભોગ થવાનું!

આ રસોડું – કતલખાનું!

ન જાણે ક્યારે એ બંધ થવાનું?

શિરામણ, જમણ, વાળુ રાંધવાનું!

સવારના પાંચથી રાતના નવ સુધી

વગર પંખે તપવાનું!

“આજે દાળમાં મીઠું નથી”થી માંડી

“મારી બા તો બહુ સરસ લાડુ બનાવતી!” એવું એવું

હસતા મોં એ સાંભળવાનું!

અગિયારસને, ડાયાબિટિસને અને ગમા-અણગમાને

યાદ રાખવાનું!

– છોડી થવાનું છોડી, અન્નપૂર્ણા બની રહેવાનું!

આ રસોડું – કતલખાનું!

ન જાણે ક્યારે એ બંધ થવાનું?

કઠોળ ન ઉગાડે દેશ અને

બિલ મારે ભરવાનું!

રોજ અને ભવિષ્ય માટે

કેવા-કેવા સાથે માથું ફોડવાનું?

દિવસમાં ચાર કલાક તો

ટ્રાફ઼િકમાં આથડવાનું!

દેવનું, ગુરુનું, મા-બાપનું,

બાળકોનું અને વૃદ્ધાવસ્થાનું કાઢવાનું!

વરસે એક સાડી પ્રેમથી એ માંગે ત્યારે

“છોકરાં ભૂખે મરશે ત્યારે?” કહી

આપણા જ મનને મારવાનું!

– સઘળું છોડી, સો વરસ ચલાવવાનું!

આ રસોડું – કતલખાનું!

 

 

ક્યારેક વછેરો, ક્યારેક વાંદરો

ઓગસ્ટ 24, 2010

(અછાંદસ)

(લખ્યા તારીખ: ઑગસ્ટ ૨૪, ૨૦૧૦, શ્રાવણીપર્વ)

(દસ વર્ષના બાળકને)

ક્યારેક વછેરો, ક્યારેક વાંદરો,

ક્યારેક તું લાગે છે મિત્ર!

ક્યારેક હરીફ, ક્યારેક શિશુ,

સરેરાશ ગમતું લાગે છે ચિત્ર!

કપડાં ’ને પગરખાં ’ને હવે પથારી પણ

ક્યારેક ટૂંકી પડવાનો લાગે ડર!

તારી માને રંધાવી રોવડાવે છે ક્યારેક

’ને ક્યારેક ઊપાડી લે છે આખું ઘર!

મારી જિંદગીના મોટામાં મોટા કાર્યક્રમ

તને ગણવો ચેલેન્જ કે સૌભાગ્ય?

આવડી મોટી દુનિયામાં ધકેલવાને

હું છું કે તને ઘડવાને યોગ્ય?

ક્યારેક હસાવે, ક્યારેક કરાવે ગુસ્સો

ક્યારેક વેરે વટાણા કે વધારે વટ!

ઊગ તારી ઝડપે, ધીમેથી ટીન્સમાં

તને મોટો નથી કરી મૂકવો ઝટ!પ્રેમનો પ્રભાવ

ફેબ્રુવારી 28, 2010

(લખ્યા તારીખ: એપ્રિલ ૦૧, ૧૯૯૨)

પ્રેમ વિનાની વારતા માંડી

ન ઉલ્લેખ નામે ’પ્રેમ’!

’વાર્તામાં પ્રેમનો અભાવ’

થયું એવું વિવેચન

પ્રભાવ વિષે પ્રેમના

મુજ નીકળી ગયો વહેમ!