પોલૅન્ડ કવિતાઓ


(લખ્યા તારીખ: એપ્રિલ ૦૮, ૨૦૧૫)

(હું ખાસો રેશનાલિસ્ટ વ્યક્તિ છું. આથી નીચેની ઘટનાને કોઈ અતીન્દ્રિય અનુભવ તરીકે ખપાવવા પ્રયાસ નથી કરવાનો. આ ઘટનાને માનવ મગજમાં વિશિષ્ટ, જવલ્લે જ બનતી ઘટના સ્વરૂપે અભ્યાસ કરવા લાયક છે.

એક સર્જક તરીકે મેં એક દિવસમાં વધુમાં વધુ બે-ત્રણ કાવ્યો/ગઝલો લખ્યાં છે. છેલ્લા વરસેકથી સામાજિક પરિસ્થિતિ બદલાતાં હું લગભગ કશું જ લખી શક્યો નથી – અને લખવાની ઇચ્છા પણ નથી થઈ. કુટુંબમાં બે કેન્સર હોય અને એમાંનું એક ટર્મિનલ કેન્સર હોય તો સ્વાભાવિક છે કે સર્જનની પ્રક્રિયા ઓછી મનનીય હોય.

અન્ય નોંધપાત્ર વિગત એ કે પોલૅન્ડ/કોઈ પોલ સાથે મારો કોઈ મૈત્રી કે વ્યવહાર (કે વેર) ભાવનો સંબંધ નથી.

દિ. એપ્રિલ ૦૮, ૨૦૧૫ના રોજ સવારે ૦૪:૦૦ વાગે મને સપનું આવ્યું અને હું જાગી ગયો. એ સપનામાં આ પ્રમાણે આવ્યું:

રાજકોટના ગૅલેક્સી થિયેટરની રમણીય ફ઼ૂટપાથ પર હું અને મારા પુત્રો ચાલ્યા જતા હતા. ત્યાં પોલૅન્ડનો ફ઼િલ્મ ફ઼ેસ્ટીવલ ચાલતો હતો. ચોરસ છત્રી નાખીને પોલૅન્ડના રાજદૂતાવાસના એક વીસીમાંનાં મહિલા કર્મચારી અને એક ચાલીસીમાંના પુરુષ અધિકારી – સ્વાગત માટે બેઠા હતા. મારા પુત્રો (એમના સ્વભાવ પ્રમાણે) મારો હાથ ખેંચીને આ નવી જગ્યાએ લઈ ગયા.મારા મનમાં મારા સસરાની લથડતી જતી તબિયતની ચિંતા હતી છતાં હું બાળકોનું મન રાખવા ત્યાં ગયો.

એ અધિકારીએ અમારું સ્વાગત કર્યું અને મારા હાથમાં બહુભાષી, એકરંગી બ્રોશર પકડાવ્યું. બ્રોશર (અનુક્રમે) પંજાબી, હિન્દી, મરાઠી, ગુજરાતી, બાંગ્લા અને અસમિયા ભાષાઓમાં છપાયેલું હતું. [હું આ ઉપરાંતની પણ ઘણી બધી ભાષાઓ વાંચી શકું છું – પણ મને એમ લાગ્યું કે આ રાજદૂતાવાસનો ઉત્તર ભારત પૂરતો મૈત્રી પ્રયાસ હશે.]

મેં ઝડપથી વાંચવા પાનાં ગુજરાતી વિભાગ સુધી ફેરવ્યાં. પાછલા પાને સોળ ફ઼િલ્મોની યાદી હતી. વીસ મિનિટથી બે કલાક દસ મિનિટ સુધીની ફ઼િલ્મોનું લિસ્ટ અને તેમનો ટૂંકસાર લખેલો હતો.

આગલા પાને કોઈ પોલિશ કવિની દસ કવિતાઓનો (ગુજરાતી વિભાગ હોવાને કારણે) પોલિશમાંથી ગુજરાતીમાં અનુવાદ હતો. મને એ કવિતાઓ બહુ ગમી. હું મથાળે કવિનું નામ ફરીથી વાંચવા ગયો.

મારાં સપનાં ચોક્ક્સ નવી માહિતીની જરૂર પડતાં તૂટે છે – અને આ સપનું પણ તૂટી ગયું. હું ઊઠ્યો. આગળ ઉપર પણ મને સપનામાં કવિતાઓ, વાર્તાઓ, અલ્ગોરિધમો, પ્રમેયો આવતાં રહ્યાં છે અને હું ઊઠીને સાર લખી નાખું છું – પણ આ વખતે હદ થઈ ગઈ. ફ઼િલ્મો વિશે હું સપનું તૂટતાં સાવ જ ભૂલી ગયો પણ મને દસે દસ કવિતાઓ અક્ષરશઃ યાદ રહી હતી.

એમાંની નવ સુરુચિપૂર્ણ હતી એ હું અહીં થોડા ફેરફાર સાથે લખું છું. દસમી સુરુચિપૂર્ણ નથી – આથી મેં લખી નથી. એ પણ મને આજે પણ પૂરી યાદ છે. નોંધ કરવી ઘટે કે આમાંની ઘણી કવિતાઓ માત્ર પોલૅન્ડનો જ કવિ લખી શકે તેવી છે. આથી મારું મન આ કવિતાઓને મારી મૌલિક કહેવા નથી માનતું…)

પોલૅન્ડ કવિતા ૧:

બે ચાર પૈસા ભેગા કર્યા પછી

દેવળમાં પાદરી દ્વારા કરાતી પ્રાર્થનામાં રહેલી શાંતિની અરજ સમજાય છે;

અત્યાર સુધી તો રાજનાં રાજ ગુમાવનારા રાજાઓ મૂર્ખ કે લાપરવા લાગતા હતા;

હવે લાચાર દેખાય છે!

પોલૅન્ડ કવિતા ૨:

માફ઼ી પણ અજબ ચીજ છે દોસ્ત લેવડ-દેવડ માટે;

અત્યાર સુધી માન્યું હતું કે માત્ર માગનારો પસ્તાય છે;

હવે લાગે છે કે ક્યારેક આપનારો પણ પસ્તાય છે!

પોલૅન્ડ કવિતા ૩:

તમારા જ થીજેલા બારામાં

તમારી જ સબમરીન ડૂબી ત્યારે

તમે નાવિકોને શહીદ થવાની સૂચના આપીને

એને તળિયે રહેવા દીધી અને તમે શાંતિથી સૂઈ ગયા

***

એમાંનો એક નાવિક વિદ્રોહી નીકળ્યો

એણે પોતાની સાઇનાઇડની ગોળીનું દ્રવ્ય એરકન્ડિશનરમાં ભરી

(તમારા ધાર્યા કરતાં) બધાંનું મોત સરળ કરી આપ્યું

***

ઉનાળે, નવરાશે લોકલાજે,

તમે હવાચુસ્ત સબમરીનને બહાર કઢાવીને ખોલાવી

હવે તમારે સાઇનાઇડથી નવ-શહીદ બચાવસ્ટાફ઼નાં સગાંની તો માફ઼ી માગવી જ પડશે ને?

***

હાય, લોકાચાર!

પોલૅન્ડ કવિતા ૪:

દાઢીવાળા દાદાએ હાકલ પાડી કે

“સંપત્તિ સૌના ભાગે સરખી હોવી જોઇએ!”

આપણે બધાંએ રૂપિયા-ઘરેણાં-જમીનો

એળે-બેળે, કળથી-બળથી, હરખપદુડા થઈને વહેંચાવી કાઢ્યાં.

હવે સમજાય છે કે જે વૃક્ષને માટે આપણે આ બધું કર્યું

તેનું બિયારણ તો શિક્ષણમાં અને સમયસૂચકતામાં છે

આપણે વહેંચ્યું તે તો માત્ર ખાતર હતું!

પોલૅન્ડ કવિતા પ:

દેવળના સ્થાપત્યમાં બસ એક જ ખામી રહી ગઈ

જે ઘેટાં અને કબૂતરોના ઉદાહરણો પર પ્રાર્થના કરવાની હતી

તેમને સ્થાપત્યને નુક્સાન ન થાય તે માટે દૂર રાખવા

વાડ અને કબૂતરજાળીના હૂક પણ પ્લાન કરવામાં આવેલા!

પોલૅન્ડ કવિતા ૬:

પોલૅન્ડ

મારે મને કરુણા અને એ પછીની અરાજકતાના પ્રતીકથી વધુ

ઇતિહાસ વાંચતાં નહોતો લાગતો

આ કવિતાઓ વાંચ્યા પછી લાગે છે કે

ત્યાં પણ અહીંની જેમ હૈયાં ધબકે છે!

પોલૅન્ડ કવિતા ૭:

પ્રેરણાની નદીને આડે

આપણે લક્ષ્મીના ડૅમ બાંધી દીધા

અને પ્રવાહને નિયંત્રિત કરી દીધો અને

હવે ફ઼રિયાદ કરીએ છીએ કે

શેરબજારમાં કડાકો વધુ પડતા કલ્પનાશીલ લોકો અને સાધનોથી થયો

પોલૅન્ડ કવિતા ૮:

મારી પ્રેયસી પાઉલા મને પૂછતી કે

“બીજા કવિઓની જેમ તું આપણા પ્રેમની કવિતાઓ કેમ પ્રાયઃ નથી કરતો?”

અમારી દિકરી બેલેરીના બની તે વખતે આવેલાં એનાં હરખનાં આંસુ લેન્સ બની ગયાં લાગે છે;

એ માઇક્રોસ્કોપમાંથી એને જગતનાં એ પરિમાણો દેખાવા લાગ્યાં છે જે મને દેખાતાં હતાં;

હવે એ મને પેલો પ્રશ્ન કદી નથી પૂછતી!

પોલૅન્ડ કવિતા ૯:

દરેક પોલને ગર્વ છે કે એ બેલારુસીયન નથી

અને દરેક બેલારુસીયનને ગર્વ છે કે એ પોલ નથી;

ક્યો ત્રીજો દેશ મને આ ભેદ સમજાવશે?

Advertisements

3 Responses to “પોલૅન્ડ કવિતાઓ”

  1. Chirag Says:

    This is a criss-cross or holographic effect of someone from poland who is akin to you.

  2. pramath Says:

    ભાઈ, ન તો હું પોલૅન્ડ ગયો છું, ન તો કોઈ પોલ મારો મિત્ર છે. હા, આજથી વરસેક પહેલાં મારા મોટા દિકરાને એકાદ દિવસ મેં “મોડેલ યુનાઇટેડ નેશન્સ”માં ભાગ લેવા પોલૅન્ડ વિશે તૈયારી કરાવી હતી. એ પછી તો મેં એને બીજા છ દેશોની તૈયારી અલગ અલગ સમયે કરાવી છે. ખબર નહીં કેમ, માત્ર પોલૅન્ડ જ મને સૂઝ્યું!

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out / બદલો )

Connecting to %s


%d bloggers like this: