અભિસાર


(લખ્યા તારીખ: ૧૯૯૧)

અજબ અભિસાર ઇચ્છે છે તું!

નયનેથી કાજળ, હાથેથી કંગન ઉતારી

હૃદયના વહ્નિ શમાવી

ન કામણ, ન લગની

અડવાણે પગે, કાંટાળે રસ્તે, પથ્થરોની સેજો બનાવી

નિરવધિ

બસ પહોંચવાની જ ઝંખના!

ન આરત, ન આઘાત,

ઊભી વનની વાટ

ઘેરી જામતી રાત

ઝડપભેર અસ્ત થતો જતો શુક્લ પ્રતિપદાનો ચંદ્ર

ન દીપ પણ હાથમાં – આટલી આકરી શરત?

ન રક્ષક, ન સંદેશ તારા તરફથી કાંઈ

ન તો જાણું ક્યાંથી નીકળી કે ક્યાં મિલનસ્થળ?

પૂછું વનવૃક્ષોને, ઢંઢોળું સ્મૃતિઓ – સર્વ શૂન્યવત!

સૌને જાણે અજાણે પગ

સૌ એક જ દિશામાં જાય – કે પછી ઢસડાય

(બધી શોક્ય જ ને?)

છતાંય ઈર્ષા નહીં, ન તો રોકાઈ જવાનું મન

ન કરી શકું મદદ, ન તો લઈ શકું

અજબ અભિસાર ઇચ્છે છે તું!

Leave a comment