(લખ્યા તારીખ: ફેબ્રુઆરી ૦૫, ૧૯૯૪)
(રસ: હાસ્ય)
વણમાગ્યા મેઘ સમી વરસી
આવી મા પરીક્ષા લોહીતરસી!
રહે પરીક્ષાની જંગમાં ખેર
માટે માન્યા મેં હનુમાનને નાળિયેર
એલાર્મ ઘડિયાળના મેં આમળ્યા કાન
વિદ્યાર્થીઅવસ્થા વિશે પરોવ્યું ધ્યાન
સવારના પહોરમાં જીવ ફડકે
હૃદય આવીને ગળામાં ધડકે
ઉઘાડી બેઠો કાગળનાં જંગલ
શાને ખેલ્યાં હશે માનવે વિચારદંગલ?
યુક્લિડ, ડાર્વિન, ન્યૂટન ’ને નરસૈંયો
ગાંધી, ગૌતમ ’ને જશોદાનો છૈયો
શાને કરી ગયાં જગતમાં કામ?
જીવનની મજા બગાડી તમામ!
આવડતા પ્રશ્નો અલિબાબાની મહોરો, તોળું તોળું ’ને જાગું,
આંખો ચોળું ચોળું ’ને જાગું
ન આવડતા પાઠ જાણે ડુંગળી, ફોલું ફોલું ’ને રોઉં
પાનાં ખોલું ખોલું ’ને રોઉં!
થવું સારું જગતમાં ચિકચિકતી કંસારી
કે થવું કાં રાજા ’ને કાં ભિખારી
કે જવું વનમાં ’ને રે’વું બાવા બ્રહ્મચારી
– પરીક્ષા આપવા કરતાં ગમે તે વસ્તુ સારી!
માર્ચ 3, 2010 પર 4:06 પી એમ(pm) |
સરસ મજા આવી ગઈ !
“યુક્લિડ, ડાર્વિન, ન્યૂટન ’ને નરસૈંયો
ગાંધી, ગૌતમ ’ને જશોદાનો છૈયો
શાને કરી ગયાં જગતમાં કામ?
જીવનની મજા બગાડી તમામ!”
આ પંક્તિઓ પરીક્ષાર્થી નાનો કે મોટો તમામની મનોદશા નું હુબહુ નિરૂપણ કરે છે ! ધન્યવાદ !
સ-સ્નેહ
અરવિંદ