જો આજે ગાંધીજી જીવતા હોત તો


(લખ્યા તારીખ: સપ્ટેમ્બર ૨૨, ૧૯૯૯)

“જો આજે ગાંધીજી જીવતા હોત તો …”

ચવાઈ ગયેલી વક્તૃત્વસ્પર્ધાના

ચવાઈ ગયેલા શિર્ષકથી

નવાઈ જેવા ગાંધીની નજરે

ભવાઈ જેવા જમાના પર

તવાઈ ચલાવવાનાં હવાતિયાં જોઈને

ખરેખર મૂછોમાં હસતા હોત!

જો આજે ગાંધીજી જીવતા હોત તો

ઘટાદાર વાળવાળા

છટાદાર બોલવાળા

બુદ્ધિના દીવા તળે

લાગણીઓના અંધારા સમા

વક્તૃત્વસ્પર્ધાના વિજેતાઓના

હાથા બનવાના કારણે શરમાતા હોત

જો આજે ગાંધીજી જીવતા હોત તો

પોતાનું સાજું કરીને

ચેવડે-પેંડે પેટ ભરીને

ગમે તે બહાને ગમે તે ચરીને

કદી ઠરીને, કદી વિદેશ ફરીને

વક્તૃત્વને મૂલવનારા પર

ઘરના બળતા કેરોસીનના કાકડા પર

સમસમતા હોત

જો આજે ગાંધીજી જીવતા હોત તો

આપણી વક્તૃત્વસ્પર્ધા સમી જિંદગીને

આપણા શોધેલા ’શિક્ષણ’ને,

વહિવટને, ન્યાયને અને રાજ્યને

કદાચ આપણી જેમ જ સમજવાનો

પ્રયત્ન કરતા હોત

એમનું ધારેલું એ કશું થવા ન દીધું

પછી આપણું ધાર્યું ય ક્યાં થાય છે?

એમને તો આપણે જીવવા ન દીધા

આપણાથી યે ક્યાં જીવી શકાય છે?

જો આજે ગાંધીજી જીવતા હોત તો

આજે ગાંધીજી જીવતા હોત ખરા?

4 Responses to “જો આજે ગાંધીજી જીવતા હોત તો”

  1. Rupen patel Says:

    ખુબ જ સરસ રચના છે,આગળ વધુ લખતા રેહજો.

  2. praheladprajapati Says:

    જો આજે ગાંધીજી
    જીવતા હોત તો તેમને ગાંધીત્વના પૂરાવા આપવા પડતા
    ાઅને હુ જ ગાંધી છુ એની પરિક્ષા આપવી પડતી
    છતાં આજના વહીવટદારો તેમને પરિક્ષામાં ફેલ કરતા
    ાઅને તેમને ખોટા ગાંધી માં જ ખપાવી, કોઇ ન ગણકારતા
    ાઅને તેમના ફોટા પર હાર ચડાવી,પોતાની દુનિયા સજાવતા

    • ’પ્રમથ’ Says:

      બહુ સરસ રીતે કાવ્યને આગળ લઈ ગયા!

      જો આજે ગાંધીજી જીવતા હોત તો
      આપણા આવા કાવ્યસહકારને જોઈ મનમાં ધૂંધવાતા હોત
      અને બોખા મોંએ મલકાતા પણ હોત
      – અને કહેત કે:
      “સહકાર તો સારો છે અને કવિતાઓ પણ સુંદર છે
      પણ આ કવિતાથી જે છેવાડે બેઠો છે તેનું શું ભલું થશે?”
      અને આપણે બન્ને નીચું ઘાલી મનમાં ’ને મનમાં શરમાતા હોત!

Leave a reply to Rupen patel જવાબ રદ કરો