હાઈકુ-દેહ ગઝલની વ્યાખ્યા (ટેક્નિકલ)

This work is copyrighted as of July 15, 2010. The “Creative Commons Attribution 2.5 License India”  mentioned elsewhere does not apply on this article.

આ લેખ જુલાઈ ૧૫, ૨૦૧૦થી કોપીરાઈટની નીચે છે. અન્ય જગ્યાએ નોંધેલ “ક્રિયેટીવ કોમન્સ એટ્રીબ્યુશન ૨.૫ લાયસન્સ ઇન્ડિયા” આ લેખને લાગુ પડતું નથી. આ લેખમાં કોઈ જ ફેરફારો ન કરવા. લેખકની લેખિત મંજૂરી વગર તેને અન્ય જગ્યાએ પ્રકાશિત ન કરવો. લેખકનું નામ બદલવાનો પ્રયત્ન પણ ન કરવો.

હાઈકુ-દેહ ગઝલ – એક પ્રયોગ                                ’પ્રમથ’

(જુલાઈ ૧૫, ૨૦૧૦)

પરિચય:

ગુજરાતીમાં ગઝલ અને હાઈકુ એમ બે વિદેશી સાહિત્યપ્રકારો ઓછેવત્તે અંશે સફળ થયેલા છે. ગઝલોને હાઈકુના બંધારણમાં લખવાનો પ્રયોગ ક્યા દૃષ્ટિકોણથી કેટલો સફળ નીવડ્યો તેનું અહીં ઉદાહરણ સહિત પૃથક્કરણ રજુ કરું છું. આ પ્રયોગને અંતે ગઝલના તત્ત્વને ધરાવતો, મુસલ્લસ ગઝલથી જુદો, હાઈકુ જેવો દેખાતો, ગઝલથી સરળસાધ્ય અને હાઈકુથી કષ્ટસાધ્ય, રસભોગ્ય તેવો નવો કાવ્યપ્રકાર શી રીતે સંભવ્યો તેની પ્રક્રિયા અહીં વર્ણવાઈ છે.

૧. લખાતી ગઝલોની સ્વરૂપશુદ્ધતા સામેના પડકારો અને નવા સ્વરૂપની પ્રેરણા:

ગઝલના છંદોનું મૂળ ’અબજદ’ પદ્ધતિએ લખાતી અરબી ભાષામાં છે. તે પ્રમાણે આપણા શબ્દકોશ નથી લખાયેલા. આપણી લિપિ પણ તે રીતે નથી સરજાયેલી. આપણી લિપિ ’અબુગિડા’ (બ્રાહ્મિક) પદ્ધતિની છે. તે દ્વારા ગઝલમાં વપરાતા શબ્દોનાં સાચાં વઝન કરવાં તે મહદંશે કષ્ટસાધ્ય અને ક્યારેક તો અશક્ય છે.

સમાધાન સ્વરૂપે ગુજરાતીમાં ગઝલો માત્રામેળ લખાય છે. છતાં શુદ્ધ માત્રામેળે લખતાં ( ’બે લઘુ = એક ગુરુ’ તેમ ગણીને લખતાં ) બહરો ઘણી વખત ભાંગે છે. આથી ગુજરાતીના ધ્વનિને ’અબજદ’ રૂપે સમજ્યા વિના ગુજરાતીમાં શુદ્ધ સ્વરૂપે ગઝલો લખવી તે દુષ્કર છે. વળી તત્સમ શબ્દોને બહરમાં બેસાડવા પણ અશક્ય છે.

૧૯૯૦ના દાયકામાં બાંગ્લામાં સૌ પ્રથમ વખત ગઝલો લખાઈ ત્યારે તેના કવિ શ્રી બ્રતીશ દાસગુપ્તે પણ આવો પ્રશ્ન બાંગ્લા વિશે અનુભવ્યો. છેવટે તેમણે બહર માત્રને પડતી મૂકી ગઝલો લખી. [જુઓ: બ્રતીશ દાસગુપ્તાનો સંગ્રહ ’ગજલેર આયનાય’.]

એક બાજુએ બ્રતીશનો અભિગમ સાવ ખોટો નથી. બીજી બાજુએ ગુજરાતીએ લગભગ ’ગઝલમેળ’ એટલો હસ્તસિદ્ધ કરી દીધો છે કે એ અસાધારણ સફળતા પામ્યો છે. આ બે વાતને ધ્યાનમાં લઈ લાગે છે કે બહરોની જગ્યાએ કોઈ બીજું બંધારણ મૂકી ગઝલનો પ્રયોગ કરવો જોઈએ.

ગુજરાતીમાં હાઈકુ ખૂબ સરળ સ્વરૂપે લખાય છે. આથી હાઈકુના દેહમાં ગઝલ લખવાનો પ્રયત્ન કરવામાં આવ્યો.

અગાઉ થયેલા હાઈકુ-ગઝલના પ્રયોગ વિશે ટીકા થઈ છે કે [ જયન્ત વ્યાસ ] “… પણ એ નથી રહેતું (? રહેતાં) હાયકુ કે નથી થતી ગઝલ! … ગઝલ પરત્વે પ્રયોગ ખાતર પ્રયોગના દાસ્યથી ચેતવા જેવું પણ ખરું.”

આ વાતને ધ્યાનમાં રાખતાં નવો બનતો પ્રકાર આત્માથી ગઝલ જ રહેવો જોઈએ. ગઝલની ભાષામાં કહીએ તો તગઝ્ઝુલ ન જોખમાવું જોઈએ. આથી ગઝલના કેટલાક બંધારણીય પાસાં પર દૃષ્ટિપાત કરી લઈએ

૨. ગઝલ – કાવ્યવિશેષ:

ગઝલ તે માત્ર કાવ્ય નથી. ગઝલ તે રજુઆતની કલા છે. તે રંગમંચમાં કે મુશાયરામાં રજુ થતી કલા છે. જે સમયે માઇક્રોફોન-લાઉડસ્પીકર નહોતાં તે સમયે તે ઉદ્ભવી છે. તેનાં પાસાં આ વિશેષતાને ઉજાળવા બંધાયેલાં છે. આ બંધારણ મુશાયરામાં વારાફરતી ગઝલસરા થતા શાયરોને ઘોંઘાટિયા વાતાવરણમાં અનેક શ્રોતાઓનું ધ્યાન વિના રસભંગે ખેંચી રાખવા ઉપયોગી થાય છે.

સર્વપ્રથમ તો એક ગઝલ સાંગોપાંગ એક જ બહરમાં રચાયેલી હોય છે. આથી અચેતન રીતે શ્રોતા એમાં પરોવાયેલો રહે છે.

ગઝલની બીજી લાક્ષણિકતા છે શે’રોનું સ્વાતંત્ર્ય. સાંભળવામાં એકાદ શે’ર પણ જો ચુકાયો તો વિના રસભંગે બીજો શે’ર સાંભળી શકાય છે.

ગઝલની ત્રીજી લાક્ષણિકતા તેના ઉલા અને સાની મિસરાઓની મર્યાદા છે. એક જ શે’ર માં એક મિસરાને ઓળંગીને બીજા મિસરા સુધી કથનને લઈ જઈ નથી શકાતું. આથી ઉલા મિસરાને અંતે શ્રોતાનું મન સાની મિસરાની ચમત્કૃતિ માટે તૈયાર થઈ ગયું હોય છે.

ગઝલની ચોથી સફળ લાક્ષણિકતા રદીફ઼-કાફ઼િયા છે. ગઝલમાં રહેલ રદીફ઼ શ્રોતાનું ધ્યાન પકડી રાખવા સક્ષમ છે. એને કારણે જ શ્રોતાનું મન શે’ર પૂરો કથાય તે પહેલાં પૂરો કરવાની ગડમથલ કરવા માંડે છે. કાફ઼િયા આ જ ઘટનાને અનેક ગણી વધુ નાટકીય બનાવે છે.

ગઝલની રદીફ઼-કાફ઼િયાની લાક્ષણિકતા એટલી તો સફળ છે કે પાંચમી બંધારણીય સફળતાના સ્વરૂપે શાયર વાતાવરણ બાંધવા મત્લાના બન્ને મિસરાઓમાં રદીફ઼-કાફ઼િયા વાપરી શ્રોતાને સંમોહિત કરી દે છે. જાણીતી ટીવી સિરિયલ ’મિર્ઝા ગ઼ાલિબ’માં એક સરસ દૃશ્ય હતું. મિર્ઝા ખૂબ અકળાયેલા છે અને તેમનાં પત્ની પૂછે છે કે શું થયું. ત્યારે મિર્ઝા ઉત્તર વાળે છે: “ગઝલ મત્લે પર માર ખા ગઈ!”

ગઝલની છઠ્ઠી બંધારણીય લાક્ષણિકતા અરકાન છે. અરૂઝમાં દર્શાવેલી અને ગુજરાતીમાં સફળ થયેલી મોટા ભાગની બહરો (છંદો) રૂકન આધારિત છે. પરંપરાગત સંસ્કૃત છંદો રૂકનના આધારે નથી આથી તેમાં સફળ થયેલી ગઝલો ભાગ્યે જ જોવા મળે છે.

આ અરકાન કોઈ ક્લિષ્ટ તાલો પર આધારિત નથી. રૂપક, કહેરવા, દાદરા, દીપચંદી અને ખેમટા અને બહુ બહુ તો ઝપતાલ કે તીનતાલ – આટલા તાલોમાં મોટા ભાગનું ગઝલ વિશ્વ સમાઈ જાય છે. આથી સંગીતનું ઓછું જ્ઞાન ધરાવતા શ્રોતા પણ આ તાલોને સરળતાથી પકડી શકે છે.

આ છ લાક્ષણિકતાઓમાં લઘુતમ ફેરફારો સાથે નવો સાહિત્ય પ્રકાર ઉદ્ભવે તો તે ગઝલ જેટલો સરળબોધ અને સબળબોધ બને.

૩. હાઈકુનું બંધારણ – નિહોંગોમાં (જાપાનીઝમાં) અને ગુજરાતીમાં

જેમ ગઝલના બંધારણનું મૂળ ’અબજદ’ પદ્ધતિમાં છે તેમ હાઈકુની મૂળ વ્યાખ્યા તો ચિત્રલિપિમાં છે. સદ્ભાગ્યે આ વ્યાખ્યા ઘણી સરળ છે.

નિહોંગોમાં તો હાઈકુ પ, ૭, પ મૂરામાં (માત્રામાં) લખાય છે. ઉર્દૂ અને બાંગ્લામાં પણ હાઈકુ માત્રામેળ જ લખાય છે. ગુજરાતીમાં હાઈકુ અક્ષરમેળ થઈ પ, ૭, પ અક્ષરોનો ત્રિપદ છંદ બની ગયું છે.

સદ્ભાગ્યે એક વખત હાઈકુ ગુજરાતીમાં અક્ષરમેળ બની ગયું પછી હાઈકુના બંધારણ વિષે બીજા કોઈ પ્રશ્નો નથી રહેતા.

આપણો હેતુ હાઈકુના દેહમાં ગઝલ લખવાનો હોવાથી આપણે હાઈકુની રસમિમાંસામાં પડવાની જરૂર નથી. સરવાળે ઊભો થતો સાહિત્યપ્રકાર રસાસ્વાદે હાઈકુ નથી જ લાગવાનો.

આપણે ગુજરાતીમાં પ્રચલિત હાઈકુ બંધારણને વળગીને પ્રયોગ આગળ ચલાવીશું. જો કે મૂળભૂત બંધારણ પ્રમાણે રચના કરવામાં આવે તો પણ કશું ખોટું ન થઈ શકે.

અત્રે એક બીજી પણ નોંધ લેવી ઘટે. હાઈકુની બંધારણીય સરળતાના કારણે હાઈકુ રચવા ઘણાં સરળ છે. આથી ગુણવત્તાવાળાં હાઈકુ ગોતવાં તે ઘાસની ગંજીમાંથી સોય ગોતવા જેટલું અઘરું કામ થઈ પડે છે.

જો હાઈકુના દેહમાં ગઝલ બેસાડવી હોય તો એનું બંધારણ એ રીતે રાખવું જોઈએ કે જેથી થોડી ઘણી કાબિલિયત વિના લખવું અઘરું પડે. તો જ આ સાહિત્યપ્રકાર અણઘડ ઉત્સાહીઓના હાથે બાળમરણ પામતો અટકી શકે.

૪. મુસલ્લસ ગઝલના બંધારણ સાથે હાઈકુ-દેહની સરખામણી:

મુસલ્લસ (ત્રિપદ) ગઝલમાં રદીફ઼-કાફ઼િયા AAA (મત્લા), BCA, DEA, … એમ ચાલે છે. હાઈકુના દેહમાં આટલી જગ્યા નથી.

મુસલ્લસ ગઝલમાં દરેક પંક્તિ મિસરો હોય છે. હાઈકુના દેહમાં જો પાંચ અક્ષરોમાં આખો મિસરો સમાવવા જઈએ તો જોડકણાં પણ લખવાં દુઃસાધ્ય થઈ જાય.

પ. હાઈકુ-દેહ ગઝલનું બંધારણ:

 1. આ બંધારણમાં રુકન-બંદીની જગ્યાએ હાઈકુ-દેહ બંધન લગાવી, હાઈકુ-દેહ ગઝલ સાંગોપાંગ એક જ ત્રિપદ છંદમાં રચાવી જોઈએ.
  1. આ છંદ વૈશિષ્ટ્યની શરત કંઈક અંશે રૂબાઈને મળતી આવે છે.
  2. હાઈકુ-દેહ ગઝલના તમામ શે’ર પરસ્પર સ્વતંત્ર રહેવા જોઈએ.
  3. હાઈકુ-દેહ ગઝલના શે’રમાં બાર અક્ષરોના બે મિસરા બનવા જોઈએ. ઉલા મિસરો પહેલા ૫ અને ૭ અક્ષરોનો (સદર અને અરૂઝ) બને અને સાની મિસરો ૭ અને છેલ્લા ૫ અક્ષરોનો (ઇબ્તદા અને ઝિર્બ) બને.
   1. આમ હાઈકુ-દેહ ગઝલનો શે’ર ૭ અક્ષરોની પંક્તિમાં શ્લેષાત્મક બને છે. આથી હાઈકુ-દેહ ગઝલને “દોઢવેલી ગઝલ” પણ કહી શકાય.
   2. અરૂઝ અને ઇબ્તદાના વિશિષ્ટાદ્વૈત સિવાય મિસરાઓનું કથન એક બીજામાં ચડી ન જવું જોઈએ.
   3. હાઈકુ-દેહ ગઝલમાં સાતત્યનો આભાસ રદીફ઼-કાફ઼િયા દ્વારા જળવાવો જોઈએ. હાઈકુ-દેહ ગઝલના દરેક શે’રના અંતિમ ૫ અક્ષરોમાં રદીફ઼-કાફ઼િયા આવવા જ જોઈએ.
   4. મત્લાના પહેલા ૫ અક્ષરોમાં પણ રદીફ઼-કાફ઼િયા આવવા જ જોઈએ.

૬. હાઈકુ-દેહ ગઝલની લાક્ષણિકતા અને મર્યાદા:

 1. હાઈકુ-દેહ ગઝલ છંદ બંધારણના કારણે “હાઈકુ-માલા” જેવી દેખાય છે. મત્લા, મિસરાબંદી, શે’રોના સ્વાતંત્ર્ય અને રદીફ઼-કાફ઼િયાના કારણે તે ગઝલ જેવી લાગે છે.
 2. હાઈકુ-દેહ ગઝલ આત્માથી ગઝલ છે, હાઈકુ નહીં.
 3. હાઈકુ-દેહ ગઝલમાં બંધારણીય સરળતાને કારણે છંદ-દોષ અલ્પસંભવ છે.
 4. હાઈકુ-દેહ ગઝલો અગેય છે.
 5. હાઈકુ-દેહ ગઝલના શે’રનું પઠન “પ+૭; ૭+૫” રૂપે કરવું સલાહભર્યું છે. આ કારણે ગઝલની નાટ્યાત્મકતામાં રૂકન, બહર, મત્લા, રદીફ઼ અને કાફ઼િયા ઉપરાંત શ્લેષાત્મક ૭ અક્ષરોની પંક્તિ પણ ઉમેરાય છે.
 6. પાંચ-પાંચ અક્ષરોના બે ચરણમાં એક-એક વખતે રદીફ઼-કાફ઼િયા લખવાના પડકારના કારણે હાઈકુ-દેહ ગઝલનો મત્લા લખવો સરળ નથી.
 7. પરંપરાગત ગઝલોમાં વઝનના બંધનોને કારણે ન વપરાઈ શકતા શબ્દો (જેમ કે “મતમતાંતર”) હાઈકુ-દેહ ગઝલમાં વાપરી શકાય છે.
 8. છંદ વૈશિષ્ટ્યના કારણે હાઈકુ-દેહ ગઝલોનું ભાષાંતર કરવું લગભગ અશક્ય છે.
 9. જે ભાષાઓમાં હાઈકુ માત્રામેળે લેવામાં આવે છે તે ભાષાઓમાં માત્રામેળે હાઈકુની વ્યાખ્યા રાખી, બાકીના નિયમો અકબંધ રાખી, હાઈકુ દેહ ગઝલો લખી શકાય છે.

૭. ઉદાહરણો:

https://rachanaa.wordpress.com/category/%E0%AA%97%E0%AA%9D%E0%AA%B2%E0%AB%8B/%E0%AA%B9%E0%AA%BE%E0%AA%88%E0%AA%95%E0%AB%81%E0%AA%A6%E0%AB%87%E0%AA%B9-%E0%AA%97%E0%AA%9D%E0%AA%B2%E0%AB%8B/

6 Responses to “હાઈકુ-દેહ ગઝલની વ્યાખ્યા (ટેક્નિકલ)”

 1. Pancham Shukla Says:

  ગઝલ અને હાઈકુને યોગ્ય રીતે ડિસેક્ટ કરી બહુ વિચારણા પછી અને તાત્વિક રીતે આ નવા સ્વરૂપની સમજણ આપી છે. આવી સુંદર છણાવટ માટે સલામ !
  લેખ સાથે જ ઉદાહરણોની લિંક આપી થિયરી અને પ્રેક્ટિસનું બરાબર સાયુજ્ય સાધ્યું છે.
  આ પ્રકાર કષ્ટસાધ્ય છે અને કદાચ એટલે જ એક પડકાર રૂપે કોઈ બળુકા કવિને આ સ્વરૂપ અજમાવવાની ઈચ્છા થાય પણ ખરી.

 2. sudhir patel Says:

  Indeed very nice explanation in detail about this new type of ‘Haiku-Gazal’!
  Sudhir Patel.

 3. Dr. Jayraj Desai. Says:

  પ્રિય ભૂષિતભાઈ,

  ગુજરાતી સાહિત્યનો એક રસિયો જીવ છું અને ફેઈસબુક પર “ગઝલ તો હું લખું” એ ગૃપનો એક સભ્ય અને અનેક એડમીનોમાનો એક એડમીન છું. આ ગૃપ ગુજરાતી ગઝલના રસિકો, રચનાકારો અને ગુરૂજનોનો એક મંચ છે કે જે સપૂર્ણ બિનવ્યવસાયિક (noncommercial) છે અને જ્યાં ગુજરાતી ગઝલ વિષે ચર્ચા અને વિચાર વિનિમય થાય છે. હું પણ થોડું લખવાનો અને ઘણું શીખવાનો પ્રયત્ન કરું છું.

  આ લેખને મારાં એ ગ્રુપના પેજ પર ડૉક્યુમેન્ટ સ્વરૂપે આપના નામ અને લેખની વેબલિંક સાથે રજુ કરવા માંગુ છું જો આપની મંજૂરી હોય તો. આપ જો ફેઈસબુક પ્રોફાઈલ ધરાવતાં હો તો આ ગૃપના આ પેજની મુલાકાત અહીં નીચે જણાવેલી લિંક પર ક્લીક કરીને લઈ શકો છો અને આપને પણ જો યોગ્ય લાગે ને રસ હોય તો તો આપ પણ આ ગૃપમાં સામેલ થઈ શકો છો. ગૃપમાં જોડાવા માટે મને જાણ કરશો તો ખુશી થશે.

  “ગઝલ તો હું લખું” at:
  https://www.facebook.com/groups/gazaltohulakhu/

  આભાર.
  ડો. જયરાજ દેસાઈ.

 4. pramath Says:

  ડૉ. દેસાઈ,
  હાઇકુદેહ ગઝલમાં રસ લેવા બદલ અને તેને ફેલાવવાનો વિચાર કરવા બદલ આપનો આભાર!

  આપે મને પૂછ્યું તે માટે મને આપની બૌદ્ધિક નીતિમત્તાને માટે ખૂબ માન છે. ગુજરાતી સાહિત્યમાં (અને પ્રકાશનમાં) બધે આટલી નીતિમત્તા આવે તો આપણે એક દાયકામાં નોબેલ લાવી શકીશું!

  ઇન્ટરનેટના છૂટાછવાયા સ્વભાવના કારણે ઘણીવાર બને છે કે જૂની, વાસી માહિતી ફર્યા કરે. આથી આ સંદર્ભ લેખના ’કન્ટેન્ટ’ને એક જ જગ્યાએ રાખવો હિતાવહ છે. ભવિષ્યમાં હાઇકુદેહ ગઝલની વ્યાખ્યામાં કોઈ ફેરફાર થાય તો વ્યાખ્યા વિષે ગોટાળો ન થાય તે હેતુ છે.

  આપ જરૂર આપના શબ્દોમાં, આપની સાઇટો પર, આ સાહિત્યપ્રકાર વિષે આપના વિચારો અને કડવી ટીકા પણ લખો અને આ જગ્યાની *લિંક* મારા નામ સાથે જરૂર આપો પણ લેખનો કન્ટેન્ટ નહીં.

  કવિતા બદલાશે તો સુધરશે. વ્યાખ્યા બદલાશે તો ગોટાળા થશે.

  અહીંની કોઈ પણ કવિતા આપ “ક્રિયેટીવ કોમન્સ એટ્રીબ્યુશન ૨.૫ લાયસન્સ ઇન્ડિયા” અંતર્ગત વાપરી શકો છો. મારી એક કવિતા (’રિટાયરમેન્ટ’) સુરેશકાકાએ પોતાના બ્લૉગ પર મૂકી છે. હું પોતે જ ડૉ. રાવલની ગઝલો પર આધારિત બે-ત્રણ કૃતિઓ રચી ચૂક્યો છું!

  માઠું ન લગાડશો!

  સ્નેહાધીન,
  -’પ્રમથ’

  • pramath Says:

   અને હા, જયરાજભાઈ, મારો હેતુ કોઈ વ્યાવસાયિક કામને પણ રોકવાનો નથી. મારી કવિતા મારા નામ સાથે કોઈ સંગીતબદ્ધ કરીને કરોડો કમાય અને મને કોડી પણ ન આપે તો પણ મને વાંધો નથી.
   માત્ર વ્યાખ્યાશુદ્ધિ માટે જ આ ના પાડું છું.

 5. Dr. Jayraj Desai. Says:

  આપની વાત યોગ્ય જ છે. આપનો ખૂબ ખૂબ આભાર.

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google photo

You are commenting using your Google account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

Connecting to %s


%d bloggers like this: