(લખ્યા તારીખ: જાન્યુઆરી ૨૨, ૧૯૯૪)
(અછાંદસ)
“કવિતા લખો તે જીવવી પડે” કાયદો બની જાય તો?
માગ્યા પછી મદદ કરે, ઈશ વાયડો બની જાય તો?
એટલા જ માટે ટોળા સામે મોં સીવીને બેઠો છું
હરફ નીકળે મોંથી અને કાયદો બની જાય તો?
રોજમેળના જમા-ઉધાર અને પ્રેમની પુરાંત જણસેં
થોડી વધારે ચાહું, જીવન ફાયદો બની જાય તો?
જીવન તણાં રણ ભટકતાં મૃગજળ પીતાં મને થાય છે
રેતી ગંગાજળ બને, આભ છાંયડો બની જાય તો?
છૂટા પડવા ટાણે હું પૂતળું બની રોતો રહ્યો
ડોકેય હલી ગઈ ભૂલથી ’ને વાયદો બની જાય તો?